હિન્દુ પક્ષકારોને સોંપેલી જમીન રામ જન્મભૂમિ ન્યાસને સોંપવાની રજૂઆત: ૬૭ એકરની વિવાદ સિવાયની જમીન માટે સુપ્રીમમાં અરજી
રામ જન્મભૂમિ અંગે તારીખ પે તારીખ નહીં પણ વર્ષોના વર્ષો જેવી સ્થિતિ કોર્ટમાં સર્જાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી અયોધ્યા વિવાદ ચાલી રહ્યો છે. આ વણ ઉકેલ વિવાદને ઠારવા તમામ પક્ષો, રાજ નેતાઓ, પાર્ટીઓ લોકસભાની ચૂંટણી નજીક આવતા સક્રિય બન્યા છે. ૨૦૧૯ની ચૂંટણીના કાઉન્ટ-ડાઉન શરૂ થતાં કેન્દ્ર સરકારે પણ આ વિવાદમાં ઝંપલાવતા મોટું પગલુ લીધુ છે.
સરકારે રામ મંદિર ઉપર યથાસ્થિતિનો આદેશ પરત ખેંચવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે અને હિન્દુ પક્ષકારોને સોંપેલી જમીન રામ જન્મભૂમિ ન્યાસને સોંપવાની રજૂઆત પણ કરી છે. વિવાદિત ભૂમિ સીવાયની જમીન પરત આપવાની અરજી કરવામાં આવી છે. જેમાં ૬૭ એકરની જમીનના હિસ્સાનો સમાવેશ થાય છે. વર્ષોથી ચાલતા રામ જન્મભૂમિ વિવાદ અંગે સંઘે પણ ભાજપને કહ્યું હતું કે, આ વિવાદનો અંત જલદી લાવે ત્યારે સરકારે મોટુ એકશન પ્લાન લેતા નવેસરથી રામ જન્મભૂમિનો અધ્યાય શરૂ થાય તેવું જણાય રહ્યું છે.
૧૮૫૯માં અંગ્રેજોના શાસનકાળમાં વિવાદીત સ્થળ પર કબજો લઈ ૧૮૫૭ની ક્રાંતિના બે વર્ષ પછી રામ જન્મભૂમિ અંગે વિવાદ થયો હતો. તેના ઉપર બ્રિટીશ એડમીનીસ્ટ્રેશને જમીનને બે ભાગમાં વહેંચી હતી જેમાં એક પર હિન્દુઓ પૂજા કરતા અને બીજો ભાગ મુસ્લિમોને આપવામાં આવ્યો હતો પરંતુ આ વ્યવસ્થા વધુ દિવસો સુધી ટકી ન શકી અને ૧૮૮૫માં મહંત રઘુબરદાસે રામ ચબુતરા ઉપર છત નાખવાની મંજૂરી માટે અપીલ કરી હતી.
સન ૧૯૯૦માં ચંદ્રશેખરનો પ્રયાસ નિષ્ફળ રહ્યાંના ૧૩૦ વર્ષ બાદ ફરી એક વખત આ મામલે નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૧૯૯૨માં ૬ ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. તેના બરાબર ૧૦ દિવસ બાદ તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવના નેતૃત્વની કોંગ્રેસ સરકાર દ્વારા લીબ્રહાન આયોગની રચના કરવામાં આવી હતી તેણે ૧૭ વર્ષ બાદ પોતાનો રિપોર્ટ તો સોંપ્યો પરંતુ તેમાં શું હતું તે કયારેય જાહેર કરવામાં આવ્યું ન હતું.
વર્ષ ૨૦૦૨માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ પોતાના કાર્યકાળમાં અયોધ્યા કેસ માટે સેલની રચના કરી હતી. ત્યારબાદ ૨૦૧૦માં જુલાઈ અને સપ્ટેમ્બરમાં આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ આ વિવાદનો ઉકેલ ૨૦૧૯માં પણ આવ્યો નથી. રામ જન્મભૂમિ લોકોની લાગણી સાથે જોડાયેલ સંવેદનશીલ મુદ્દો છે અને સરકાર તેમજ પક્ષ પણ આ વાત જાણે છે માટે ચૂંટણી કાઉન્ટ-ડાઉન શરૂ થતાં અયોધ્યા વિવાદ અંગે કેન્દ્રએ ઝડપી ધોરણે નિર્ણયો લેવાનું નકકી કરતા આજરોજ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં વિવાદ ઉપરાંતની ૬૭ એકર જમીન પરત કરવાની અરજી કરી છે.