રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકાઓમાં 7મી જાન્યુઆરી સુધી રાત્રિના 11 થી સવારના 5 વાગ્યા સુધી સંચાર બંધી
અબતક-રાજકોટ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ઓમિક્રોને પણ ઉપાડો લીધો ત્યારે રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર જાણે કોરોનાની ત્રીજી લહેરને લાવવા માટે મક્કમ હોય તે રીતે રોડ-શો સહિતના તાયફાઓ કરી રહી છે. બીજી તરફ આકરા નિયંત્રણો માત્ર પ્રજા પર લાદવામાં આવી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકાઓમાં રાત્રિ કરફ્યુની અવધી આગામી 7મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્ણ થયા બાદ 12મી જાન્યુઆરી બાદ રાત્રિ કરફ્યુના કલાકોમાં પણ વધારો કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો હોય રાજ્ય સરકાર દ્વારા ગત 25મીથી રાજ્યની આઠ મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફ્યુ જે રાત્રિના 1 થી સવારના 5 વાગ્યા સુધી હતી. તે તાત્કાલીક અસરથી વધારી રાત્રિના 11 થી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવી હતી. જેની અવધી આજે પૂર્ણ થઇ રહી હોય. સરકાર દ્વારા રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાપાલિકાઓમાં રાત્રિ કરફ્યુ 7મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.રાજ્ય સરકારને તાયફાઓ કરવાનો જાણે પીળો પરવાનો મળી ગયો હોય તેમ મુખ્યમંત્રીના રોડ-શો સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. બીજી તરફ જનતાને પ્રતિબંધના હાથકરી પેરાવી દેવામાં આવી છે.