આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો તેમની લાઈફસ્ટાઈલને લગતી વિવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને આવી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી સમસ્યાની સારવારમાં દેશી ચિકિત્સાની સફળતાને ધ્યાનમાં લઈ સરકારે હવે એમબીબીએસના અભ્યાસક્રમમાં આયુર્વેદનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે એમબીબીએસના અભ્યાસક્રમને બદલવાની તૈયારી ચાલી રહી છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)ના વડા સૌમ્યા વિશ્વનાથનના જણાવ્યા અનુસાર આ ફેરફારથી દર્દીઓની તમામ સારવાર શક્ય બની શકશે. આગામી મહિને વિશ્વ આરોગ્ય સંગઠનના નાયબ વડાનું પદ સંભાળનારા સૌમ્યાનું માનવું છે કે માત્ર એલોપથી ચિકિત્સા પ્રથાથી તમામ રોગોને અટકાવી શકાતા નથી કે તેનો ઈલાજ થઈ શકતો નથી. તેથી આ માટે ચીનની જેમ દેશી અને એલોપથી ચિકિત્સા પ્રથાથી બીમારીઓનો ઈલાજ કરવાની જરૂર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ દિશામાં ભારતીય ચિકિત્સા પરિષદે મહત્ત્વનું પગલું ભરી એમબીબીએસના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં દેશી ચિકિત્સા પ્રથા આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીને પણ સામેલ કરવામાં આવશે. તેથી એમબીબીએસ તબીબો પાસે હવે માત્ર એલોપથી દવાઓ જ નહિ, આયુર્વેદિક અને યુનાની દવાઓની જાણકારી મળી રહેશે. તેથી હવે તેઓ જરૂરિયાત મુજબ દર્દીની સારવારમાં અસરકારક દવાનો ઉપયોગ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કિડની, ડાયાબિટીસ અને હાઈ બીપી જેવી બીમારીઓના ઈલાજમાં હવે અલોપથી સાથે આયુર્વેદની મદદ લેવાઈ રહી છે. ગત ઓક્ટોબરમાં દિલ્હીમાં યોજાયેલા એસઆરએનએમસીના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પણ કિડનીના ઈલાજમાં આયુર્વેદને સામેલ કરવાનો મુદો છવાયો હતો. ખાસ કરીને આયુર્વેદિક દવા નીરી કેએફટી કિડનીની સારવારમાં ઘણી અસરકારક રહે છે તેવું સાબિત થતાં તે અંગે વિશેષ ચર્ચા થઈ હતી.
આ જ રીતે ગત બીજી નવેમ્બરે બેંગકોકમાં ડાયાબિટીસ અંગે યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પણ આયુર્વેદ વિષે ખાસ ચર્ચા થઈ હતી. વિશ્વભરના તબીબોએ પણ માન્યું છે કે ડાયાબિટીસ જેવી બીમારીના ઈલાજમાં આયુર્વેદ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે અને તેથી આવી દવાઓને આધુનિક ચિકિત્સા પ્રક્રિયાનો હિસ્સો બનાવવાની જરૂર છે.