રાજકારણમાં કાયમ કોઈ દોસ્ત કે દુશ્મન નહિ, ફક્ત હિતો જ હોય છે !!!
રામોલમાં વર્ષ 2017માં હાર્દિક પટેલ અને અન્ય વ્યક્તિઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચવા રાજ્ય સરકારે મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરી પણ કોર્ટે તેને રદ કરી નાખી
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર શૂરા બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર આ દુહા મુજબ જ રાજકારણીઓ ભલે ફરે પણ ભારતની ન્યાય પ્રણાલીકા ક્યારેય ફરે તેમ નથી. ભલે પછી સામે ગમે તે હોય, સરકારે ભલે હાર્દિક સામે કેસ પાછા ખેંચી લેવાની તૈયારી દાખવી હોય, પણ કોર્ટ તો તેના સ્ટેન્ડ ઉપર ન્યાયની કામગિરી માટે તૈયાર રહી છે.
ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદારો સામે નોંધવામાં આવેલા પોલીસ કેસ સરકાર પરત ખેંચી રહી છે. તે અંતર્ગત રામોલમાં વર્ષ 2017માં હાર્દિક પટેલ અને અન્ય વ્યક્તિઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચવા રાજ્ય સરકારે મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે આ અરજી ફગાવી નોંધ્યું છે. અરજી ફગાતાં કોર્ટે નોંધ્યું છે કે અરજી ખેંચવામાં જાહેર હિત કે ન્યાયનું હિત જળવાય તેવું પ્રથમદર્શનીય રીતે લાગી રહ્યું નથી. તેથી સરકારની અરજી રદ કરવામાં આવે છે.
વર્ષ 2017માં વસ્ત્રાલના તત્કાલિન ભાજપ કોર્પોરેટર પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે હાર્દિક પટેલ અને ટોળામાં આવેલી અન્ય વ્યક્તિઓએ તેમના પર પર હુમલો કર્યો છે. ત્યારબાદ કેસની ટ્રાયલ મેટ્રોપોલિટન કોર્ટમાં શરૃ થઇ હતી. જો કે સરકાર અત્યારે પાટીદારો સામેના કેસ પરત ખેંચી રહી હોવાથી રામોલમાં હાર્દિક અને અન્ય વ્યક્તિઓ સામેના કેસ પરત ખેંચવાની પરવાનગી માંગતી અરજી કોર્ટમાં કરવામાં આવી હતી.
રાજ્ય સરકારની અરજી અંગે કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટ સુધી ફગાવવામાં આવી હતી. ભોગ બનનારાં લોકોની જાણકારી વગર સરકારની અરજીને મંજૂરી આપવામાં આવે તો ભોગ બનનારાં લોકોને અન્યાય થાય તેમ છે. કેસ પરત ખેંચવાથી જાહેર જનતાનું હિત જળવાય કે ન્યાયનું હિત જળવાય તેવું પણ પ્રથમદર્શનીય રીતે લાગી રહ્યું નથી. આ ઉપરાંત કોર્ટે હાર્દિક સહિતના આરોપીઓને નિર્દેશ કર્યો હતો કે આ કેસની બીજી મેની સુનાવણીમાં કોર્ટ તહોમતનાનું સંભળાવવાની હોવાથી બધા આરોપીઓ કોર્ટમાં હાજરી આપે.