-
ખેડુત પુત્રએ પોતાના વતન પડધરી તાલુકામાં અધધ ૨.૧૮ લાખ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું
-
સમગ્ર કામગીરી માટે ૧૮૦ કામદારોની ટીમ તૈનાત કરાઈ માનવ સેવા ચેરી.ટ્રસ્ટ અને સદભાવના વૃધ્ધાશ્રમના સ્થાપક વિજયભાઈ ડોબરીયા સાથે ‘ચાય પે ચર્ચા’
-
વાવેતર બાદ વૃક્ષને પાંજરા અને કાંટાળી ઝાળીનું રક્ષણ પણ અપાઈ છે, દર ત્રણ દિવસે દરેક વૃક્ષને ટેન્કર વડે પાણી પીવડાવામાં આવે છે: ગ્રામ્ય કક્ષાએથી શ‚ થયેલુ આ અભિયાન તાલુકા કક્ષાએ પૂર્ણ થવાના આરે, હવે જિલ્લા કક્ષાએ કામગીરી થશે
મૂળ ફતેપર ગામના ખેડુત પુત્ર વિજય ડોબરીયા સઘન વૃક્ષારોપણ અભિયાન ચલાવી ગ્લોબલ વોર્મિંગ સામે બાથ ભીડી રહ્યા છે માત્ર વૃક્ષોનું વાવેતર જ નહી પરંતુ કપરી ગણાતી વૃક્ષની જતનની કામગીરી પણ તેઓ દ્વારા હોંશભેર કરવામાં આવી રહી છે. પોતાના વતન પડધરી તાલુકાને હરીયાળુ બનાવવાનાં સંકલ્પ સાથે આ ખેડુત પુત્રએ અધધ ૨.૧૮ લાખ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. પર્યાવરણ સંરક્ષણ માટે કરાયેલી અભૂતપૂર્વ કામગીરી અને વિસ્તૃત વિગત આપવા માનવ સેવા ચેરી.ટ્રસ્ટના સ્થાપક વિજયભાઈ ડોબરીયા ‘અબતક’ના ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મૂળ પડધરી તાલુકાના ફતેપર ગામના વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે તેઓએ ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. બાદમાં રાજકોટમાં કોલેજ અને એમએસડબલ્યુનો અભ્યાસ કર્યો હતો.
એમએસડબલ્યુના અભ્યાસ ક્રમમાં માત્ર સામાજીક કાર્યો તરીકે ગરીબો અને જરૂરીયાત મંદોની સેવાને જ ગણવામાં આવતા હતા. પરંતુ ત્યારે તેઓનાં મનમાં તો પર્યાવરણની સેવા કરવાની ઈચ્છા હતી.
વધુમાં વિજયભાઈએ ઉમેર્યું કે સૌ પ્રથમ ૫ જૂન ૨૦૧૪ના રોજ તેઓ ફતેપર ગામમાં ૧૨ વૃક્ષનું વાવેતર કર્યું હતુ અને તેનું યોગ્ય રીતે જતન પણ કર્યું હતુ. બાદમાં તેઓ આ કામગીરી પ્રત્યે વધુ પ્રેરાતા ૬ મહિના બાદ ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું ત્યારબાદથી વૃક્ષારોપણની કામગીરી ઝુંબેશ રૂપે શરૂ થઈ ગઈ હતી. પ્રથમ વર્ષે ૧૦ હજાર વૃક્ષો વાવ્યા હતા. બીજા વર્ષે ૫૦ હજાર આમ ધીમેધીમે ૪ વર્ષમાં ૨.૧૮ લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
વિજયભાઈ ડોબરીયાએ કહ્યું કે માત્ર વૃક્ષારોપણ કરવાથી વાત પુરી નથી થતી. કપરૂ કામ તો વૃક્ષોનું જતન કરવું તે છે. તેઓ દ્વારા વાવવામાં આવેલા તમામ વૃક્ષોને પાંજરા અને કાંટાળી ઝાળીનું રક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. બાદમાં દર ત્રણ દિવસે ટેન્કર મારફતે તમામ વૃક્ષોને પાણી પૂરૂ પાડવામાં આવે છે. આ કામગીરી માટે કુલ ૧૮૦ કામદારોની ટીમ કાર્યરત રાખવામાં આવી છે. જેમાં સુપરવાઈઝરની ટીમ પણ ઉપલબ્ધ છે. આ ટીમ દર ત્રણ દિવસે તમામ વૃક્ષોનું નિરીક્ષણ કરે છે. જો વૃક્ષ સુકાય ગયું હોય અથવા તો વૃક્ષને કોઈ નુકશાની થઈ હોય તો વૃક્ષને બદલી નાખવામાં આવે છે. તેઓ દ્વારા લીમડો, વડ, પીપળો, ખાટી આમલી, કરંજ અને બોરસલી જેવા વૃક્ષો વાવવામાં આવે છે. સામાન્ય રીતે આ વૃક્ષોનું આયુષ્ય ૨૦૦ વર્ષ જેટલુ હોય છે. આમ લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનું જ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવેતર કરવામાં આવે છે. કુલ ૨.૧૮ લાખ વૃક્ષો વાવીને પડધરી તાલુકાના ૪૦ જેટલા ગામો લીલા છમ બની ગયા છે.
પડધરી તાલુકાના રોડની બંને બાજુ ખરાબામાં તેમજ ગૌચરમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખરાબામાં તેમજ ગૌચરમા બગીચા બનાવી તેમા ૩ હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવે છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનાં ૫૦ થી વધુ બગીચાઓ તૈયાર કરવામા આવ્યા છે.
વધુમાં વિજયભાઈએ ઉમેર્યું કે ૧૮૦ કામદારોની ટીમ પાસેથી આયોજન બધ્ધ રીતે કામ કરાવવામા આવે છે. પ્રથમ જેસીબી વડે ખાડો ખોદવાનું કામ થાય છે.
ત્યારબાદ વૃક્ષના વાવેતરનું અને લોખંડનું પાંજરૂ મૂકવાનું કામ થાય છે. બાદમાં લોખંડના પાંજરાની ફરતે કાંટાળી ઝાળી ગોઠવી દેવામાં આવે છે. પછી ટેન્કર મારફતે પાણી પૂરૂ પાડવામાં આવે છે. દર ત્રણ દિવસે વૃક્ષને પાણી પૂરૂ પાડવાની અને તેનું નિરીક્ષણ કરવાની કામગીરી કરવામાં આવે છે. વાવેતર કરવામાં આવે તો વૃક્ષોને પાણી પૂરૂ પાડવા માટે ૫૪ જેટલા વાહનો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારાના ૧૫ વાહનો દશેરાના દિવસે સમાવવામાં આવશે.
વિજયભાઈ ડોબરીયાએ વધુમાં કહ્યું કે ઘણા ખરા લોકો સમયના અભાવે વૃક્ષારોપણ કરી શકતા નથી. ત્યાર તેઓની નેમ પ્લેટ સાથે તેમના વતી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વૃક્ષનું વાવેતર કરી આપે છે. ઘણા ખરા લોકો પોતાના જન્મદિવસ, સ્વજનની તિથિ કે અન્ય પ્રસંગોએ ખર્ચ ભોગવીને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી વૃક્ષનું વાવેતર કરાવે છે. અંતમાં વિજયભાઈ ડોબરીયાએ સંદેશો આપતા જણાવ્યું હતુ કે દરેક વ્યકિતએ પોતાની ફરજ સમજીને વૃક્ષતો વાવવા જ જોઈએ અને તેનું જતન પણ કરવું જોઈએ.
નિરાધાર વડીલો માટે સ્વર્ગથી પણ સોહામણી જગ્યા એટલે સદભાવના વૃધ્ધાશ્રમ
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિતલ પાર્ક ખાતે સદભાવના વૃધ્ધાશ્રમ પણ ચલાવવામાં આવે છે. વૃધ્ધાશ્રમ વિશે વિજયભાઈ ડોબરીયાએ કહ્યું કે આ વૃધ્ધાશ્રમ નિરાધાર વડિલો માટે સ્વર્ગથી પણ સોહામણી જગ્યા છે. અહી માત્ર નિસંતાન અને આખી જીંદગી કામ કર્યું હોય તેવા વડીલોને જ આશ્રય આપવામાં આવે છે.
હાલ વૃધ્ધાશ્રમમાં ૧૧૫ વડીલો છે. જેમાં ૨૨ વડીલો સંપૂર્ણ પથારીવશ છે. વૃધ્ધાશ્રમ દ્વારા કોઈ પણ બીમારીથી પથારીવસ થયેલા વડીલોને સાચવવામાં આવે છે. વૃધ્ધાશ્રમમા મોટુ ફ્રીજ રાખવામા આવ્યું છે. જેમાં તમામ પ્રકારના ફળોનો સંગ્રહ કરવામાં આવે છે. વડીલો ગમે ત્યારે પેટ ભરીને આ ફળો આરોગી શકે છે. ઉપરાંત દરરોજ વડીલો કહે તેપ્રકારે જ તેને ભાવતુ ભોજન બનાવી આપવામાં આવે છે. અનેક દાતાઓ વર્ષે કે છ મહિને રૂ.૫૦૦નું દાન આપે છે. જેની મદદથી વૃધ્ધાશ્રમ ચાલે છે.