સગા પુત્રે જનેતા સામે નોંધાવી હત્યાની ફરિયાદ: વૃઘ્ધાના કૃત્યથી ફિટકાર
ગોંડલ શહેરમાં એક પૌત્રી પછી બીજી પૌત્રીનો જન્મ થતાં તેને મોનોકોટો પાઇ દઇ હત્યા કરનાર દાદી વિરુઘ્ધ તેના જ સગા પુત્રે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોડલના મૌવેયા રોડ પર પશુ દવાખાના પાસે રહેતા કેતન રણછોડભાઇ રૈયાણી પોતે હિરા ધસવાનું કામ કરે છે. તેના લગ્ન ચાર વર્ષ પહેલા મહારાષ્ટ્રની સંગીતા સાથે થયા છે. સંતાનમાં ક્રિષા (ઉ.વ.૩) અને હજુ ૧૯ દિવસ પહેલા જ બીજી પુત્ર કિંજલનો જન્મ થયો હતો.
કજિયા કરતી કિંજલને માતા અથવા દાદીએ તબીબે લખી દીધેલી દવાના બે ટીપા આપ્યા હતા. પરંતુ તેમ છતાં કિજલ શાંત થવાના બદલે રડયા જ કરતી હોય કામેથી પરત આવેલા પિતા કેતનભાઇએ ફરીથી દવાના બે ટીપા આપ્યા હતા. જે પછી વધુ કજિયા કરતાં પિતાએ માસુમ કિંજલને તેડી લીધી હતી.આ સમયે વ્હાલસોયીના મોમાંથી મોનોકોટો દવાની દુર્ગધ આવતા કેતનભાઇ ચોંકી ઉઠયા હતા. અને તુરંત જ ગોંડલની હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને તુરંત જ ગોંડલની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હતી. પરંતુ માસુમે રાત્રે જ અંતિમ શ્ર્વાસ લીધા હતા. ઘટનાને પગલે ગોંડલ પોલીસ દોડી આવી હતી અને પિતાની શંકાના આધારે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું તેમાં જંતુનાશક દવા હોવાનું ખુલ્યું હતું.
પોલીસે મૃતક ૧૯ દિવસની બાળકીના પિતા કેતનભાઇ રૈયાણીની ફરીયાદ પરથી પોતાની સગી માતા શાન્તાબેન રણછોડભાઇ રૈયાણી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી પ્રાથમીક પુછપરછમાં પોતાનો પુત્ર કેતનને સંતાનમાં એક પુત્રી હતી અને બીજી પુત્રીનો જન્મ થતા પુત્રની ધેલછામાં આ કૃત્યુ આચર્યા કબુલાત આપી છે.