બીએ, એમએ, પીએચડી સુધી અભ્યાસ નિ:શુલ્ક: વર્ગખંડ, વિશાળ લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સુવિધા સજ્જ આવાસ, ભોજનકક્ષ સહિતની સંપૂર્ણ સુવિધાઓ

વિશ્વવિખ્યાત યાત્રાધામ અને તીર્થધામ એવા સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ગઈકાલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના વિશાળ નૂતન ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૩ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર સાથે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત ભાષાને સર્વે ભાષાઓની જનનીની ઉપમા આપવામાં આવી છે. આ પ્રાચીન ભાષાના જતન અને સંવર્ધન માટે બીએપીએસ સંસ્થા સદૈવ કાર્યરત છે. તે હેતુસર પ્રમુખસ્વામી મહારાજે પોતે કાળજી લઈને સંસ્કૃત ક્ષેત્રમાં ઉચ્ચ પ્રદાનો આપી શકે એવા  વિદ્વાનોની ભેટ સમાજને આપી હતી. તેની સાથે જ સંસ્કૃત અભ્યાસ માટે સુવિધા સંપન્ન સંકુલનું નિર્માણ થાય તેવો તેઓનો સંકલ્પ હતો. જેના બીજ તેઓએ સને ૨૦૧૩માં સારંગપુર ખાતે સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરીને નાંખ્યા હતા. થોડાક જ વર્ષમાં આ બીજમાંથી વટવૃક્ષ બનેલા સંસ્કૃત મહાવિદ્યાલયના વિશાળ ભવનનું ઉદ્ધાટન ગઈકાલે સારંગપુર ખાતે સંપન્ન થયું. ઉલ્લેખનીય છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંલગ્ન આ મહાવિદ્યાલયમાં સંસ્કૃત માધ્યમ સાથે અનેકવિધ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ભારત ઉપરાંત યુરોપ અને અમેરિકાના એનઆરઆઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

અનેકવિધ વિશેષતા ધરાવતા સંસ્કૃત મહાવિદ્યાલયનું નૂતન ભવન પ્રાચીન ગુરુકુળની સંયમ તેમજ પવિત્રતાસભર જીવનશૈલી સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધતું, વિદ્યાની સાધના માટેનું સંપૂર્ણ પર્યાવરણ પૂરું પાડે છે. વર્ગખંડ ઉપરાંત, વિશાળ લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ, ડીઝીટલ ક્લાસરૂમ, પ્રાર્થનાખંડ, વાંચનાલય, સુવિધા સજ્જ  આવાસ, ભોજનકક્ષ વગેરે અનેક સુવિધાઓથી સંપન્ન આ નૂતન ભવન સમગ્ર રાજ્યમાં અનેરું છે.

આ સંસ્કૃત મહાવિદ્યાલયની વિશેષતા એ છે કે અહીં તમામ વ્યવસ્થા નિ:શુલ્કપણે આપવામાં આવે છે. આ ઉપરાંત પુસ્તકો સહિતની તમામ અધ્યયનની સામગ્રી, યુનિવર્સિટીની શિક્ષણ ફી, પ્રાથમિક તબીબી સારવાર, ગણવેશ, ભોજન, આવાસની વ્યવસ્થા પણ સંસ્થાના ખર્ચે જ કરવામાં આવે છે. સંસ્થા અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા સંસ્કૃત જગતને આ મહાવિદ્યાલય અદ્વિતીય પ્રદાન છે.

અભ્યાસ ક્ષેત્રે પણ આ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમગ્ર યુનિવર્સીટીમાં પ્રાય: પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. તે સાથે જ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદોમાં ભાગ લઈ વિદ્યાર્થીઓ શોધ પ્રસ્તુતિ કરી રહ્યા છે, તેમજ પોતાના અભ્યાસની સાથે જ દેશ-વિદેશના છાત્રોને પણ ઓનલાઈન ટ્યુશન આપીને પોતાનું જ્ઞાન વધુ સુદૃઢ બનાવે છે.

સદ્ ગુરુ સંત પૂ. વિવેકસાગર સ્વામી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સવારે આઠ વાગ્યે લોકર્પણ વિધિ કરવામાં આવ્યો ત્યારબાદ લોકાપર્ણ સમારોહની વિશાળ સભામાં સૌ મહાનુભાવો પધાર્યા. આ વિશિષ્ટ સભામાં સંસ્કૃત મહાવિદ્યાલયમાં જ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા મંત્રગાન, મુખપાઠ, શાસ્ત્રાર્થ, સંવાદ, નૃત્ય આદિ પ્રસ્તુતિઓદ્વારા સભાને રંજન કરવામાં આવી હતી.  આ પ્રસંગે સોમનાથ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ગોપબંધુ મિશ્રાજી એ કહ્યું  કે મારા  જીવનમાં જોએલી તમામ કોલેજમાં આ કોલેજ  સૌથી શ્રેષ્ઠ છે.

ભાવનગરથી પધારેલ કુલપતિ મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું કે ગુજરાતની બધી જ કોલેજના વ્યવસ્થાપકોએ  અહી આવીને અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

તિરુપતિ સંસ્કૃત વિદ્યાપીઠ-યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મુરલીધર શર્માએ કહ્યું, આ મારું સદ્ભાગ્ય છે કે અહીં ઉપસ્થિત રહેવા મળ્યું.

સદ્ ગુરુ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ પ્રસંગને અનુલક્ષીને આર્શીવાદ પાઠવ્યા હતા. સારંગપુર મંદિરના કોઠારી સંત પૂ. જ્ઞાનેશ્વર સ્વામી દ્વારા આમંત્રિત સૌ મહેમાનોનો આભારવિધિ કરવામાં આવ્યો. અંતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના વિડિયો આર્શીવાદ દ્વારા સૌએ ધન્યતા અનુભવી હતી.

આ તબકે બહુ જ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં પીએચડીના વિદ્યાર્થી વંદનના માતૃશ્રી નીતાબેને વિદ્યાર્થીના ચારિત્રિક ઘડતર વિષે પત્રકારોને  કહ્યું કે અહીં આવીને વિદ્યાર્થી સંયમી અને શાંત થાય છે, મારા પુત્ર વંદનના ૫ વર્ષના અહીંના રોકાણ દરમિયાન  મને આ અનુભવ થયો  છે.

આ રીતે સમગ્ર સૌરાષ્ટ નહીં પરંતુ ગુજરાતમાં અદ્વિતીય અને વિશાળ બીએપીએસ સંસ્કૃત મહાવિદ્યાલયના નૂતન ભવનનો લોકાર્પણ સમારોહ સારંગપુર ખાતે ભવ્યતાપૂર્વક ઉજવાઈ ગયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.