સતત પાંચમાં મહિને જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડથી વધુ: વાર્ષિક આધાર પર સાત ટકાની વૃદ્ધિ

ચાલુ નાણાકીય વર્ષે કેન્દ્ર દ્વારા જીએસટીને લઈ ભરપૂર આશાવાદ રાખવામાં આવ્યો છે. જીએસટીની આવક સતત વધવા પામી છે. છેલ્લા થોડા મહિનામાં જીએસટી કલેક્શન રૂ.1 લાખ કરોડથી વધી જવા પામ્યું છે. નિષ્ણાતોના મત મુજબ હવે જીએસટી કલેક્શન દર મહિને એક હજાર કરોડથી વધુ થશે.આંકડા મુજબ, ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.13 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો. આ વાર્ષિક આધાર પર સાત ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ રીતે જોવામાં આવે તો ફેબ્રુઆરી સતત પાંચમો મહિનો રહ્યો, જ્યારે એક લાખ કરોડથી વધુનું જીએસટી કલેક્શન થયું છે. તેનાથી ઇકોનોમિક રિકવરીનો સંકેત મળે છે. નાણા મંત્રાલય તરફથી સોમવારે જાહેર કરેલા આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. પરંતુ ફેબ્રુઆરીમાં વસ્તુ તથા સેવા કરનું કલેક્શન જાન્યુઆરી, 2021ના મુકાબલે ઓછુ રહ્યું. આ કેલેન્ડર વર્ષના પ્રથમ મહિનામાં રેકોર્ડ 1,19,875 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે.

નાણા મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ફેબ્રુઆરીમાં જીએસટીના માધ્યમથી કુલ 1,13,143 કરોડ રૂપિયાનો સંગ્રહ થયો. તેમાં સેન્ટ્રલ જીએસટીના રૂપમાં સરકારને  21,092 કરોડ રૂપિયા,  સ્ટેટ જીએસટી ના રૂપમાં 27,273 કરોડ રૂપિયા, આઈજીએસટીના રૂપમાં 55,253 કરોડ રૂપિયા (માલ પરની આયાત ડ્યુટી તરીકે રૂ. 24,382 કરોડનો સંગ્રહ સહિત), સેસના રૂપમાં 9,525 કરોડ રૂપિયા (માલની આયાત પર સેસ એકત્રિત કરીને) થયા છે.

મંત્રાલયે કહ્યું કે, પાછલા પાંચ મહિનાથી જીએસટી આવકમાં રિકવરીનો સિલસિલો જારી છે અને પાછલા વર્ષે ફેબ્રુઆરીના મુકાબલે આ વર્ષે ફેબ્રુઆરીમાં જીએસટી સંગ્રહમાં સાત ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.  નાણા મંત્રાલયે કહ્યું કે, પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વસ્તુઓના આયાત થવારી આવકમાં 15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. તો ઘરેલૂ સ્તર પર લેણદેણ (સેવાઓના આયાત સહિત) માં પાંચ ટકાનો વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન જીએસટી કલેક્શન તળિયે પહોંચી ગયું હતું. જોકે કોરોના મહામારીમાંથી ઉદ્યોગોને હવે કળ વળી ગઈ છે. બજારો ધમધમવા લાગી છે આર્થિક તંદુરસ્તી વધી છે પરિણામે જીએસટી કલેક્શન પણ વધ્યું છે એકંદરે જીએસટી કલેક્શન અર્થતંત્રની તંદુરસ્તી તરફ સંકેત આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.