ઉત્પાદન બહોળા પ્રમાણમાં થતા વૈશ્ર્વિક સ્તર પર ખાંડની કિંમત વધતા હવે નિકાસકારો માટે સબસિડીની આવશ્યકતા નહીં: ખાદ્ય અને વિતરણ મંત્રાલય
ખાંડની નિકાસકર્તાઓને ટૂંક જ સમયમાં મોટો ઝટકો લાગે તેમ છે. કેન્દ્ર સરકાર આગામી ઓક્ટોબર માસથી ખાંડની નિકાસ પર આપવામાં આવતી સબસિડી પાછી ખેંચી લેશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના સચિવ સુંધાશુ પાંડેએ જણાવ્યું કે મોદી સરકાર આગામી વર્ષ માટે સબસિડી પર વિચાર કરી રહી નથી. ભારત ઓક્ટોબર 2021થી શરૂ થનારી નવી સિઝનથી ખાંડની નિકાસ સબસિડી પાછી ખેંચશે. ખાંડનું મોટાપાયે ઉત્પાદન અને તેની વૈશ્વિક બજારમાં ઊંચી કિંમતોને કારણે હવે નિકાસકારોને સબસીડી સહાયની કોઈ જરૂરિયાત નથી.
સચિવ સુંધાશુ પાંડેએ વધુમાં જણાવતા કહ્યું કે હવે વૈશ્વિક સ્તરે ખાંડના ભાવ ઝડપથી વધી રહ્યા છે. તેનાથી વિશ્વ બજારમાં ખાંડ વેચવાનું સરળ બન્યું છે. તેથી, ખાંડની નિકાસ પર હવે સબસિડીની જરૂરિયાત અનુભવાતી નથી. જો કે, આનાથી ચીની નિકાસકારોને ઝટકો જરૂર લાગશે.
જણાવી દઈએ કે બ્રાઝીલ પછી ભારત વિશ્વમાં સૌથી વધુ ખાંડ ઉત્પાદક દેશોમાંનો એક છે (બીજા ક્રમનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક). ભારતે સતત ત્રણ વર્ષ માટે વિદેશી વેચાણને પ્રોત્સાહન આપ્યું છે. આનાથી ભારતને ખાંડ નિકાસકાર તરીકે ઉભરવામાં ઘણી મદદ મળી છે.