લેન્ડ રેકોર્ડના આધારે ખેડૂતોને આવશ્યક સેવાઓ અપાશે, હવામાન,સિંચાઈ, પરિવહન, બજારની સ્થિતિ અંગેની માહિતિ પણ પુરી પાડવામાં આવશે
અબતક, નવી દિલ્હી : જો કોઈ દબંગ હોય તો તે વ્યાજે પૈસા ફેરવીને 3 ટકા નફો કરી શકે, દારૂનો ધંધો કરે તો 100 ટકાનો નફો કરી શકે, અન્ય પ્રતિબંધિત વસ્તુનું સ્મગલિંગ કરીને 200થી 300 ટકાનો નફો કરી શકે. પણ આ નફાથી પણ વધુ નફો કાયદેસર આપી શકે તે વ્યવસાય ખેતી છે. જેમાં ખેડૂત એક દાણામાંથી 1000 દાણાનું ઉત્પાદન કરી શકે છે. પણ કમનસીબે દેશની 42 ટકા પ્રજા આ વ્યવસાયમાં રોકાયેલી છે છતાં જીડીપીમાં તેમનો હિસ્સો નહિવત જેવો છે. જેના પગલે હવે સરકારે ખેતીને સમૃદ્ધ કરવા કમર કસી છે. જેના ભાગરૂપે સરકાર ડિજિટલ લેન્ડ રેકોર્ડ બનાવી ખેડૂતોની આવક વધારવાનો પ્રયત્ન કરવાની છે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે સંસદમાં માહિતી આપી હતી કે, સરકાર ડિજિટાઇઝ લેન્ડ રેકોર્ડ્સનો ઉપયોગ કરીને ખેડૂતોનો ડેટાબેસ બનાવવાનું આયોજન કરી રહી છે. જે ખેડુતોને સક્રિય અને વ્યક્તિગત સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રની કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે સરકારે અસરકારક રીતે વ્યૂહ ઘડયો છે.
સરકાર દ્વારા લેન્ડ રેકોર્ડ તૈયાર થયા બાદ ખેડૂતોને જમીન અને છોડની આરોગ્ય સલાહ, હવામાન સલાહ, સિંચાઇ સુવિધાઓ, સીમલેસ ક્રેડિટ અને વીમા સુવિધાઓ, બીજ, ખાતરો, જંતુનાશક દવાઓને લગતી માહિતી નજીકની લોજિસ્ટિક સુવિધાઓ, બજાર વપરાશની માહિતી, ખેતરના સાધનો અંગેની તમામ માહિતીઓ પ્રદાન કરવામાં આવશે. આ સાથે વ્યક્તિગત સેવાઓ પણ આપવામાં આવશે. સરકારી યોજનાઓના લાભાર્થીઓની પસંદગી માટે ડેટાબેસનો ઉપયોગ કરવામાં આવશે કે કેમ તે પૂછવામાં આવતા, તોમારે કહ્યું કે એકવાર રેકોર્ડ વિકસિત થયા પછી, એક વ્યક્તિગત અને સામુહિક સેવાઓ આ રેકોર્ડ મુજબ ખેડૂત સુધી પહોંચાડવામાં આવશે.
ખેતીમાં રોકાયેલા લોકોની સંખ્યા 42 ટકા, છતાં જીડીપીમાં હિસ્સો માત્ર 15 ટકા જ !!!
દેશમાં ખેતીમાં રોકાયેલ લોકોની સંખ્યા અધધધ 42 ટકા જેટલી છે. જો કે જેમાના 50 ટકા પાસે જમીન નથી. તેઓ મજૂરી કામ કરે છે. જીડીપીમાં આ તમામ લોકોનો હિસ્સો માત્રને માત્ર 15 ટકા જ છે. જેના પરથી સાબિત થાય છે દેશમાં ખેતી વ્યવસાય તરીકે હજુ વિકસિત થઈ નથી. જેના પરિણામે લોકો ખેતીના વ્યવસાયથી દુર ભાગી રહ્યા છે. પણ હવે સરકારે ખેતીને લગતી વિવિધ સમસ્યાઓ દૂર કરી ખેતીને સમૃદ્ધ બનાવવાની કવાયત હાથ ધરી દીધી છે.
ખેડૂતો 50 વર્ષ જુની વિચારસરણીથી કરી રહ્યા છે ખેતી!!
એક અહેવાલ પ્રમાણે ભારતના ખેડૂતો 50 વર્ષ જૂની વિચારસરણીથી ખેતી કરી રહ્યા છે. વિદેશમાં ખેડૂતો આધુનિક ટેકનિકો અપનાવી ઓછી જમીનમાં ઓછી મહેનતે અને ઓછા સમયમાં ખૂબ વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. સામે ભારતના ખેડૂતો પુરાની પદ્ધતિથી વધુ મહેનતથી ઓછું ઉત્પાદન મેળવીને ખોટ ખાઈ રહ્યા છે.
ખેતીમાં ઓર્ગેનાઇઝ સિસ્ટમનો અભાવ
ભારતમાં ખેતી ક્ષેત્રે ઓર્ગેનાઇઝ સિસ્ટમનો અભાવ છે. બીજા દેશોમાં નાશવંત વસ્તુઓ એટલે કે ઉત્પાદનમાં 1 ટકાનો લોસ આવે છે. એટલે કે 1 ટકા વસ્તુ બગડે છે. પણ ભારતમાં આ લોસ 33 ટકા જેટલો છે. જેની પાછળનું કારણ ઓર્ગેનાઇઝ સિસ્ટમનો અભાવ છે. કારણકે ખેડૂતોને પોતાનું ઉત્પાદન વેચવા માટેની યોગ્ય તક મળતી નથી. ઉપરાંત ઘણા કેસોમાં સાધન સામગ્રીનો અભાવ પણ લોસ વધવા પાછળનું કારણ બની રહ્યો છે.
હજુ પણ ખેતીને ઉદ્યોગનો દરજ્જો નથી મળ્યો
ભારતમાં હજુ પણ ખેતીને ઉદ્યોગનો દરજ્જો મળ્યો નથી. 42 ટકા જેટલા લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલા હોવા છતાં ખેતીને ઉદ્યોગ તરીકે સ્વીકારવામાં આવી નથી. જેના પગલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ શકતું નથી. ઘણા યુવાનો એવા પણ છે કે જે આધુનિક ખેતીનું જ્ઞાન મેળવી ખેતી કરવા ઈચ્છે છે. પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની સેવાના અભાવે તેઓ આ વ્યવસાયમાં ઝંપલાવતા નથી.