કોરોના વાઇરસના અતિક્રમણથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને જનતા કરફ્યુની અપીલ કરી હતી. વડાપ્રધાનએ લોકોને રવિવારના દિવસે ઘરે રહેવાની તથા બંધ પાળવાની અપીલ કરી હતી. આ અપીલને રાજકોટવાસીઓએ તીવ્ર પ્રતિસાદ આપી સ્વયંભુ બંધ પાળ્યો હતો તથા આવશ્યક સેવાઓ સાથે કાર્યરત કર્મવીરોને સાંજે ૫:૦૦ કલાકે થાળી, ઘંટ વગાડી બીરદાવ્યા હતા.
જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત કચેરીઓએ સાઇરન વગાડી આ કર્મવીરો પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.
મોદીએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે કાર્યરત સરકારી, બિન સરકારી અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા તબીબો, પેરા-મેડિકલ સ્ટાફ, પોલીસ, ફાયરબ્રીગેડ વગેરેના સ્ટાફનો આભાર વ્યક્ત કરવા લોકોને અપીલ કરી હતી.
જે અન્વયે આજે સાંજે ૫:૦૦ કલાકે ૫:૦૦ મિનીટ સુધી રાજકોટમાં લોકોએ પોતાની અગાશી, ફળીયા, બારી, ફ્લેટની બાલ્કની, ગેલેરી વગેરે સ્થળોએથી થાળી, ઘંટ, તાળી વગાડી આવશ્યક સેવાઓ માટે દિવસ- રાત કામ કરતા લોકોની કામગીરીને બીરદાવી હતી તેમજ કોરોના વાઇરસ જેવી મહામારીમાં પણ સતત ખડાપગે કાર્યરત કર્મવીરોને સલામી આપી હતી.
વડાપ્રધાન મોદીએ સ્થાનિક પ્રશાસનને પણ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા અને સેવા પરમો ધર્મની ઉક્તિને સાર્થક કરતા લોકોને બીરદાવવા ૫:૦૦ મિનીટ સાઇરનના અવાજથી કૃતજ્ઞતા વ્યક્ત કરવા જણાવ્યું હતું. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત કચેરીઓ દ્વારા ૫:૦૦ મિનીટ માટે સાઇરનના માધ્યમ થકી પ્રોત્સાહિત કર્યા હતા.
આમ કોરાના વાયરસના રોગચાળાનો ફેલાવો અટકાવવા તથા તેને સબંધિત કામગીરીમાં જોડાયેલ તબીબી ડોકટરો, કર્મચારીઓ, સેવા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસ તેમજ અન્ય લોકોની સેવા પરાયણતાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલને માન આપી આમ જનતાએ તાલીઓ પાડી, ઘંટ, ઘંટડીને વગાડીને તેમની સેવાને બીરદાવી હતી.
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે કોરોના વાઇરસ સામેની લડતમાં સામેલ તમામ કર્મયોગીઓની સેવાને બિરદાવી છે.
કોરોના વાઇરસ સામેની લડતમાં સામેલ કર્મયોગીઓના યોગદાનને બિરદાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અપીલ સંદર્ભે રાજયપાલએ પણ રાજભવન ખાતેથી જનતા કફર્યુના દિવસે સાંજે પાંચ વાગ્યે કર્મયોગીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી હતી. આ પ્રસંગે રાજભવન ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓ પણ જોડાયા હતા.