ખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને ખેતી પ્રધાન દેશનું બિરુદ મળ્યું છે. દેશના અર્થતંત્રનો આધાર ખેતી અને ખેડૂત છે પરંતુ અત્યાર સુધી અર્થતંત્રના મુખ્ય બન્ને પરિબળોને સંપૂર્ણપણે કુદરતને હવાલે મુકી દેવામાં આવ્યા છે. જે ક્ષેત્ર પર દેશની સમૃધ્ધિનો આધાર અને કરોડો નાગરિકોની રોટી-કપડા-મકાનની જરૂરીયાતો પૂરી કરવાની જેના ઉપર જવાબદારી છે તેવા કૃષિ ક્ષેત્ર પર અત્યાર સુધી જોઈએ તેટલું ધ્યાન અપાયું નથી. હવે વડાપ્રધાન મોદી સરકારે દેશના અર્થતંત્રનું કદ પાંચ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાના મહત્વકાંક્ષી સપનાનો આધાર ખેતી અને ખેડૂતને બનાવી અત્યાર સુધી ઉપેક્ષીત ખેતી અને ખેડૂતને મહત્વ આપવાનું જે વલણ અપનાવ્યું છે તે, આઝાદી પછીના અત્યાર સુધીના શાસન વ્યવસ્થા ક્ષેત્રની ઉચિત દિશા ગણાશે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે તબક્કાવાર આયોજન હાથ ધર્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ખેડૂતોને બેંક વ્યવસ્થા સાથે જોડી દરેકના ખાતામાં રોકડ સહાય, ખાતર, બિયારણ અને સરકારી યોજનાના લાભો સીધા જ બેંક ખાતામાં જમા કરાવવાની વ્યવસ્થા શરૂ કરી. તાજેતરમાં જ સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ સુધારા ખરડામાં ખેડૂતોની જણસની વ્યવસ્થા અને ખેડૂતોને પુરતો ભાવ મળી રહે તે માટેની વ્યવસ્થા પર નજર કરી છે. અત્યારે ખેડૂતો મહેનત કરીને માલનું ઉત્પાદન કરે છે પરંતુ જ્યારે માલ તૈયાર થાય છે ત્યારે તેનો કોઈ લેવાલ હોતો નથી. ડુંગળીની વાત કરીએ તો ખેડૂતના ખડામાં ડુંગળી જ્યારે તૈયાર થાય ત્યારે આયાત નિકાસની યોગ્ય નીતિ વિષયક વ્યવસ્થા ન હોવાથી બજારમાં માલનો ભરાવો થાય અને ખેડૂતોની ડુંગળી પાણીના ભાવે વેંચાવા લાગે. આ જ ડુંગળી જ્યારે વેપારીના ગોડાઉનમાં ભરાય જાય અને પાણીના ભાવે નિકાસ થઈ જાય પછી ઉભી થયેલી જરૂરીયાતને લઈને આ જ ડુંગળીના ભાવોથી સામાન્ય લોકોને રડવાનો વારો આવે અને જે ડુંગળી પાણીના ભાવે નિકાસ થઈ હોય તેને સોનાના ભાવે આયાત કરવાની ફરજ પડે છે. કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુ સુધારા ધારામાં ધાન, કઠોળ,તેલીબીયા અને રોકડીયા પાકોના વેંચાણ, વ્યવહાર અને કાળા બજાર પર નિયંત્રણ જેવી વ્યવસ્થા માટે જે જોગવાઈ કરી  છે તેનો અંતિમ ફાયદો તો ખેડૂતોને જ થશે.

કૃષિ પ્રધાન દેશમાં અત્યાર સુધી ખેડૂતોનું જ શોષણ થતું આવ્યું છે, હવે આ પરિસ્થિતિ બદલવાની સરકારે અસરકારક કવાયત હાથ ધરી છે. સરકારે પોતાની થીંક ટેન્કને કામે લગાવી આયોજનપંચ અને નીતિ આયોગને ખેડૂતોની દશા અને દિશા બદલવા માટે શું કરવું જોઈએ તેનો એક આખો અહેવાલ તૈયાર કરાવ્યો હતો. અત્યારે આપણા દેશમાં ખેડૂતો માટે વીજળી અને પાણી પૂરું પાડવાની દિશામાં ખૂબ જ સારૂ એવું કામ થયું છે. હવે ખેડૂતોના માલની સાચવણી અને તેનો બગાડ અટકે તે માટે વેરહાઉસના નેટવર્ક સહિતના આયોજનોની દિશામાં સરકાર કામ કરી રહી છે. ભારતમાં ઔદ્યોગીક વિકાસની સાથે સાથે કૃષિ વિકાસના પાયાની જરૂરીયાત પૂરી કરવાના સરકારના આ પગલાઓ દેશની સમૃધ્ધીનો ખરો આધાર બનશે તેમાં બે મત નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.