દેણું કરીને ઘી પીવાય!
રિટેઇલ ફુગાવો 15 મહિનાના સૌથી નીચા સ્તરે 5.6 ટકાએ પહોંચ્યો
સરકારની ગણતરી સીધી પડી છે.ફુગાવાનો દર તળિયે આવતા રાજકોશિય ખાધમાં રાહત મળી રહી છે.ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં નરમાઈને કારણે માર્ચ 2023માં છૂટક ફુગાવો ઘટીને 5.66 ટકા થયો હતો. ડિસેમ્બર 2021 પછી આ 15 મહિનાનું સૌથી નીચું સ્તર છે. ત્યારે પણ રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો માત્ર 5.66 ટકા હતો.
ખાસ વાત એ છે કે બે મહિના બાદ રિટેલ ફુગાવો ફરીથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છ ટકાની સંતોષજનક રેન્જમાં આવી ગયો છે. અગાઉ તે ફેબ્રુઆરી 2023માં 6.44 ટકા અને જાન્યુઆરીમાં 6.52 ટકા હતો. માર્ચ 2022માં છૂટક ફુગાવો 6.95 ટકા હતો
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા મહિને ખાદ્ય ફુગાવો ઘટીને 4.79 ટકા પર આવી ગયો હતો. ફેબ્રુઆરી 2023માં તે 5.95 ટકા અને માર્ચ 2022માં 7.68 ટકા હતો.ગયા અઠવાડિયે જ કેન્દ્રીય બેંકે રેપો રેટ યથાવત રાખવાની જાહેરાત કરી હતી.રિઝર્વ બેન્કે મુખ્ય વ્યાજ દર અથવા રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખીને બજારો અને વિશ્લેષકોને આશ્ચર્યચકિત કર્યાના એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં માર્ચના રિટેલ ફુગાવાના આંકડા આવ્યા છે.
માર્ચમાં રિટેલ ફુગાવો 15 મહિનાની નીચી સપાટીએ હતો. માર્ચ 2022માં ફુગાવાનો દર 6.44 ટકા હતો. ખાદ્ય ચીજોનો ફુગાવો ગયા મહિને 4.79 ટકા રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 5.95 ટકા હતો. માસિક ધોરણે તેમાં મોટો ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તર 6.52 ટકા પર પહોંચી ગયો હતો.
માર્ચમાં શાકભાજીના ભાવમાં 8.51 ટકાનો ઘટાડો
માર્ચ 2022માં કોર ફુગાવાનો દર 6.1 ટકાથી ઘટીને 5.8 ટકા થયો હતો. ફેબ્રુઆરીમાં તે 6.1 ટકા હતો. માર્ચમાં શાકભાજીમાં મોંઘવારીનો દર -8.51 ટકા, પેટ્રોલિયમ પેદાશોમાં ફુગાવાનો દર 8.91 ટકા, હાઉસિંગ સેક્ટરમાં ફુગાવાનો દર 4.96 ટકા, કપડાં અને શૂઝમાં ફુગાવાનો દર 8.18 ટકા હતો અને કઠોળમાં ફુગાવાનો દર 4.33 ટકા હતો.
ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.6%નો વધારો
પાવર, માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને કારણે આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન નજીવો વધીને 5.6 ટકા થયું હતું. જાન્યુઆરી 2023માં તેનો વિકાસ દર 5.5 ટકા અને ફેબ્રુઆરી 2022માં 1.2 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન ફેબ્રુઆરી 2023માં 5.3 ટકા હતું. ખાણકામ ક્ષેત્રનું ઉત્પાદન 4.6% પર સ્થિર રહ્યું. વીજ ઉત્પાદનમાં 8.2% અને કેપિટલ ગુડ્સમાં 10.5%નો વધારો નોંધાયો છે. બિન-ટકાઉ ગ્રાહક માલના ઉત્પાદનમાં 12.1%નો વધારો થયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર/બાંધકામ માલના ઉત્પાદનમાં 7.9% નો વધારો થયો છે. 2022-23ના પ્રથમ 11 મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ઘટીને 5.5% થયો હતો. 2021-22ના સમાન સમયગાળામાં 12.5% હતો.
રિટેલ ફુગાવો નાણાકીય વર્ષ 24 માં 5.2 ટકા આસપાસ રહેશે: આરબીઆઇ
એમપીસી મીટિંગ બાદ ફુગાવા પર બોલતા, આરબીઆઇ ગવર્નર શક્તિકાંતે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 24 માં છૂટક ફુગાવાનો દર 5.2 ટકા હોઈ શકે છે. તેમણે કહ્યું કે મધ્યમ ગાળામાં ફુગાવાને નિર્ધારિત મર્યાદામાં લાવવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મોંઘવારી દર નિર્ધારિત મર્યાદામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ 7.8% રહી શકે છે. દાસે કહ્યું કે તાજેતરના વર્ષોમાં દેશમાં સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવામાં આવી છે. લિક્વિડિટી મેનેજમેન્ટ પર આરબીઆઈની નજર રહે છે. રૂપિયાની સ્થિરતા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રયાસો પણ ચાલુ છે.