પંચકલ્યાણ પુજા, અઢાર અભિષેક, બીજી ધ્વજાની ઉચ્છામણી સહિતના કાર્યક્રમો
રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની ૭૫મી વર્ષગાંઠ નિમિતે ત્રિ-દિવસીય અમૃત મહોત્સવ અને ધજારોહણના ભવ્ય ઉત્સવનું મણિયાર દેરાસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૨ને શનિવારના રોજ અઢાર અભિષેક તથા બીજી ધજાની ઉચ્છામણી કરવામાં આવનાર છે તો સાંજે ભવ્ય આંગી મહાપુજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. દેરાસરમાં ભગવાનને વિવિધ ભોગ, શણગાર અને રંગોળીઓ પુરવામાં આવી હતી.
આ પ્રસંગે સંઘની શ્રાવિકા દ્વારા પંચકલ્યાણક પુજા કરવામાં આવશે તો સાંજે પરમાત્માની ભવ્ય આંગી અને રાત્રી ભજનમાં પ્રતાપભાઈ શાહ સેવા આપશે. રવિવારે સતર ભેદી પુજા ત્યારબાદ ભવ્ય રથયાત્રા સહિતના કાર્યક્રમો અને મહાઆરતીનું આયોજન છે. પંચકલ્યાણક પુજા તથા ભવ્ય આંગીના લાભાર્થી ગજુમતીબેન સૌભાગ્યચંદ કોઠારી પરિવાર છે. તેમજ સંઘ સ્વામી વાત્સલ્ય અને રાત્રી ભકિત ભાવનાના લાભાર્થી લક્ષ્મીબેન શિવલાલજી સાકલચંદજી રામસીના પરીવાર (કોલ્હાપુર) છે. અઢાર અભિષેક તથા બીજી ધજાની ઉચ્છામણીના વિધિકાર ભુપતભાઈ શેઠ તથા સંગીતકાર પ્રતાપભાઈ શાહ છે.
કાલે પરમાત્માના અભિષેક, પરમદિવસે રથયાત્રા: પંકજભાઈ કોઠારી
રાજકોટ તપગચ્છ જૈન સંઘના ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજકોટ તપગચ્છ જૈન સંચાલિત મણીયાર દેરાસરને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે તે નિમિતે ત્રિ-દિવસીય અમૃત મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં આજે પંચકલ્યાણક પુજા આવતીકાલે પરમાત્માના ૧૮ અભિષેક પરમદિવસે રથયાત્રા જે જીનાલયને પ્રદક્ષિણા ફરી અહીંયા આવશે. રથયાત્રા પુરી થયા બાદ ધજા ચડશે. મહોત્સવ માટે જીનાલયને ખુબ સુંદર રંગોળી તેમજ ફુલોથી શણગારવામાં આવેલ છે સાથે ૩ દિવસ સાંજે આંગીના દર્શન થશે. પ.પૂ.આચાર્ય ભગવંત યશોવિજયસુરી. મહારાજની શુભ નિશ્રામાં યોજાયેલ છે.