સામાકાંઠા વિસ્તારનો વોર્ડ નં.૫ રંગબેરંગી રોશનીથી ઝગમગ્યો : ૩૦૦૦ ચાંદીની નોટ મહેમાનોને અપાશે ભેટમાં :સોમવારે ગુજરાતી ગરબા કિંગ કિર્તિદાન ગઢવી, ગમન સાંથલ (ભુવાજી), દેવાયત ખવડના સંગાથે સદગુરૂ આશ્રમ પાર્ટી પ્લોટમાં ભવ્ય રાસોત્સવ
શહેરનાં સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં.૫ના કોર્પોરેટર અનિલભાઈ કવાભાઈ રાઠોડ તેમજ લક્ષ્મીબેન રાઠોડના સુપુત્ર ચિ. કરણના શુભલગ્ન પ્રસંગે જાજરમાન આયોજનો થયા છે. આગામી સોમવારથી વિવિધ શુભ અવસરો શરૂ થનાર છે. લગ્નોત્સવ પૂર્વે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓ અપાઈ રહ્યો છે.
કોર્પોરેટરના નિવાસ સ્થાન ૧ સિલ્વર નેસ્ટ સોસાયટી રંગબેરંગી રોશનીથી ઝળહળી રહી છે. વિશાળ જગ્યામાં લગ્નોત્સવનો ધમધમાટ શરૂ થયો છે. કોર્પોરેટ અનિલભાઈ રાઠોડ પરિવાર દ્વારા ૩૦૦૦ જેટલી ચાંદીની નોટ છપાવવામાં આવી છે. જે આવનાર પરિવારના નજીકના સગાઓને ભેટ રૂપે આપવામાં આવશે.
ચિ. કરણના શુભ લગ્ન પ્રસંગની પૂર્વ સંધ્યાએ તા.૩-૨ને સોમવારના રોજ આયોજીત ભવ્ય રાસોત્સવમાં ગરબા કિંગ કિર્તીદાન ગઢવી, સુપ્રસિધ્ધ ગાયક ગમન સાંથલ (ભુવાજી), લોક સાહિત્યના પ્રસિધ્ધ કલાકાર દેવાયત ખવડની સંગાથે સૂર, સ્વર અને લયના સથવારે રાસોત્સવ સોહામણો બનશે.
તા.૪-૨ને મંગળવારે ઢોલના નાદે, શરણાઈના સુરે, સંતો મહંતોના આર્શીવચન સાથે તેમજ હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા સાથે જાજરમાન જાનનું સાંજે પ્રસ્થાન થશે. ચિ. કરણ મંગલ ઘડીએ ચિ. અંજલી સાથે સપ્તપદીના સથવારે લગ્નગ્રંથી જોડાશે.
નવયુગલના પરિણય મહોત્સવના વધામણા કરવા તા.૫ ના રોજ ભવ્ય સત્કાર સમારોહ યોજાશે. જેમાં લોક લાડીલા સીંગર કિંજલ દવે આનંદભર્યા અવસરને યાદગાર બનાવશે.ચિ.કરણના શુભ લગ્ન પ્રસંગે મહેમાનોને આવકારવા રાઠોડ પરિવાર ઉત્સુક છે.