ખેતી દ્વારા સમૃદ્ધિ લાવવા સરકાર બજેટમાં કમર કસશે. એક તરફ સર્વિસ સેક્ટર નબળું રહેવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી કૃષિ ક્ષેત્રમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર તૈયારી કરી રહી છે. જેમાં ખેડૂતોને સરળ ધિરાણ અને સબસીડી સહિત અનેક રાહત મળે તેવી શક્યતા સેવાઇ રહી છે.
ખાતરો અને કૃષિ રસાયણો પર ઉચ્ચ ઇનપુટ સબસિડી, પશુપાલન ક્ષેત્ર માટે સસ્તી ધિરાણ અને કૃષિ રસાયણ માટે ઉત્પાદન-સંબંધિત પ્રોત્સાહનોની રજૂઆત ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા અને ગ્રામીણ માંગમાં વધારો કરવામાં મદદ કરી શકે છે, ખેડૂતો અને કંપનીઓએ જણાવ્યું હતું કે, આગામી બજેટ માટે ઘણું આશાભર્યું છે.
કેટલાક લોકોએ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના માટે વધુ ભંડોળની ફાળવણીનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે તે ગ્રામીણ અર્થતંત્રમાં રોકડ પ્રવાહ વધારવામાં મદદ કરશે. સરકાર પણ આ મામલે હકારાત્મક છે.
એફએમસીજી અને ટુ-વ્હીલર્સ સહિતની તમામ શ્રેણીઓમાં ગ્રામીણ માંગમાં વધારો થયો છે. પણ ફુગાવો નુકસાન પહોંચાડી રહ્યો છે અને વાસ્તવિક વેતનમાં ઘટાડો થયો છે . બંને સુસ્ત ગ્રામીણ ખર્ચમાં પરિણમે છે.
ગ્રામીણ અર્થવ્યવસ્થાને પુનજીર્વિત કરવા માટે આગામી બજેટમાં કૃષિ પર ફોકસ રહેવાની ધારણા સાથે, કૃષિ રસાયણ અને ખાતર જેવા કૃષિ-ઇનપુટ ક્ષેત્રને ફાયદો થવાની અપેક્ષા છે,” એક એફએમસીજી કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું.
ખેડૂતોને ટેકાના ભાવના મળતા રક્ષણમાં વધુ જોર અપાશે
ટેકાના ભાવની યોજના ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે. મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઇ, ડાંગર અને કપાસ, તુવેર, મગ, મગફળી, તલ, ઘઉં, ચણા, રાઇ અને શેરડી પાકોમાં અમલકરવામાં આવી રહેલ છે. સરકાર દર વર્ષે મહત્વના પાકોના ટેકાના ભાવો નિયત કરે છે.ટેકાના ભાવોથી યોજનામાં સમાવિષ્ટ ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો નીચા જાય તો નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આવી નિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી એ.પી.એમ.સી. સેન્ટર દ્વારા સીધી ખરીદી કરવામાં આવે છે. સરકાર ટેકાના ભાવના મળતા રક્ષણમાં વધુ જોર અપાઈ તેવા પ્રયત્ન કરશે.
કૃષિ ક્ષેત્રે નિકાસમાં ભારત પાસે ભરપૂર તકો
ભારતની ઘણી કૃષી ચીજો તેની ચડીયાતી ગુણવત્તા માટે વિશ્વભરમાં વખણાતી જોવા મળી છે. દેશમાંથી કૃષી ચીજોની નિકાસ વધારવા સરકાર પણ વિવિધ પ્રયત્નો કરી રહી છે. રશિયા તથા યુક્રેન વચ્ચેના વોરના પગલે વૈશ્વિક સ્તરે વિવિધ કૃષી ચીજોમાં વૈશ્વિક માગ તથા વૈશ્વિક પુરવઠાના સમીકરણોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. રશિયા- યુક્રેન વોરના પગલે ભારતના ઘઉં, ચોખા, ખાંડ વિ.ની માગ વિશ્વબજારમાં વિતેલા વર્ષમાં ખાસ્સી વધી ગઈ હતી. જી-20ના દેશોની મિટિંગમાં પણ વૈશ્વિક ફુડ ક્રાઈસીસ વિશે વિશેષ ચર્ચા થઈ હતી. દેશમાં કૃષી ચીજોની આયાત વધી છે તેમ સામે નિકાસ પણ વધી છે. જોકે આવી ચીજોની આયાત જેટલા પ્રમાણમાં વધી છે તેટલા પ્રમાણમાં નિકાસમાં વૃધ્ધિ થઈ નથી એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
કૃષિ નિકાસમાં ભારત 4 વર્ષમાં 12માંથી 8માં ક્રમે પહોંચ્યું
ભારતમાં જો કૃષી ઉત્પાદન વધશે તો આપણે વૈશ્વિક સ્તરે કૃષી નિકાસકર્તા દેશોમાં વિશ્વમાં સાતમા ક્રમાંકે પહોંચી જવા સક્ષમ છીએ એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું. ભારતમાં બનતી કૃષી ચીજોથી ગુણવત્તા ચડીયાતી હોય છે અને ભારતની આવી ચીજો વિશ્વબજારમાં પ્રિમિયમ ભાવ પણ મેળવી શકે તેમ છે. વિશ્વની નિકાસ બજારમાં ભારતની કૃષી નિકાસ 2021- 22માં આશરે 50 અબજ ડોલર જેટલી થઈ છે. કૃષી નિકાસકર્તા વિવિધ દેશોમાં ક્રમાંકની દ્રષ્ટીએ આપણે ચાર વર્ષ અગાઉ 12મા નંબરે હતા તે તાજેતરમાં આઠમા નંબરે આવી ગયા છીએ તથા
આ વાત આશાસ્પદ જણાઈ છે અને હવે સાતમા નંબરે પહોંચવાનું લક્ષ્યાંક બનાવવામાં આવ્યું છે તથા બે વર્ષમાં આવું લક્ષ્યાંક મેળવવાની ઘઉં- ચોખાની નિકાસ પરના અંકુશો પણ નવા વર્ષમાં દૂર કરવામાં આવે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. ભારતમાંથી વિવિધ મસાલા તથા તેજાનાની વ્યાપક નિકાસ થાય છે અને આવી નિકાસ હજી વધુ વધારી શકાય તેમ છે. ભારત અગાઉ 100 દેશોમાં કૃષી ચીજોની નિકાસ કરતું હતું તે સંખ્યા વધી હવે 200 દેશોની થઈ છે.