લોક ભાગીદારીથી એક કરોડ મકાનનો લક્ષ્યાંક બે વર્ષ પહેલા હાંસલ કરવા સરકારનો નિર્ધાર
બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૨૬૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ લાવવામાં આવશે
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ની ૫મી જુલાઈનાં રોજ બજેટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે બાંધકામ ઉધોગને પ્રોત્સાહન આપવાની આશા પણ સેવાઈ રહી છે. દેશમાં એર્ફોડેબલ હાઉસીંગ સ્કિમ તહત દેશનાં લોકોને ઘરનાં ઘરનું જે સ્વપ્ન છે તે સાકાર થાય તે દિશામાં સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. વાત કરવામાં આવે તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૨નો લક્ષ્યાંક રાખ્યો હતો તે લક્ષ્યાંકને બે વર્ષ વહેલો પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બે વર્ષ પહેલા કામગીરી પૂર્ણ કરવા માટે સરકારને સાથ-સહકારની પણ એટલી જ જરૂર પડશે જેનાં કારણે લોકભાગીદારો એટલે કે પ્રાઈવેટ બિલ્ડરોને સાથે રખાશે અને લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રયત્નો હાથ ધરાશે.
એર્ફોડેબલ હાઉસીંગ સ્કિમ પરીપૂર્ણ થતાં એફએસઆઈમાં પણ વધારો જોવા મળશે. બેંકો દ્વારા પણ ઘર ખરીદવા માટે લોન પણ અપાશે એટલે કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈ મોદીએ જે ૨૦૨૨નો લક્ષ્યાંક રાખ્યો હતો કે ભારત દેશનાં નાગરિકો પોતાનાં ઘરમાં વસવાટ કરે તે માટે હાલ પ્રારંભિક ધોરણે એક કરોડ મકાનો લોકભાગીદારી સાથે બનાવવા સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે. દેશમાં અર્ફોડેબલ હાઉસીંગને પ્રોત્સાહિત કરવા તથા ગૃહનિર્માણ યોજનાને આગળ વધારવા ખાનગી ક્ષેત્રની ભાગીદારીની હિમાયત કરવામાં આવી છે. દેશનાં બાંધકામ ઉધોગ સામે અનેક પડકારો ઉભા થયા છે. ભુતકાળની સ્થિતિ વિશે જો ચર્ચા કરવામાં આવે તો અત્યારે મિલકતોની કિંમતમાં અધધધ વધારો જોવા મળી રહ્યો છે.
દેશનાં સામાન્ય અને મધ્યમ વર્ગનાં લોકોને મિલકત વસાવવાનું જે સ્વપ્નું છે તે પણ ખુબ જ અઘરું અને કપરું બન્યું છે ત્યારે દેશમાં દરેકને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારનાં પ્રયાસોને વધુ સરળ અને સફળ બનાવવા માટે બાંધકામ ઉધોગ અને ખાસ કરી સસ્તા મકાનોની ઉપલબ્ધીની સરકારી યોજનામાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની પણ હિમાયત કરવામાં આવી છે. નિષ્ણાંતોનાં મત મુજબ બાંધકામ ક્ષેત્રે ખાનગી રોકાણકારોને આવકારવાથી આ ઉધોગને પૂર્ણત: વેગ મળશે. સરકારનાં દરેક ઘરનાં ઘર લક્ષ્યાંકને સિદ્ધ કરવા આગામી ત્રણ વર્ષમાં લક્ષ્યાંક સિદ્ધ થાય તે માટે લોકભાગીદારીની મદદ લેવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર ૨૦૧૯-૨૦નાં બજેટમાં ૨૬૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ લાવી રહ્યા છે. ૨૦૨૨ સુધીમાં આ યોજના પુરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ યોજનામાં ઘર ખરીદનારાઓ માટે રાહત દરનું ધિરાણ સહિતની રાહતો અને રોકાણની મર્યાદા અંગે મહત્વનાં નિર્ણયોનો અમલ કરવામાં આવશે. સરકાર લાંબાગાળાનાં કાયદાની તકો ઉભી કરવા માટે રીયલ એસ્ટેટનાં વિકાસ માટે પણ રેરાનાં કાયદામાં સુધારાનાં પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
બાંધકામ ઉધોગ માતબર ઉધોગ તરીકે વિકસાવવાની એક મોટી તક છે. આ ક્ષેત્રને ઔધોગિક દરજજો આપવાથી બિલ્ડરોને પ્રોજેકટ માટે જરૂરી નાણાની વ્યવસ્થા થવાથી પ્રોજેકટ સમયસર પુરા થાય જેથી લોકોને વ્યાજબી ભાવે મિલકતો મળી રહેશે. સેકશન એસીસીની જોગવાઈ અનુસાર વાર્ષિક દોઢ લાખ રૂપિયાની કેશ ચુકવણી પર ખાસ વળતર અને રીયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને નાણા પુરતા ભંડોળની જોગવાઈથી લોકોને સરળતાથી સસ્તા ભાવે મકાન મળી રહેશે. સાથોસાથ બેન્કિંગ ક્ષેત્રે પણ બેંકો ઘર ખરીદનારને ઓછા વ્યાજ પર લોન આપશે જેથી આર્થિક સંસ્થાઓની આર્થિક નાણા ભીડ ઓછી થશે.