નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા ક્ષેત્રે, પશુ-પક્ષીઓની સુખાકારી માટે સેવારત અને ભારત સરકારના મહિલા અને બાળવિકાસ ખાતાનાં કેબીનેટ મંત્રી મેનકા ગાંધી દ્વારા સ્થાપીત પીપલ ફોર એનીમલ્સ સંસ્થાના ઉપક્રમે કલોલ શહેરની નજીક આવેલ ઓળા મુકામે પશુ-પક્ષીઓની વિનામુલ્યે સારવાર કરવાના ઉમદા કાર્યને ધ્યાનમાં લઈ કલોલમાં ઓળા ખાતે પીપલ ફોર એનીમલ્સ હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું હતું.
મુંબઈના ટાટા ગ્રુપ સાથે પાર્ટનરશિપમાં કરોડો રૂપીયાના માતબર ખર્ચે અત્યાધુનિક અને નિ:શુલ્ક અને ગુજરાતની સર્વશ્રેષ્ઠ એવી એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ પ્રસંગે મેનકા સંજય ગાંધી (ચેરપર્સન, પીપલ ફોર એનીમલ્સ) સાથે મુખ્ય મહેમાન નીતિનભાઈ પટેલ (નાયબ મુખ્યમંત્રી), મહંત દેવીજી (બાલા હનુમાનજી આશ્રમ, કુવાડવા રોડ) મહંત ગુરૂપદદાસ શાસ્ત્રીજી (કલોલ કબીર મંદિર) સહિતના અનેક શ્રેષ્ઠીઓ, જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે મેનકા ગાંધીએ પ્રસ્તાવિત હોસ્પિટલની સ્વપ્નાદ્રષ્ટા ટીમ ભરતભાઈ પ્રજાપતિ, શ્ર્વેતાબેન દવે, વિષ્ણુભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ પ્રજાપતિ, પીંકી પ્રજાપતિ, ઈમ્તીયાઝભાઈ શેખ, જય કોટક, નરેશભાઈ છુગાની, રાજુભાઈ રાઠોડ વિગેરેને અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતાં.
પ્રવચન આપતા મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, કચ્છના તુટ્ટા બંદરથી જ નહીં કોઈપણ સ્થળોથી જીવતા પ્રાણીઓની નિકાસ કરવી તે નિર્દયી અને ખરાબ બાબત છે. અગાઉ મહારાષ્ટ્રના નાગપુરમાંથી જીવતા પ્રાણીઓની નિકાસ કરાતી હતી અને જેને અમે ત્યાંથી બંધ કરાવી હતી. હવે ગુજરાતમાંથી ફરીથી શ‚ કરવામાં આવેલી જીવતા પ્રાણીઓની નિકાસ કેવી રીતે અટકાવી શકાય તેના માટે વિવિધ કાયદાકીય પગલા વિચારી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેનકા ગાંધીની આજીવન જીવદયા પ્રવૃતિઓની વિશેષ પ્રશંસા કરી હતી. ગુજરાત અને ગુજરાતીઓ તેમની જીવદયા પ્રવૃતિઓ અને ગૌસેવાના સંસ્કાર સતત જાળવી રાખે છે તે બદલ તેમને અંતરનો રાજીપો વ્યકત કર્યો હતો.