- લોકભાગીદારી ધોરણે વહિવટી તંત્ર સાથે જોડાવાની ગ્રેટર ચેમ્બરની તૈયારી નાગરીકોને આ અભિયાનમાં જોડાવા આહવાન
રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં બનેલ આગ લાગવાની ઘટનામાં ઘણા હતભાગી લોકોએ તેમનો જીવ ગુમાવેલ તથા ઘણા લોકો ઇજાગ્રસ્ત થયેલ છે. જે દુ:ખદ ઘટનાથી સૌ સૌરાષ્ટ્રવાસી સહીત સમગ્ર ગુજરાતના લોકોને આઘાત અને શોકની લાગણી થયેલ છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ પણ આ બનાવથી શોકમગ્ન થઇને મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવેલ તથા આવા બનાવોને અનુલક્ષીને આગામી સમયમાં શું શું તફેદારી રાખવી જોઇએ અને કયાં પ્રકારની બેદરકારીથી લોકો સમક્ષ આવું જીવનું જોખમ ઉભુ થાય તેના કારણો શોધી તેની સમીક્ષા કરીને નિરાકરણ અનુલક્ષી કામગીરી સંલગ્ન સરકારી કચેરીઓ સાથે મળીને કરવા માટેની તત્પરતા દાખવેલ છે. રાજકોટ જિલ્લા કલેકટર, રાજકોટ મહાનગરપાલિકા કમીશ્નર, રાજકોટ શહેર પોલીસ કમીશ્નર તથા ફાયર સેફટી વિભાગના વડાને લેખીતમાં આવા આગના બનાવો વખતે રજુઆત કરી કપરા સમયમાં લોકહિતની ભાવના પ્રદર્શિત કરેલ છે.
સરકારી તંત્રની અન્ય જવાબદારીઓ તથા મેનપાવર રીસોર્સીસની મર્યાદાઓ હોય નીચે મુજબના પગલા ક્રમવાર લેવાનું ચેમ્બરનું સુચન છે અને તે પગલા લેવા માટે ચેમ્બરના સભ્યોનો પુરો સહયોગ આપવાની તૈયારી દર્શાવે છે.
રાજકોટમાં બહોળા પ્રમાણમાં જયાં લોકોની અવરજવર હોય તેવા ગીચ સ્થળો જેવા કે, મોલ, સિનેમા, સરકારી કચેરીઓ, દવાખાનાઓ, જાહેર સેવાના સ્થળો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, હવાઇઅડ્ડા, ફનપાર્ક, ગેમઝોન વગેરે જગ્યાએ ચેમ્બર આપની સાથે જોડાઇને ફાયર સેફટી એનઓસી અને સાધનોનું ફિઝીકલ વેરીફિકેશન કરવા માટે સહયોગ આપશે.
તબક્કાવાર મોટા કારખાના, ખાનગી કચેરીઓ, મોટી દુકાનો, બજારો, કોર્મશીયલ કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પણ ફાયર સેફટીનું એનઓસી અને ફાયર સેફટીના સાધનોની ચકાસણી સરકારી તંત્ર સાથે ચેમ્બર જોડાઇને મદદરૂપ થશે.
લોકોની ભીડભાડવાળી જગ્યા, સરકારી કચેરીઓ, મનોરંજનના સ્થળો, કોર્મશીયલ, ઇન્ડસ્ટ્રીયલ તથા રેસીડેન્શીયલ જગ્યાઓમાં ફાયર સેફટી અંગેનું રજીસ્ટ્રેશન તથા સમયાંતરે તેને રીન્યુ કરવાની કામગીરી, ફાયર સેફટીના સાધનોની જાળવણી તથા તેનો ઉપયોગ જેવા મહત્વના કામ અંગેનો સર્વે હાથ ધરીને પ્રજામાં આવા આગના બનાવો અંગે જાગૃતતા આવે તેવી કામગીરી પણ સંલગ્ન સરકારી કચેરીની સાથે એનઓસી ધોરણે સહયોગ મેળવીને અમારી સંસ્થા કરવા માટે કટીબધ્ધ છે.
આ કાર્યમાં સહભાગી થવા માટે આપનું નામ ચેમ્બરના મો.નં. 90817 09410 ઉપર વોટસએપ કરી વધુમાં વધુ લોકો આ કાર્યમાં જોડાય અને જે સ્થળે જે કંઈ ખામીરહી ગઈ છે. તેનોઉકેલ લાવવા માટે સહભાગી થવા ગ્રેટર ચેમ્બરના પ્રમુખ રાજીવભાઈ દોશી તથા માનદમંત્રી મયુરભાઈ શાહે અનુરોધ કર્યો છે.