અનાજના ફુગાવાને નિયંત્રણમાં રાખવા મહત્વનો નિર્ણય
જરૂરિયાતના આધારે ભવિષ્યમાં ઘઉંની આયાત ડ્યુટીને લઈને પગલાં લેવાશે : ખાદ્ય સચિવ સંજીવ ચોપરા
કેન્દ્ર સરકારે અનાજનો ફુગાવો ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. ભાવ વધારાને રોકવા માટે સરકાર કેન્દ્રીય ક્વોટામાંથી વધારાના 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખા ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 7 લાખ ટન ઘઉંનું વેચાણ ઓએમએસએસ હેઠળ ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ચોખાનું વેચાણ નહિવત્ રહ્યું છે. વરસાદનો સીધો સંબંધ નિર્ણયો સાથે છે, જો સમયસર યોગ્ય માત્રામાં વરસાદ પડે તો પાક સારો થાય, જો ન થાય તો પાક બગડે છે. જો કે, 12 જુલાઈ સુધી, આઈએમડી હવામાનશાસ્ત્રી એનકે કુમારના જણાવ્યા અનુસાર, પૂર્વ અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વરસાદ સરેરાશ કરતા 19 ટકા ઓછો હતો. તે જ સમયે, દેશના દક્ષિણી રાજ્યોમાં 23 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
દેશમાં ટામેટાં અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે. સરકારનું કહેવું છે કે ભારે વરસાદને કારણે ટામેટાંના પુરવઠાને અસર થઈ છે, જેની સપ્લાય સુચારૂ થઈ રહી હોય ટામેટાંના ભાવમાં ફરીથી નરમાઈ આવી રહી છે.
ઘઉંની આયાત ડ્યુટીમાં ઘટાડો થવાની સંભાવના અંગે, સરકારે કહ્યું કે તે જરૂરિયાતના આધારે ભવિષ્યમાં પગલાં લેશે સરકારી માલિકીની ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કેન્દ્રીય સ્ટોકમાંથી ઘઉં અને ચોખાનું વેચાણ 28 જૂનથી ઈ-ઓક્શન દ્વારા ઓએમએસએસ હેઠળ લોટ મિલો અને નાના વેપારીઓ જેવા જથ્થાબંધ ખરીદદારોને કરી રહી છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી બે કોમોડિટીના ભાવ સમાચારોમાં છે કારણ કે અમે આ અનાજના ભાવમાં વધારો જોઈ રહ્યા છીએ. ઓએમએસએસ હેઠળ ઘઉંની ખરીદી અત્યાર સુધી સારી રહી છે. જો કે, છેલ્લી બે-ત્રણ હરાજીઓમાં ઘઉંની સરેરાશ કિંમત વધી રહી છે. તેમણે કહ્યું કે ચોખામાં બહુ ઉત્કર્ષ થયો નથી. ચોપરાએ કહ્યું કે સરકારને લાગે છે કે ચોખાની અનામત કિંમતમાં ફેરફાર સારા પરિણામો આપી શકે છે.