કોરોના કાયમી રહે તો ક્રાઇમ રેટ ઘટી જશે!!
ગત વર્ષની સરખામણીએ ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડા સાથે ડીટેકશનમાં પોલીસની યશસ્વી કામગીરી
ઘરફોડ ચોરીના 28 ગુનામાંથી 23 ગુનાનો ભેદ ઉકેલાયો: 177 મિલકત ચોરીના ગુનામાંથી 131 ગુના શોધી કઢાયાં
શહેરમાં ખૂન, ખૂનની કોશિષ, ચોરી, અપહરણ અને મારામારી સહિતના ગુનામાં ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2021ના વિતેલા વર્ષમાં ધરખમ ઘટાડો રહ્યો છે. જો કે, કોરોનાના કારણે ચાર માસ સુધી લોક ડાઉન હોવાથી ગુનાખોરીનો આંક નીચો રહ્યો છે. પરંતુ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસની કામગીરી કાબીલે દાદ રહી છે. ઘરફોડ ચોરીના 28 ગુનામાંથી 23 નો અને 177 મિલકત વિરોધના ગુનામાં 131 ગુનાના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળતા વર્ષ 2021 માં પોલીસની યશસ્વી કામગીરી રહી છે પરંતુ સાથોસાથ ક્રાઇમ રેટ ચોક્કસ ઘટ્યો છે પણ તેનો શ્રેય લોકડાઉનને જાય છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોંચ કરાયેલી અલગ અલગ એપ્લીકેશનની મદદથી પોલીસ હાર્ડ વર્કની સાથે સમાર્ટ વર્ક કરી ખૂન, ખૂનની કોશિષ, ચોરી અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ રહેલી પોલીસે સાઇબર ક્રાઇમ , ટ્રાફિક વ્યવસ્થાની સુંદર કામગીરી કરી છે. દારૂ-જુગારની બદીને ડામવામાં પણ વર્ષ દરમિયાન પોલીસની કામગીરી કાબીલે દાદ રહી છે.
વર્ષ 2021માં કોરોના મહામારીને પગલે 4 માસ જેટલો સમય લોકડાઉનમાં વીત્યો છે. ત્યારે આ 4 માસમાં ગુન્હાખોરી ચોક્કસ તળિયે આવી હતી તેમ છતાં વર્ષ 2020ની સરખામણીમાં ખૂનના ગુનામાં કોઈ ખાસ ઘટાડો આવ્યો નથી. વર્ષ 2020માં રાજકોટ શહેરમાં કુલ 29 ખૂનના ગુના નોંધાયા હતા જ્યારે વર્ષ 2021માં ખૂનના કુલ 28 ગુના નોંધાયા છે. ત્યારે પ્રાપ્ત આંકડા મુજબ સરેરાશ જોવામાં આવે અને તેમાં લોકડાઉનનો સમયગાળો બાદ કરી દેવામાં આવે તો વર્ષ 2021નો ક્રાઇમ રેટ ચોક્કસ ઊંચો આવશે પરંતુ ચાલુ વર્ષે પોલીસે તમામ ખૂનના ગુન્હાનું ડિટેક્શન કરી ભેદ ઉકેલી લીધો છે તે કામગીરી પ્રશંસનીય છે. ઉપરાંત અન્ય ગુનાઓની જો વાત કરવામાં આવે તો ખૂનની કોશિશના કુલ 17 ગુના ચાલુ વર્ષે નોંધાયા છે જ્યારે તમામ 17 ગુનામાં આરોપીઓને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
વર્ષ 2020માં ખૂનની કોશિશના કુલ 22 ગુના પોલીસ ચોપડે નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે 5 ઓછા ગુના ચાલુ વર્ષે નોંધાયા છે. ઘરફોડ ચોરી મામલે શહેરમાં અંકુશ આવ્યો હોય તે પ્રકારના આંકડા પ્રાપ્ત થયા છે. જેમાં ચાલુ વર્ષે કુલ 28 ઘરફોડ ચોરીની ઘટનાઓ બની છે જેમાંથી 23 મામલામાં તસ્કરોને દબોચી લેવામાં આવ્યા છે. વર્ષ 2020ની સરખામણી કરવામાં આવે તો 2021માં ઘરફોડ ચોરીની 15 ઓછી ઘટનાઓ બની છે. મિલકત ચોરીની ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાલુ વર્ષે ચોરીની 177 ઘટનાઓ બની છે જેમાંથી 131 ઘટનાઓનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે.
વર્ષ 2020માં આ પ્રકારની કુલ 257 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ચાલુ વર્ષે એન.ડી.પી.એસ.ના ગુનામાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. એન.ડી.પી.એસ.નો ગુનો નોંધવો એ પણ પોલીસ માટે જ્યારે માથાના દુખાવા સમાન છે ત્યારે કુલ 34 જેટલા કેસો કરવામાં આવ્યા છે. જેમાં એસ.ઓ.જી. શાખાનો ફાળો સૌથી વધુ રહ્યો છે.
1.ટ્રાફિકના નિયમોનો ઉલાડીયો કરનારા વિરુદ્ધ લાલ આંખ: અધધ રૂ.4.28 કરોડનો દંડ વસુલ્યો | 7.અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવાઈ |
2.એક વર્ષમાં 32 માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી | 8.મેગા દ્રાઇવ દ્વારા 410 ગેરકાયદેસર મુસાફરી કરતા વાહનોને કરાયા ડિટેઇન |
3.કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની હેરાફેરી કરતા વાહનોનું પાયલોટિંગ કરાયું | 9.હર માસના ચોથા બુધવારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રોડસેફટી મિટિંગ યોજાઈ |
4.ટ્રાફિક નિયમના ભંગ બદલ 80,180 કેસ અને રૂ.4.28 કરોડનો દંડ વસુલવામાં આવ્યા | 10.2021માં અકસ્માતમાં 17.2 ટકાનો ઘટાડો |
5.ટ્રાફિક સપ્તાહના ઉજવણીમાં વિદ્યાર્થીઓને જુદા-જુદા કાર્યક્રમ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા | 11.શહેરમાં નવ નિર્માણ પામતા 8 ઓવરબ્રિજ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન પ્લાન કર્યા |
6.પોલીસ સંભારણા દિવસ અને રાષ્ટ્રી એકતા દિવસ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન | 12.શાળા-કોલેજમાં ટ્રાફિક અવેરનેસ માટે જુદા-જુદા કાર્યક્રમો યોજાયા |
13.લાઈવ હાર્ટ અને લીવર, કિડનીને અન્ય જગ્યાએ પહોંચતું કરવા રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ગ્રીન કોરિડોર બંદોબસ્ત |
પિયો લેકિન રખો હિસાબ, થોડી થોડી પિયા કરો
ચાલુ વર્ષે પોલીસે પણ દારૂના ગુન્હામાં થોડો વધારો કર્યો
ચાલુ વર્ષે પ્રોહીબિશનના ગુનામાં પણ વધારો નોંધાયો છે. અગાઉ વર્ષ 2020માં પ્રોહીબિશનના 3600 કેસો કરવામાં આવ્યા હતા જ્યારે વર્ષ 2021માં દારૂના 3817 કેસો કરવામાં આવ્યા છે. જેથી 217 કેસોનો વધારો ચાલુ વર્ષે થયો છે. ત્યારે રાજકોટ શહેરની જનતા છાંટા પાણીની વધુ શોખીન થઇ ગઈ છે કે પછી બુટલેગરો બુઠ્ઠા થયા કે પછી પોલીસ વધુ સ્માર્ટ થઈ ગઈ છે તેવો સવાલ ચોક્કસ ઉદ્ભવે છે.
વર્ષ 1984થી હાલ સુધીમાં કુલ 39 કાચા-પાકા કામના કેદીઓ પેરોલ જંપ
ચાલુ વર્ષે મધ્યસ્થ જેલમાંથી જુદા જુદાના કામે આવેલા કાચા અને પાકા કામના કેદીઓ પૈકી 11 કેદીઓ પેરોલ જમ્પ કરી ફરાર થયા છે. જે આંકડો ગત વર્ષે 10નો હતો. વર્ષ 1984માં રાજકોટ પેરોલ ફર્લો જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી હાલ સુધીમાં કુલ 39 પેરોલ જંપ પોલીસ ચોપડે છે. જેમાંથી એક 1984માં, એક 1992, એક 1995, એક 1996, અને એક 2004માં પેરોલ જંપનોં કેસ નોંધાયો હતો.
નાણાકીય કટોકટી વચ્ચે અપહરણના ગુન્હામાં ધરખમ વધારો
જો કે, અપહરણની ઘટનાઓમાં ચાલુ વર્ષે ખૂબ મોટો ઉછાળો સામે આવ્યો છે. વર્ષ 2020માં અપહરણના ફક્ત 36 કેસો પોલીસ ચોપડે નોંધાયા હતા જ્યારે 2021માં અપહરણના ગુન્હા બમણાથી પણ વધીને 75 સુધી પહોંચી ગયા છે. જો કે, ફક્ત પૈસાની લેતી દેતી જ નહીં પરંતુ પ્રેમ પ્રકરણમાં પણ ઘર છોડીને ચાલ્યા ગયા હોય ત્યારે અપહરણના ગુન્હા નોંધાતા હોય છે.
‘ડિજિટલ’ બનેલા ગુનેગારોને પકડવા ‘સ્માર્ટ’ બની સાયબર પોલીસ
રાજકોટ શહેર દ્વારા સાયબર ક્રાઇમ દ્વારા ડીઝીટલ અને ઓનલાઈન છેતરપીંડીના કેસને નાબૂદ કરવા માટે સરાહનીય કામગીરી હાથધરવામાં આવી છે. જેમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અને સોશિયલ મીડિયા પર મહિલાઓની છેડતીના અનેક કેસને સોલ્વ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં 27મી ઓક્ટોબર 2018થી સાયબર કરકઈં પોલીસ મથક શરૂ કરવામાં આવ્યું હતું.
ઓનલાઈન નાણાકીય છેતરપીંડીનો ભોગ બનેલા લોકોને સાયબર ક્રાઇમ રાજકોટ દ્વારા રૂ.92,20,040ની રિકવકરી કરી ભોગ બનનારને પરત કરવામાં આવ્યા છે. જ્યારે સાયબર સેલ દ્વારા અત્યાર સુધી રૂ.1,98,81,624ની કિંમતના કુલ 1336 ગમ થયેલા ચોરેલા મોબાઈલ પરત કરવામાં ભાગ ભજવ્યો છે.
ચાલુ વર્ષમાં સાયબર ક્રાઇમમાં કુલ 25 ગુનાઓ નોંધાયા હતા જેમાં ટેક્નિકલ એનાલિસિસ કરી ગુનાઓનું ડિટેકસન કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સાયબર અવેરનેશ માટે યોજાયેલા કાર્યક્રમોને લાખો લોકોએ લાઈવ નિહાળ્યો હતો.