વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ વિધાનસભામાં પ્રશ્ર્નકાળમાં પીવાના પાણી મુદ્દે કલ્પસર અને નર્મદા યોજના અંગે મહત્વના પ્રશ્ર્નો ઉઠાવ્યા
૧૪મી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના બીજા દિવસે વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદાના કલ્પસર યોજના અને રાજકોટ-મોરબી જીલ્લાઓમાં પીવાના પાણીની નર્મદા આધારીત એકસપ્રેસ લાઈનો અંગેના બે મહત્વના પ્રશ્ર્નો દાખલ થયા હતા. ગૃહમાં એક કલાકનો પ્રશ્ર્નકાળનો સમય પુરો થઈ જતા આ પ્રશ્ર્નો ચર્ચામાં આવી શકયા નહોતા. જેથી મંત્રીઓએ લેખિત જવાબો આપ્યા હતા. વાંકાનેરના ધારાસભ્યએ ઉઠાવેલા આ મહત્વના પ્રશ્ર્નોમાં ગુજરાત સરકારે મોરબી અને રાજકોટ જિલ્લામાં હજુ સુધી એકસપ્રેસ લાઈનો શરૂ કરવામાં ન આવી હોવાનો ચોંકાવનારો એકરાર કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય પીરઝાદાએ વિધાનસભામાં પ્રશ્ર્ન રજુ કર્યો હતો કે, કલ્પસર યોજના કયા તબકકે છે ? છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ યોજનાના કયા કામો માટે કરવામાં આવ્યો છે ? અને આ યોજના કયારે પૂર્ણ કરવાનું આયોજન હતું ? આ અંગે લેખિત જવાબ આપતા મુખ્યમંત્રી (કલ્પસર વિભાગ)એ જણાવ્યું હતું કે, કલ્પસર યોજના કરવાની કામગીરી બે ઘટકોમાં (કોમ્પોનન્ટસ)માં વહેંચવામાં આવેલ છે. કલ્પસર બંધની કામગીરી નર્મદા નદી પર ભરૂચ પાસે ભાડભુત બેરેજના બાંધકામની કામગીરી કલ્પસર બંધ અને તેને સંલગ્ન કામગીરી કલ્પસર યોજનામાં પૂર્ણ શકયતા અહેવાલ તૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. કલ્પસર યોજનામાં ખંભાતમાં બંધ બનાવવાનો હોવાથી સમુદ્રશાસ્ત્ર અને પર્યાવરણીય અભ્યાસો ઉપરાંત બંધના સંલગ્ન પાસાઓ તથા અસરો સહિત વિવિધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી કુલ ૨૧ અભ્યાસો પૂર્ણ થયેલ છે. જયારે ૧૦ અભ્યાસો હાલમાં પ્રગતિ હેઠળ છે. વધુ ૧૯ અભ્યાસો અભ્યાસ હેઠળ છે.
નર્મદા નદી પર ભરૂચ પાસે ભાડભુત બેરેજના બાંધકામની કામગીરી બેરેજના સર્વે, સંશોધનો, પ્રાથમિક આલેખન અંદાજો અને ડ્રાફટ ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પૂર્ણતાના તબકકે છે તથા પર્યાવરણને લગતા અભ્યાસો પૂર્ણ કરેલ છે અને વર્ષ ૨૦૧૮-૧૯માં બેરેજનું કામ શ‚ કરવાનું આયોજન છે. છેલ્લા બે વર્ષમાં ૨૦૧૫-૧૬માં ૨૧૦૨.૯૧ લાખ, ૨૦૧૬-૧૭માં ૬૨૩.૧૬ લાખ, ૨૦૧૭-૧૮ (૩૧/૧૨/૨૦૧૭) સુધીમાં ૩૪૪.૯૯ લાખ મળી કુલ ૩૦૭૧.૦૬ લાખ ખર્ચ થયો છે. કલ્પસર યોજનાનો શકયતાદર્શી અહેવાલ થયા પછી સદર અહેવાલને સક્ષમ સ્તરથી જરૂરી મંજુરીઓ મળ્યેથી આ યોજના સત્વરે શરૂ કરી, શકય બને તેટલુ જલ્દી પૂર્ણ કરવાનું આયોજન છે.
ધારાસભ્ય પીરઝાદાએ નર્મદા આધારિત પીવાના પાણીની એકસપ્રેસ લાઈનો અંગે પ્રશ્ર્ન રજુ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં જીલ્લામાં નર્મદા યોજના આધારિત પાણી પુરવઠાની કેટલી એકસપ્રેસ લાઈનો મંજુર કરવામાં આવી ? અને યોજના વાર કેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો ? અને કઈ લાઈન ચેક કરી પાણી પુરવઠો ચાલુ કરવામાં આવ્યો છે ? આ પ્રશ્ર્નોના લેખિત પ્રત્યુતર આપતા પાણી પુરવઠા મંત્રીએ જણાવેલ કે, એક પણ યોજના મંજુર કરવામાં આવી નથી તેથી પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો નથી.