રાષ્ટ્રસંત ગૂરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજના સાનિધ્યમાં ગૂરૂ પ્રાણલાલજી મહારાજની ૧૨૧મી જન્મજયંતિનો અવસર અર્પણોત્સવ ઉજવાયો: પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતિજીના ૮૯મા જન્મદિને સૌએ પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રસંત ગૂરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજ સા.ના સાનિધ્યે સૌરાષ્ટ્ર કેસરી ગૂરૂપ્રાણલાલજી મહારાજ સા.ની ૧૨૧મી જન્મજયંતીનો અવસર અર્પણોત્સવ ભકિતભાવપૂર્વક ઉજવાયો હતો. આ તકે ગૂરૂદેવે જણાવ્યું હતુકે પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં અનેકના હૃદયમાં પ્રત્યક્ષ બિરાજમાન હોય તે મહાપુરૂષ હોય છે.
પરમ પ્રતાપથી મહાપુરુષ સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરૂદેવ પ્રાણલાલજી મહારાજની ૧૨૧મી જન્મજયંતી અને સંપ્રદાયવરિષ્ઠ પુ પ્રાણકુંવરબાઈ મહાસતીજીના ૮૯મા જન્મદિનનો અવસર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુની મહારાજ સાહેબના સાંનિધ્યે ’અર્પણોત્સવ’ સ્વરૂપે અત્યંત ભક્તિભાવી ઉજવાયો હતો.
લાઈવના માધ્યમે આયોજિત અર્પણોત્સવના આ કાર્યક્રમમાં અનેક ક્ષેત્રોમાં બિરાજિત ગુરુપ્રાણ પરિવારના મહાસતીજીઓ સાથે સમગ્ર ભારત અને અમરેકિા, લંડન, ઓષ્ટ્રલીયા, દુબઇ, સિંગાપોર, મલેશિયા, અબુ આદિ વિદેશના અનેક ક્ષેત્રોનાં હજારો ભાવિકો જોડાઇને ગુરુ ભગવંત અને પૂ પ્રાણકુંવરબાઈ મહાસતીજીને શુભેચ્છા વંદના અર્પણ કરી હતી.
ગુરુ પ્રાણલાલજી મહારાજ ગુણોની સ્મૃતિ કરતાં આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવએ બોધ વચન ફરમાવતા કહ્યું હતું કે, મહાપુરુષો એ જ હોય છે જે પોતાના જીવનના દરેક દિવસ અને રાત્રિને સાર્થક કરી લેતાં હોય છે. જે પ્રત્યક્ષ ન હોવા પર પણ અનેકોના હૃદયમાં પ્રત્યક્ષ બિરાજમાન હોય, તે મહાપુરુષ હોય છે. મહાપુરુષોના ગુણોનું સ્મરણ આપણને પણ ગુણવાન બનાવી દેવા સમર્થ હોય છે. એવા મહાપુરુષોના ચરણ પડે છે ત્યાં ત્યાં દરેકના અંતરનું ચૈતન્ય પ્રગટ થઈ જતું હોય છે.
એ સાથે જ, ગુરૂ તત્વનું મહત્વ દર્શાવતાં પરમ ગુરૂદેવે ફરમાવ્યું હતું કે, ગુરૂનો એક શબ્દ, ગુરુની એક દ્રષ્ટિ અને ગુરુ સાંનિધ્યની એક ક્ષણ માત્ર સમગ્ર સંસારનો ત્યાગ કરાવી દેતી હોય છે. ગુરૂ એવા વિશુદ્ધ ચારિત્રના ધારક હોય છે જેના પ્રભાવે શિષ્ય પણ ચારિત્રવાન બની જતાં હોય છે. એવા ઉપકારી ગુરુના. ચરણ જેને પોતાના આવાસ રૂપ લાગતાં હોય તેવા શિષ્યનું શિષ્યત્વ સાર્થક બની જતું હોય છે. આ અવસરે પૂ પ્રાણકુંવરબાઈ મહાસતીજીને જન્મદિનની શુભેચ્છા આપીને પરમ ગુરૂદેવે એમના દીર્ઘ સંયમ પર્યાય પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.
ઉપકારી ગુરૂ ભગવંત પ્રત્યે ગુણ વંદના અર્પણ કરતાં રાજકોટ રોયલપાર્ક સંઘી પૂ પ્રભાબાઈ મહાસતીજીએ પ્રાણગુરુને એક ગુણગ્રાહી, સેવાભાવી મહાપુરુષ તરીકે ઓળખાવ્યા હતાં. ઘાટકોપર કામાલેન સંઘી પૂ ઉર્મિલાબાઈ મહાસતીજી એ ગુરુપ્રાણને એક સેવાભાવી સંત તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, ગુરુપ્રાણે સમસ્ત સંઘ અને સમાજમાં એકતા અને સંગઠનનું સર્જન કર્યું હતું. તે માત્ર એક ફૂલ સમાન ન હતા પરંતુ સ્વયં એક ઉદ્યાન હતાં. વલસાડ – મગોદી પૂ પ્રાણકુંવરબાઈ મહાસતીજીએ ગુરુપ્રાણના ગુણોની અભિવ્યક્તિ કરતાં કહ્યું હતું કે, ગુરુ પ્રાણ ગુણોના ભંડાર હતાં, જેમણે અનેક જીવોને તાર્યા, વ્યસનીઓના વ્યસન છોડાવ્યા અને અનેકના જીવન સુધાર્યા હતાં.
પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજીના શિષ્ય ડોક્ટર પૂ વિરલબાઇ મહાસતીજીએ ગુરુણીમૈયાના ગુણોની પ્રશસ્તિ કરીને જન્મદિનની શુભેચ્છા વંદના અત્યંત અહોભાવ પૂર્વક અર્પણ કરી હતી. મગોદમાં બિરાજીત મહાસતીજીએ અત્યંત સ્નેહભાવ સાથે ગુરુણીમૈયાને શાલ સાથે શુભેચ્છા વંદના આપી હતી. પૂ પ્રિયલબાઈ મહાસતીજીએ સુંદર ગીત પ્રસ્તુતિ સાથે શુભેચ્છા અર્પણ કરી હતી. વસઈ માણેકપુરી ડો. પૂ. આરતીબાઈ મહાસતીજી, અનકાઈ બિરાજિત પૂ ઉર્વશીબાઈ મહાસતીજી, ઘાટકોપર હીંગવાલા સંઘી ડો.પૂ જશુબાઈ મહાસતીજી અને રાજકોટી ડો.પૂ અમિતાબાઈ મહાસતીજી તેમજ પ્રવીણભાઈ કોઠારી અને ચંદ્રકાંતભાઇ શેઠે ગુરુપ્રાણના ગુણ સમૃધ્ધ વ્યક્તિત્વનો સુંદર ભાવોમાં પરિચય આપી અહોભાવના અર્પણ કરી હતી. પૂ સંજીતાબાઈ મહાસતીજીએ ગીત પ્રસ્તુતિ સાથે ગુરુ ભગવંત પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.
ગુરુ ભગવંતની ગુણ સ્મૃતિ સાથે દરેક મહાસતીજીઓએ પૂ પ્રાણકુંવરબાઈ મહાસતીજીને જન્મદિનની અત્યંત અહોભાવથી શુંભેચ્છા વંદના અર્પણ આ અર્પણોત્સવ દરેકના હૃદયમાં અહોભાવ-ઉપકારભાવની અનુભૂતિ કરાવી ગયો. આવનારા દિવસોમાં પધારી રહેલા પરવધિરાજ પર્યુષણ મહાપર્વ આ વર્ષે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા.ના સાનિધ્યે વર્લ્ડ ગ્લોબલ ઓનલાઇન પર્યુષશ સ્વરૂપે ઉજવવામાં આવશે. પર્વના આઠ દિવસ દરમિયાન સવારથી સાંજ અને રાત સુધી અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે જેના અંતર્ગત ઇનર કલીનિંગ કોર્સ, બોધ પ્રવચન, મંત્ર જપ સાધના, બાલ પર્યુષણ મહોત્સવ, સમૂહ પ્રતિકમણ આરાધના, ભક્તિ સાંધ્યા અને રાત્રિ પ્રવચનની સાથે ભગવાન મહાવીર જન્મોત્સવ, સંવત્સરી આલોચના અને સવા લાખ સામૂહિક સંવત્સરી પ્રતિકમણ આરાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ સાનિધ્યે આત્માની શુદ્ધિ વિશુદ્ધિ અને કલ્યાણ કરાવી દેનારા આ દરેક અનુષ્ઠાનમાં દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાશે.