૨૦૨૦-૨૧માં ફિસ્કલ ડિફીસેટના તફાવતને ટાળવા સરકારનો બજેટમાં માસ્ટર પ્લાન : સામાન્ય લોકો પાસે વધુ પ્રમાણમાં રોકડ પહોંચાડી બજારમાં તરલતા લાવવા પ્રયાસ થશે

ગ્રામ્ય વિસ્તારોની કલ્યાણકારી યોજનાઓ અને ઈન્ફાસ્ટ્રકચર સેકટરને બુસ્ટર ડોઝ આપવા માટે પણ સરકાર મસમોટુ ભંડોળ ફાળવશે

  • ઇન્કમટેક્સના દરમાં ઘટાડો કરી લોકોને ખુશ-ખુશ કરી દેવાશે?

આગામી કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગને ખુશ-ખુશ કરી દેવા આવકવેરાના દરમાં ફેરફાર કરવામાં આવે તેવી ધારણા સેવાઈ રહી છે. ઈન્કમટેકસના દરમાં ઘટાડો થશે તો તમામ વર્ગને ફાયદો થશે તેવું માનવામાં આવે છે. ઈન્કમટેકસના દરમાં ઘટાડો કરવાથી સરકારની આવક ઉપર અસર થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગત વર્ષે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાના કારણે ૧.૪૫ લાખ કરોડની આવકમાં ઘટાડો થયો હતો. જેથી વ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો થશે તો સરકારી આવક વધુ ઘટશે તેવું પણ માની શકાય.

Screenshot 1 37

ભારતીય અર્થતંત્રમાં થોડા સમય માટે આવેલી સુસ્તી સરકારના માથાનો દુ:ખાવો બની ચૂકી છે. ત્યારે આગામી કેન્દ્રીય બજેટ જ અર્થતંત્રની સુસ્તી ઉડાવવા માટે અકસીર ઈલાજ હોવાનું સરકારને લાગી રહ્યું છે. આવા સમયે બજેટ બહારના રૂા.૧૫ લાખ કરોડ ખર્ચીને બજારને ધમધમતી કરવાનો વિચાર સરકારનો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. બજેટમાં ફિસ્કલ ડિફીસેટના તફાવતને ટાળવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. સામાન્ય લોકોના ખિસ્સામાં વધુ પ્રમાણમાં નાણા રહે જેનાથી બજારમાં તરલતા જળવાઈ રહેશે તેવું સરકારનું માનવું છે. જેથી બજેટ બહારના રૂા.૧૫ લાખ કરોડ જેટલી તોતીંગ રકમ સરકાર આગામી સમયમાં ખર્ચવા જઈ રહી છે.

7537d2f3 12

મળતી વિગતો મુજબ આગામી વર્ષ ૨૦૨૦-૨૧ માટેના આ મહત્વકાંક્ષી બજેટમાં સરકારે નાના અને મધ્યમ વર્ગના લોકો પાસે વધુ પ્રમાણમાં નાણા રહે તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોની કલ્યાણકારી યોજનાઓ અને ઈન્ફાસ્ટ્રકચર સેકટરને બુસ્ટર ડોઝ આપવા માટે પણ સરકાર મસમોટુ ભંડોળ ફાળવશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. છેલ્લા છ કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રમાં સુસ્તીની અસર જોવા મળી છે. આવા સંજોગોમાં ફિસ્કલ ડિફીસેટનું સંતુલન રાખવાનો ઈરાદો સરકારનો છે. વાસ્તવિક ડિફીસેટ અર્થતંત્રના ૪.૫ ટકાની સપાટીને અડશે તેવી ભીતિ પણ કેટલાક નિષ્ણાંતો કરી રહ્યાં છે. વર્તમાન સમયમાં સત્તાવાર રીતે ડિફીસેટને ૩.૫ થી ૪ ટકા સુધી જાળવવાનો પ્રયાસ સરકારે કર્યો છે જે મહદઅંશે કારગત નિવડયો છે.

Screenshot 2 15

વૈશ્ર્વિક પરિસ્થિતી અને ભારતીય બજારની વર્તમાન તંદુરસ્તીને નિહાળતા હાલ સરકાર માટે ફૂગાવો નિયંત્રીત કરવાની બાબત અગ્રતાના સ્થાને નથી. સરકાર બજારમાં વધુને વધુ નાણા ફેરવવા માંગે છે. કેપીટલ સ્પેન્ડીંગ વધે તે માટે આગામી નાણાકીય વર્ષમાં અરબો રૂપિયા બેંકો સહિતની નાણાકીય સંસ્થાઓ મારફતે ફેરવવામાં આવશે. રિયલ એસ્ટેટ સહિતના સેકટરમાં મસમોટા પ્રોત્સાહનો મોદી સરકાર આપશે. એકંદરે સામાન્ય માણસ ખુશ-ખુશાલ રહે તે પ્રકારનું બજેટ મોદી સરકાર જાહેર કરશે. જો કે, ઈન્કમટેકસના દરમાં ઘટાડો થશે તો સરકારની તિજોરીને નુકશાન થશે તેવું પણ કેટલાકનું માનવું છે.

વર્તમાન સમયમાં સરકાર ભારતમાં દરેકને ઘરનું ઘર આપવા ઈચ્છી રહી છે. આવા સંજોગોમાં આગામી બજેટમાં હાઉસીંગ લોનને લઈ મસમોટી જાહેરાત થાય તેવી સંભાવના છે. ભારતીય બજારમાં વર્તમાન સમયે સૌથી મોટી ખોટ રોકાણકારોની છે. રોકાણકારો માટે સરકારે વિવિધ પગલા તો લીધા છે પરંતુ આ પગલા હજુ સુધી અસરકારક નિવડયા ન હોવાનું માનવામાં આવે છે.

સરકાર આગામી બજેટમાં માત્ર આવક-જાવકના હિસાબ પર નહીં પરંતુ વધુને વધુ લોકો પાસે નાણા પહોંચે તે પ્રકારનો વહીવટ કરવા જઈ રહી છે. ઉદ્યોગોની સાથે સાથે ખેડૂતો અને સામાન્ય વર્ગને અસર કરતી વિવિધ બાબતોને આગામી બજેટમાં સાંકળી લેવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરશે. જો કે, કલ્યાણકારી યોજનાઓના સ્થાને આગામી બજેટમાં અર્થતંત્રની તંદુરસ્તી જાળવવા ઈકોનોમીને લગતા પગલા વધુ જોવા મળશે. સરકાર ઈકોનોમીનું બેલેન્સ જાળવવા માટે કેટલાક ઐતિહાસિક પગલા લે તો પણ નવાઈ નહીં. ખાધ અને ફૂગાવા જેવા નકારાત્મક પાસાઓ સામે સરકાર સામાન્ય જનતા માટે રાહતનો પટારો ખુલ્લો મુકશે તેવું પણ જણાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.