ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને હાંકલ કરી હતી. દેશ-સમાજ અને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે યુવાઓ હંમેશા તત્પર રહેવા તેમણે જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના આશીર્વાદથી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માએ ઇગ્લેન્ડ જેવા દેશોમાં રહીને ભારતના કાંતિવીરોને સહયોગ આપ્યો હતો.
વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા કૌશલ્યવાન બનો : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંત્ર્યવીર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને ભારત લાવી કચ્છના માંડવી ખાતે શ્રેષ્ઠ સ્મારક બનાવ્યું છે. પ્રાચીન ઋષિ-મુનીઓ દીક્ષાંત સમયે જે ઉપદેશ શિષ્યોને આપતા હતા તે આજે પણ પ્રસ્તૃત છે તેમ જણાવતાં રાજ્યપાલએ ઉમેર્યુ હતું કે, ઋષિઓ તેમના શિષ્યોને સત્યં વદ, ધર્મંચર અર્થાત સત્યના માર્ગ પર કર્તવ્ય ધર્મનું પાલન કરવું અને પઠન-પાઠન-સ્વાધ્યાયમાં કયારેય પ્રમાદ ન કરવો તેવો ઉપદેશ આપતા હતા. રાજ્યપાલએ પદવી ધારક વિદ્યાર્થીઓને સતત શીખવાનો વિદ્યાર્થીભાવ હૃદયમાં ધારણ કરી સતત અપ ડેટ રહેવા અનુરોધ કર્યો હતો.
દુર્ગુણોને છોડી નવું જીવન જીવવાનો આ અવસર છે તેમ જણાવી રાજ્યપાલ, પદવીધારકો અને અન્ય વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ જેવા જનઅભિયાનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આવનારો સમય ગુણવત્તાનો છે. ગુણવત્તા સાથે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા માટે કૌશલ્યવાન બનવુ જરૂરી છે. પડકારોને પહોંચી વળવા કઠોર પુરૂષાર્થ કરવા પણ તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
દીક્ષાંત સમારોહની શરૂઆતમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.જયરાજસિંહ જાડેજાએ પદવી ધારણ કરનારા 6124 વિદ્યાર્થી ઓને શુભેચ્છા પાઠવી યુનિવર્સિટી ના સફળ કાર્યોનો ચિતાર આપ્યો હતો અને ભાવિ આયોજનની ઝાંખી રજુ કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલગીતનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અને કુલસચિવ જી.એમ.બુટાણીએ આભાર દર્શન કર્યુ હતું.