“પ્રતિબંધીત સંસ્થાના નેતાઓને રાતોરાત પકડવા ફોજદાર જયદેવે એક મોજીલુ આયોજન કર્યું
અનોખો અનુભવ
ભારતની આઝાદી પહેલાથી ચાલ્યો આવતો અયોધ્યાનો રામ જન્મભૂમિ બાબરી મસ્જીદનો હિન્દુઓ અને મુસ્લીમો વચ્ચેનો વિવાદ હાલે તો સુપ્રિમ કોર્ટમાં અપીલમાં હોઈ આ મુદો સુષુપ્ત અવસ્થામાં છે. પરંતુ સને ૧૯૯૨માં તે મામલો અતિગરમ અને ઉગ્ર હતો. હિન્દુવાદી સંસ્થાઓએ પ્રથમ કાર સેવા રેલીઓ કાઢી અને પછી ઉતર પ્રદેશમાં અયોધ્યા ખાતે કાર સેવાનું આયોજન કર્યું અને લાખોની સંખ્યામાં કાર સેવકોને એકત્રીત કર્યાપરંતુ સુરક્ષા દળો આ કાર સેવકોને કાબુમાં રાખી શકયા નહિ આથી બાબરી મસ્જીદનો વિવાદાસ્પદ ઢાંચો જમીનદોસ્ત થયો સરકાર ઉંઘતી ઝડપાઈ આથી સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાની ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ.
દેશમાં લગભગ ગામે ગામ અને દરેક શહેરોમાં કોમી તંગદીલી હતી પોલીસ દળ અને અર્ધ સુરક્ષા દળો ચોવીસેય કલાક બંદોબસ્ત કરી કરી ને ‘પગે પાણી ઉતારતા હતા’ સરકારે છેલ્લે ‘ઘોડા નાસી ગયા પછી તબેલાનેતાળા મારવા જેવો’ હુકમ કર્યો સરકારે અમુક સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મૂકયો અને આ સંસ્થાઓનાં ઓફીસ બેરર્સ એટલેકે હોદેદારો વિરૂધ્ધ અનલો ફૂલ એકીવીટીઝ (પ્રિવેન્શન) એકટ ૧૯૬૭’ મુજબ કાર્યવાહી કરી તેમની ધરપકડો કરવા આદેશકર્યા.
અમરેલી જીલ્લા પોલીસ વડાએ પણ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને સખ્તઅને તાકીદનો આદેશ કર્યો કે હિન્દુવાદી તેમજ અન્ય કટ્ટરવાદી કોમી સંસ્થાઓનાં જે સભ્યો હોય તેમની આ કાયદા તળે તાત્કાલીક ધરપકડ કરી વળતા વાયરલેસ મેસેજથી અમરેલી જાણ કરવી.
બાબરા ફોજદાર જયદેવે રાયટર અરૂણને વિલેજ ક્રાઈમ નોટબુક જે ફોજદારની પોતાની સેઈફ કસ્ટડીમાં લોક એન્ડ કીમાં રહેતી તે કાઢીને રજૂ કરવા હુકમ કર્યો તથા એક જવાનને ગુપ્તચર શાખા (ઈન્ટેલીજન્સ બ્રાંચ)ના જમાદારને બોલાવવા રવાના કર્યો.
જયદેવે વિલેજ ક્રાઈમ નોટબુકનો અભ્યાસ કરી ને છેલ્લી જે જે હોદેદારોની નોંધ હતી તેમના નામનું લીસ્ટ અલાયદુ તૈયાર કર્યું અને ગુપ્તચર શાખાના જમાદાર આવી જતા છેલ્લા ત્રણ મહિનામાં આ હોદેદારોમાં કોઈ ફેરફાર થયા છે કે કેમ તેની તેમની પાસેથી ખાત્રી કરીને મુખ્ય સક્રિય આગેવાનોની જ નોંધ તૈયાર કરી.
જયદેવને સૌથી વધુ આશ્ર્ચર્ય તો એ વાત નું થયું કે સૌથી પહેલુ નામ ગીપીનભાઈનું હતુ આ ગીપીનની ઉંમરતો ૨૫ કે ૩૦ વર્ષની જ હતી પરંતુ તેના કાર્યો બધા ઠાવકા હતા. અતિ ધાર્મિક તો ખરો પણ સમાજ સેવક પણ ખરો ગીપીન ખુબ સુખી સંપન્ન અને સમૃધ્ધ વેપાર ધંધા અને સમૃધ્ધ ખેતી વાળા પરિવારનો તે જયેષ્ઠ પુત્ર હતો ગીપીન ના પિતા પણ ધર્મ પ્રેમી સમાજ સેવક અને જયદેવના ખાસ ચાહક હતા.
ગીપીનની ઉંચાઈ ખાસ નહિ બેઠી દડી પણ ઘઉં વર્ણો વાન અને સતત હંસતો ચહેરો અને સમાજની દરેક ઉંમરની વ્યકિત સાથે તેનો હંસી મજાક અને મશ્કરીનો વ્યવહાર હતો. ગીપીન રાજકારણમાં હતો પણ ગીપીન રાજકારણનો ઉપયોગ સ્વાર્થ માટે નહિ કરતા રાજકારણ વાળા તેની સમાજ સેવાનો ઉપયોગ કરી લેતા આથી તેને રાજકીય સ્પર્શ હોય લેંધા ઉપર ગોંઠણ સુધીનો લાંબો ઝબ્બો તે પહેરતો.
વળી બાબરા હવેલીના બાવાનો ગીપીન ખાસ પ્રિતિપાત્ર સેવક પણ હતો અને સૌથી મોટી વાત તો એ હતી કે ગીપીન જયદેવના જીવંત સંપર્કમાં હતો. જયદેવને ગીપીનનો દરેક વ્યકિત સાથેનો મજાક મશ્કરીનો વ્યવહાર અને આનંદી સ્વભાવ ખૂબ પસંદ હતો કેમકે કોઈપણ વ્યકિત ગમે તે મશકરી કરે પણ ગીપીનને માઠુ લાગે નહિ તેનો ચહેરો હંસતો જ હોય.
જયદેવે ગીપીનને રૂબરૂ બોલાવ્યો પણ તેને આવતા મોડુ થયું અને વાળુ પાણીનો ટાઈમ થતા જયદેવ પોલીસ સ્ટેશનની સામે જ આવેલા સરકારી કવાર્ટરમાં જમવા ગયો અને જેવો જમવા બેઠો ત્યાં જ પોલીસ જવાન સાથે ગીપીન આવી ગયો જયદેવે જવાન ને કહ્યું ગીપીનને બેઠક રૂમમાં બેસાડો અને ચા પાણી આપો પણ ગીપીને કહ્યું અત્યારે ચા હોય હું તો વાળુ પાણી કરી ને જ આવ્યો છું તમતમારે નીરાંતે જમી લો હું બેઠકમાં બેઠો છું.
જયદેવ જમીને બેઠક ‚મમાં આવ્યો અને ગીપીન જોડે થોડી આડી અવળી સામાન્ય વાતો કર્યા પછી મુળમુદા ઉપર આવ્યો અને અયોધ્યાના મુદાનીચર્ચા કરીતેથી ગીપીન બોલ્યો ‘માળુ કેવું થયું નહિ?’ આવુ ધાર્યું ન હતુ.’ જયદેવ આમતો કોઈની મશ્કરી કરતો જ નહિ પણ કોણ જાણે આજે ઓચિંતા તેને પણ ગીપીનની મજાક મશ્કરી કરવાનું સુજયું અને અમરેલીથી આવેલ વાયરલેસ મેસેજની વાત કરી અને તેનું એટલે કે ગીપીનનું ‘ધ અનલોકુલ એકટીવીટીઝ (પ્રિવેન્શન) એકટ ૧૯૬૭’ના કાયદા હેઠળનું ધરપકડનું વોરંટ આવી ગયાનું કહ્યું આથી રાષ્ટ્રવાદી ગીપીનને ઈમરજન્સી (કટોકટી ૧૯૭૫)ના કાળા કાયદા ‘મીસા, મેઈન્ટેન્સ ઓફ ઈન્ટરનલ સીકયોરીટી એકટ’ની યાદ આવી ગઈ.
કેમકે કટોકટીમાં તો જે પણ શંકાના દાયરામાં આવતા તેને પકડી પકડીને દૂરની જેલોમાં મોકલી આપવામાં આવતા પછી કોઈ જામીન અરજીનહિ કેમકે કોઈ એફ.આઈ.આર. જ નહિ અને કોઈ કોર્ટમાં સુનાવણી (ટ્રાયલ) પણ નહિ ગયા તે ગયા અનિશ્ચિ સમય સુધી. આ યાદ આવી જતા જ ગીપીનની આંખો ચકળવકળ થવાલાગી અને સીધુ જ પુછી લીધું કે મારૂ એકલાનું જ વોરંટ? જયદેવે ઓફીસમાં તૈયાર કરેલુતમામ હોદેદારોના નામનું લીસ્ટ જ ગીપીનને વાંચવા આપી દીધું વાંચીને ગીપીનને થોડી રાહત થઈ કે હું એકલો તો નથી જ. માનવ મગજ અને સ્વભાવ એવો છે કે સુખ અને દુ:ખની સ્વજનોમાં વહેંચણી કરે તો સુખમાં વૃધ્ધી થાય અને દુ:ખની વહેંચણી થતા એવું વિચારે છે કેહું એકલો નહિ તમામને દુ:ખ સમાન જ છે. એટલે દુ:ખ ઓછુ થતુ જણાય આમ સુખ દુ:ખ મનનું કારણ છે.
થોડીવારે ગીપીને વળી પૂછયું તમામને સાથે રાખવાના છે કે અલગ અલગ ? આથી જયદેવે વધારે મશ્કરી કરી ને કહ્યું ‘તમામને અલગ અલગ જેલોમાં મોકલવાના છે. પણ તમા‚ વોરંટ આંધ્રપ્રદેશ ના હૈદરાબાદની ગોલકોન્ડા જેલનું છે. બીજા ના અમુકના છેક આંદામાન નીકોબાર, તથા દિલ્હીની તીહાર જેલ તથા જોધપૂરની ખાસ જેલ પણ છે.
આ સાંભળીને ગીપીન ચોંકી ઉઠ્યો અને જીજીવિષાથી જયદેવની સામે દયામણી દ્રષ્ટીથી જોઈ રહ્યો કપાળ પરસેવાની ધારો છૂટી આથી ઝબ્બાના કોલરમાં રાખેલો રૂમાલ કાઢીને લૂછવા લાગ્યો પણ જાણે કપાળ અને માથામાં પરસેવાની સરવાણીઓ ફૂટી ગીપીન શું બોલવું તે પણ ઘડીક ભૂલી ગયો પછી ધીરેથી ગળગળા અવાજે વિનંતીથી જયદેવને કહ્યું કે ‘સાહબે આ હૈદરાબાદને બદલે મારા એકલા પુરતુ ગુજરાતની કોઈ જેલમાં નથી થાય એમ? જયદેવે વધારે નાખણી કરીકે’ હું પોલીસ વડાને તમારા પૂરતું તો પોરબંદર કે ભૂજ હાથીખાના જેલનું કરાવી શકુ પણ તેના બદલામાં તમારે આ નામની યાદીવાળા બાકીના હોદેદારોને મારી સાથે આવી ને પકડાવી દેવા પડે તેજ શરતે આ ફેરફાર હું તમારા પૂરતો કરાવી દઉ આથી ગીપીન તમામને પકડાવી દેવા માટે દિલથીતૈયાર થયો પણ ગીપીને પણ રોન કાઢવાની કોશીષ કરી અને કહ્યું ‘સાહેબ એક વખત હું ઘેર આંટો મારી આવું અને તમામ ને લાંબા સમય સુધીના રામરામ કરી કપડા લતાનો થેલો પણ લેતો આવું.
જયદેવે કહ્યું ના એમ નહિ તમો રાજકારણીઓ નો ભરોસો નહિ. તમે પહેલા આ લીસ્ટવાળાઓને ભેગા કરીદો તો તે પછી તમારી જેલ બદલી ગોલકોન્ડાની જેલને બદલે ગુજરાતની કોઈ જેલમાં કરાવી દઉં. આ લોકો આવી જાય પછી હું જ તમારી સાથે તમારા ઘેર આવી તમને તૈયારી કરવાનો પૂરો સમય પણ આપીશ અને તમામને મળવા પણ દઈશ આથી ગીપીને કચવાતા મને કહ્યું ‘ભલે ત્યારે તમો કહો તેમ બીજુ શું?
આથી જયદેવ જીપમાં રાયટર અ‚ણ ગુપ્તચર શાખાના જમાદાર તથા ગીપીનને લઈને આટકોટ રોડઉપર આવેલ વિશ્રામગૃહમાં રવાના થતા પહેલા પી.એસ.ઓને ચારેક પોલીસ જવાનોને તાત્કાલીક વિશ્રામગૃહમાં યુનિફોર્મ હથીયારો સાથે મોકલી આપવા જણાવી રવાના થયો.
વિશ્રામ ગૃહમાં આવી ચોકીદાર વલ્લભને એક બાજુ બોલાવી ખાનગીમાં જરૂરી સુચનાઓ કરી અને વિશ્રામગૃહના પાછળના પટાંગણમાં ખુરશીઓ નખાવી બેઠા, રાત્રીનાં બાર વાગ્યા સુધી સમય પસાર કરવો પડે તેમ હતો કેમકે અમુક સભ્યો કદાચ હજુ ઘેર પહોચ્યા પણ ન હોય જો પોલીસ વહેલી પહોચી જાય તો તેમને પોલીસ શોધે છે.તે ખબર પડી જતા તેઓ રફુચકકર થઈ જાય અને પછી પકડવા અશકય થઈ જાય.
વિશ્રામ ગૃહમાં જયદેવે વાતોનો ડાયરો માંડયો, પણ સહજ છે આજે ગીપીનને ડાયરાનો રંગ ચડતો નહતો નહિ તો મૂડમાં હોય તો ગીપીનની વાણી એક વખત સાંભળો તો ફરીથી સાંભળવાનું મન થાય પણ આજે તેને વાતોમાં કોઈ રસ હતો નહિ ફકત હં હં કરીને વાતોનો ટુંકમાં જવાબ વાળતો હતો.
રાત્રીનાં બાર વાગ્યે જયદેવે પોલીસની કાર્યવાહી ધરપકડ કાર સેવા ચાલુ કરી, ગીપીનની રાહબરી હેઠળ પોલીસ કાફલો સૌ પ્રથમ બાબરાની મુખ્ય બજારમાં આવ્યો. જીપ ઉભી રખાવી ગીપીને કહ્યુ અહીથી ચાલીને ગલીમાં થઈ દરબારગઢ તરફ જતા રસ્તા ઉપર અમારા સંગઠનના નેતાજી બંદાભાઈ મહાજનનું ઘર આવેલ છે. રાત્રે એક વખત ડેલો અંદરથી બંધ થયા પછી કયારેય ખોલતા નથી બહુ જાણીતી વ્યકિત હોય તો રસ્તા ઉપર પડતી બારી સહેજ ત્રાંસી ખોલીને જોઈને વાતચીત કરી લે છે.
જયદેવે જોયું તો મકાનની રચના જ એવી હતી કે ઓરડાની બારીમાંથી સ્પષ્ટ જોઈ શકાય કે ઘરના ડેલા પાસે કોણ કોણ અને કેટલા માણસો ઉભા છે કેમકે ડેલાની કાટખૂણે ઓરડાની દીવાલમાં બારી હતી. જયદેવે વિચાર્યું કે જો બંદાભાઈ બારીમાંથી ગીપીનની જોડે પોલીસને જુએ તો પછી ડેલો ખૂલે જ નહિ વળી ડેલા ફરતે જુનવાણી ખીચોખીચ મકાનો આવેલા તેથી બંદાભાઈના મકાનમાં બીજી રીતે પ્રવેશ કરવો મુશ્કેલ હતો. જયદેવે ગીપીનને ખાસ કહેલુ હતુ કે જો આ વ્યકિત હાથમાં આવશે તો જ તમા‚ ગોલકોન્ડા જેલના હૈદરાબાદના વોરંટમાં ફેરફાર થશે બાકી નહી આથી ગીપીન પણ સાચક ઉપર આવીને બંદાભાઈ સોનીને પકડાવવા તત્પરજ હતો.
ગીપીનને ડેલા પાસે એકલો ઉભો રાખ્યો એક જવાનને શેરીની એક બાજુ અને બીજા જવાનને શેરીની બીજી બાજુની દિશામાં રાખ્યા હતા જો કદાચ ગીપીન નાસવાની કોશીષ કરે તો પકડવાની સરળતા રહે તથા જયદેવ પોતે જે બારીમાંથી બંદાભાઈ ખોલીને જોવા ના હતા તેની નીચે જોઈન શકાય તેરીતે સંતાઈનેબેસી ગયો અને ગીપીનને કહ્યું હવે ડેલી ખખડાવ ગીપીને જેવી ડેલી ખખડાવી અને અવાજ કર્યો ત્યાંજ બંદાભાઈએ જયદેવ નીચે બેઠો હતો તે બારી સહેજ ખોલીને પહેલા જોયું અને ગીપીનને જોયો છતા પૂછયું ‘કોણ એલા?’ ગીપીને ક્હ્યું ‘એતો હું બંદાકાકા અત્યારે મળવું ખૂબજ જરૂરી હોય આવ્યો છું’ બદાભાઈએ કહ્યું ‘તે જે હોય તે સવાર ઉપર રાખને?’ પણ ગીપીને કહ્યું બહુ જરૂરી ગુપ્ત વાત ચર્ચવાની છે.
તમે ખોલો તો હું જ અંદર આવી જાઉ આથી બંદાભાઈએ બારી બંધ કરી અને જેવો ડેલાના ગડેરામાં અવાજ આવ્યો ત્યાંજ જયદેવ બારી નીચેથી ઉભો થઈ ડેલાની ખડકીની બાજુમાં ઉભો રહી ગયો અને જેવી ડેલાની નાની ખડકી ખૂલી અને ગીપીન કાંઈક વાત કરવા જાય ત્યાં જ જયદેવે ઝાપટ મારીને ખડકીમાંથી ડેલામાં અંદર ઘુસી ગયો આ જોઈ બંદાભાઈ હેબતાઈ ગયા અને બોલ્યા ‘ભારે કરી ગીપલા ગદારી કરીને?’ ગીપીને કહ્યું જુઓ તો ખરા ફાટી કાં પડો? કોઈ ડાકુ લૂંટારા કે બહારવટીયા નથી પોલીસ છે તેથી બંદાભાઈ બીજુ કાંઈ બોલ્યા નહિ.
બંદાભાઈએ શરીર ઉપર સફેદ પાતળો અર્ધીબાયનો સદરો અને નીચે ધોતી પહેરેલી હતી ધોતીનો એક છેડો હાથમાં હતો ડેલાના ગડેરામાંથી પસાર થઈ ડાબી બાજુ ઓસરી તરફ જતા ચાલતા ચાલતા ગીપીને બંદાભાઈને આ બાબરી પડી તેના કારણે આપણા તમામ હોદેદારોના ધરપકડ વોરંટ દેશની અલગ અલગ જેલોમાં મોકલવાના આવ્યા હોવાની વાત કરી એક તો અર્ધીરાત થયેલી, બીજુ ગીપીને ખવરાવેલી થાપ અને ત્રીજુ કટોકટી કાળ (ઈમરજન્સી ૧૯૭૫)ની કડવી ઝેર યાદો વિગેરે વિચારો એ બંદાભાઈને ધ્રુજાવી દીધા. બંદાભાઈએ જયદેવને કહ્યું ‘સાહેબ બે જ મીનીટ અને વિશાળ ફળીયામાં સામા ખૂણે આવેલ સંડાસ તરફ ધોતીનો એક છેડો પકડીને ભરેરાટી કરતા કરતા હડી કાઢી, થોડીવારે બંદાભાઈ પાછા આવ્યા પણ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
જયદેવ મનમાં વિચારતો હતો કે બંદાભાઈની આધેડ વય છે કયાંક હૃદય બેસી જશે તો હજુ લોનકોટડા કસ્ટડીયલ ડેથ તો માંડ થાળે પડયું છે ત્યાં કયાંક આ બીજી ઉપાધી આવી ન જાય. આથી જયદેવે બંદાભાઈને એક બાજુ લઈ જઈ આશ્ર્વાસન આપીને કહ્યું કે કાંઈ ચિંતા કરો નહિ બધુ સારૂ થઈ જશે તેથી બંદાભાઈને થોડીરાહત થઈ અને કપડા બદલીને જીપમાં લઈને વિશ્રામ ગૃહે આવ્યા.
આ ‘ધી અનલોકુલ એકટીવીટીઝ (પ્રિવેન્શન) એકટ મુજબનો ગુન્હો ભલે ગંભીર હશે પરંતુ જયદેવની દ્રષ્ટીએ તો એ એક પ્રકારનો અટકાયતી ધારો જ હતો. કોઈ સંગઠન કે સંસ્થા એક વખત કાયદેસર હતી હવે સરકારે નોટીફીકેશનથી ગેરકાયદેસર જાહેર કર્યું. વળી આ લોકો કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ કરતા નહતા તેથી તેમને અટકાયતી તરીકે જ વિશ્રામગૃહમાં રાખી પોલીસ પહેરો મૂકી વિશ્રામ ગૃહના ચોકીદાર વલ્લભને કહ્યું કે આ લોકોને જે ચા પાણીની જરૂર પડે તે પૂરી પાડવી.આમ બંદાભાઈને પોલીસ પહેરા નીચે વિશ્રામગૃહમાં બેસાડી જયદેવ ગીપીનને લઈને પાછો આવ્યો કાંકરીયા ચોરે મહાકાળી માતાના મઢે. પણ અહી તપાસ કરતા સંસ્થાના સર્વેસર્વા શિવાદાદા બહારગામ ગયેલા હતા. પરંતુ બીજા એક આગેવાન અને ખેડુત હંસરાજભાઈ તથા ઘીના વેપારી મનોજ જસાણીનોતો ગીપીને ભેટો કરાવી જ દીધો. આથી બંનેને પણ વિશ્રામગૃહમાં લાવીને કહ્યું ‘હવે કરો બંદાભાઈ સાથે સત્સંગ !’