ડુંગળી ‘આગ’ લગાડે તે પહેલા સરકાર સતર્ક
છૂટક વેપારીઓ ૨ હજાર મેટ્રિક ટન જ્યારે જથ્થાબંધ વેપારીઓ ૨૫ મેટ્રિક ટનની મર્યાદામાં જ ડુંગળીનો કરી શકશે સંગ્રહ
કાળાબજારીયા સાવધાન : ૩૧ ડિસેમ્બર સુધી ડુંગળીની સંગ્રહખોરી પર સંપૂર્ણ પ્રતિબંધ
દેશમાં ડુંગળી ’આગ’ લગાડે તે પૂર્વે સરકાર સતર્ક બની છે. સરકાર દ્વારા ડુંગળીની અછતને પુરી કરવા અને ભાવ વધારાને અંકુશમાં રાખવા કડક પગલાંઓ લેવામાં આવ્યા છે. ડુંગળીના વધી રહેલા ભાવોને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર સ્ટોક મર્યાદા ધારો અમલી બનાવાયો છે. સ્ટોક મર્યાદા ધારો અમલી બનતા રિટેલ વેપારીઓ ફક્ત ૨ મેટ્રિક ટન જ્યારે જથ્થાબંધ વેપારીઓ ૨૫ મેટ્રિક ટન ડુંગળીનો જ સંગ્રહ કરી શકશે અન્યથા ગેરકાયદેસર સંગ્રહખોરીનો ગુનો બની શકે છે.
છેલ્લા ૧૦ દિવસથી ડુંગળીના ભાવ લગભગ બમણાં થઈને આસમાને પહોંચ્યા છે. ડુંગળીના ભાવ છૂટક બજારમાં આશરે ૧૫ દિવસ પહેલા રૂ. ૨૦ થી ૪૦ સુધીમાં વેંચાઈ રહ્યા હતા તેના ભાવ આજે રૂ. ૮૦ પ્રતિકીલોને આંબી ગયા છે. ડુંગળીના એકાએક ભાવ વધવા પાછળ જવાબદાર પરિબળ અંગે જો ચર્ચા કરવામાં આવે તો ક્યાંક મૂળમાં અણઘડ નીતિ અને ગેરવ્યવસ્થા જવાબદાર હોય તેવું ચોક્કસ લાગી આવે.
છૂટક બજાર તો ઠીક હાલ હોલસેલ બજારમાં પણ ડુંગળીના ભાવ બમણાં થઈ ગયા છે. હોલસેલ બજારમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જો ડુંગળીના પાકને વરસાદથી વધુ નુકસાની સર્જાય તો ભાવ હજુ વધારે ઉંચા જાય તો નવાઈ નહિ. એક અનુમાન અનુસાર ડુંગળીના ભાવ રૂ. ૧૦૦ પ્રતિકીલોએ પહોંચી શકે છે અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ગૃહિણીઓને રડાવી રહી છે અને હજુ વધું રડાવી શકે છે.
આ વર્ષે ભારે વરસાદને પગલે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાની સર્જાવાની ભીતિ સર્જાઈ હતી. નુકસાનને પગલે બજારમાં ડુંગળીની અછત સર્જાય તેવી ભીતિને પગલે નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેનાથી અછત પર મહદઅંશે નિયંત્રણ રાખી શકાયું હતું. ફરીવાર બજારમાં ડુંગળીનો નવો પાક આવશે તેવી આશા સાથે નિકાસને છૂટ આપી દેવામાં આવી. નિકાસની છૂટ મળી જતા નિકાસકારોએ ધમધોકાર નિકાસ શરૂ કરી હતી. નિકાસ શરૂ થતા ધીમેધીમે ભારતીય બજારમાં જ ડુંગળીની અછત વર્તાવા લાગી અને પરિણામે હાલ ડુંગળીના ભાવ આસમાને આંબયા છે.
મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ડુંગળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે પરંતુ હાલ મહારાષ્ટ્રની જ અમુક બજારોમાં ડુંગળીના ભાવ પ્રતિકીલો રૂ. ૯૦ સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રનો નાશીક જિલ્લો ઉચ્ચ ગુણવતાયુક્ત ડુંગળી માટે પ્રખ્યાત છે પણ અહીં જ ડુંગળીના ભાવ પ્રતિકીલો રૂ. ૯૦ને પાર પહોંચ્યા છે.
ડુંગળી હંમેશાથી રડાવતી આવી છે તે બાબતથી સૌ કોઈ વાકેફ છે. નવો પાક આવે ત્યારે ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ અને સરકાર ’રડતી’ હોય છે જ્યારે ભાવ નીચા જાય તો જગતનો તાત ’રડતો’ હોય છે. ચોક્કસ વ્યવસ્થા અને નીતિના અભાવે દર વર્ષે ડુંગળી રડાવતી જ હોય છે તે બાબત પણ સ્પષ્ટ છે.
એક તરફ જ્યાં ડુંગળીનજ અછત વર્તાઈ રહી છે ત્યાં બીજી બાજુ સંગ્રહખોરી થયાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે સરકાર હવે આ બાબતે આજરાપાણીએ આવી છે. અગાઉ આવશ્યક ચીજ વસ્તુ ધારામાં ડુંગળીનો સમાવેશ કરાયો ન હતો પણ અમુક કિસ્સાઓમાં જરૂર જણાયે ડુંગળીનો સમાવેશ આવશ્યક ચીજ વસ્તુ ધારામાં કરી શકાય તેવી જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે જે અંતર્ગત હવે ડુંગળી પર સ્ટોક મર્યાદા અમલી બનવવામાં આવ્યું છે. ડુંગળીનો ગેરકાયદેસર સંગ્રહખોરી કરી ભાવ ઊંચા જતા બજારમાં ડુંગળી ઊંચા ભાવે વેચી અંતગત સ્વાર્થ હેતુસર કરાતાં કારસ્તાનને ડામવા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની બીજી અસર એ ઓણ થશે કે જે વેપારીઓએ સંગ્રહખોરી કરી છે તરો એકાએક બજારમાં ડુંગળી ઠલવી દેશે જેથી ભાવમાં રાહત મળી શકે છે. સંગ્રહખોરો પાસે ડુંગળી બહાર કાઢવા સિવાય કોઈ રસ્તો નથી કેમકે ૩૧ ડિસેમ્બર સુધી સંગ્રહખોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને નાશવંત ઉપજ હોવાથી ટૂંકા સમયમાં ડુંગળી બગડી જવાનો ભય રહેતો હોય છે. જો કોઈ વેપારી ગેરકાયદેસર ડુંગળીનો સંગ્રહ કરતો જણાશે તો તેની ઉપર ગુનો નોંધાશે અને લાયસન્સ રદ્દ થવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. બીજી બાજુ જો યેનકેન પ્રકારે વેપારીઓ ડુંગળીનો સંગ્રહ કરવામાં સફળ રહેશે અને ડિસેમ્બર માસ બાદ ડુંગળી બજારમાં ઠાલવશે તો તે સમયગાળા દરમિયાન નવી ડુંગળી પણ બજારમાં આવી જશે જેથી જૂની ડુંગળીના ભાવ તળિયે જશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે ડુંગળીના ભાવો નીચા જાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
અછતની ખોટ પૂરવા સરકાર વતી નાફેડ ૨૫ હજાર મેટ્રિક ટન ડુંગળી બજારમાં નાખશે
ડુંગળીની વર્તાતી અછતને પૂરવા નાફેડ સરકારવતી બજારમાં ૨૫ હજાર મેટ્રિક ટન ડુંગળી ઠાલવશે. ચાલુ વર્ષે નાફેડે કુલ ૯૮ હજાર મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરી હતી જેમાંથી આશરે ૪૩ હજાર મેટ્રિક ટન ડુંગળી અગાઉ વેચી દેવામાં આવી છે. બાકીની ડુંગળી હવે નાફેડે રાહતભાવે બજારમાં મુકશે. નાફેડના મેનેજીંગ ડિરેકટર સંજીવકુમાર ચઢાએ શુક્રવારે કહ્યું હતું કે, નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયા સુધીમાં નાફેડ બજારમાં ૨૫ હજાર મેટ્રિક ટન ડુંગળી ઠાલવશે. બજારમાં રૂ. ૨૬ પ્રતિકિલોએ રાજ્યોને મગફળીનો જથ્થો આપી વર્તાઈ રહેલી અછતને પૂરવાનો તેમજ ભાવને નીચા લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અલગથી લેવામાં આવશે. નાફેડ દ્વારા હાલ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ડુંગળીનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે ટૂંક સમયમાં બજારમાં મૂકી દેવામાં આવશે.