પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવનમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નિલેશ પંડ્યાનાં સુરો ગુંજશે: મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાશે
સ્વાતંત્ર્ય-પર્વની પૂર્વ-સંધ્યાએ ગુંજશે
સ્વાતંત્ર્ય-પર્વની પૂર્વ-સંધ્યાએ ભરૂચ ખાતે સોમવારે, સાંજે ૬ કલાકે, પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે ‘મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ જિલ્લા પોલીસ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું છે.
ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-ક્ધયા, ભેટ્યે ઝૂલે છે તલવાર, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય રચનાઓ રજૂ થશે. ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણીમાંથી ગંગા સતી, જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પોલીસ-પરિવાર પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને અંકલેશ્વર ‘સ્માર્ટ પોલીસ-સ્ટેશન ખાતે કોર્નર સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ જિલ્લા પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે.
ભરૂચ જિલ્લા સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે. જાન્યુઆરી ૧૯૪૭માં લોકમાતા નર્મદાના તીરે તીરે પરિભ્રમણ કરીને ઝવેરચંદ મેઘાણી અભિભૂત થયેલા. ભરૂચના ભરૂચા હોલમાં વિશાળ જનમેદની સમક્ષ તેમણે દેશભકિતનાં ગીતો રજૂ કર્યાં હતા. શુક્લતીર્થથી નાવમાં બેસીને કબીરવડ પણ ગયા હતા. નર્મદામાં નાવ ચલાવતા નિજામા કોમના નાવિકોની વાતોમાં તેમને રસ પડ્યો હતો. ૯ માર્ચ ૧૯૪૭ના રોજ નિધન થતાં દક્ષિણ ગુજરાતનાં લોકસાહિત્ય-લોકગીતો પર સંશોધન કરવાની તેમની ઈચ્છા અપૂર્ણ રહી. ૧૨૧મી આગામી ૨૮ ઑગસ્ટે છે ત્યારે ચોટીલાની પોલીસ-લાઈનમાં જન્મેલા ‘લાઈન-બોય ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત થતા આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ છે. આપણાં સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થાય તે માટે ભરૂચ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક સંદીપ સિંહ (આઈપીએસ) અને ભરૂચ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ પાસે આવેલ સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ પણ લાગણીથી જહેમત ઉઠાવી રહ્યાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.