કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સોનાની આયાતમાં વધારો અને તેની કિંમતોમાં વધારો વચ્ચે ખાનગી ભાગીદારી સાથે દેશમાં સોનાના ઉત્પાદનને વેગ આપવા માટે વિગતવાર રોડમેપ તૈયાર કરશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આ યોજનામાં 2030 સુધીમાં વિકસિત થવાના સંભવિત પ્રદેશોને ઓળખાશે અને ગોલ્ડ માઇનિંગમાં ખાનગી રોકાણને આકર્ષવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપની ઓળખ કરશે. નીતિ આયોગે દેશમાં સંભવિત સોનાની ખાણોને ઓળખવા માટે એક વ્યાપક અભ્યાસ હાથ ધર્યો છે અને આગામી 10 વર્ષોમાં સમગ્ર ભારતમાં સંશોધન કાર્યક્રમનો પ્રસ્તાવ મૂક્યો છે.
“અભ્યાસની મુખ્ય ભલામણોમાં ભારતમાં સોનાની ખાણકામ કરવા માટે નાના સંશોધકોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે,આ ઉપરાંત, સોનાના ખાણને ખર્ચ-સ્પર્ધાત્મક બનાવવા માટે કેટલીક નીતિઓમાં ફેરફાર કરી શકાય છે.” ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. ભારતની સોનાની આયાત 2021-22 દરમિયાન 33.41% વધીને 46.16 બીલીયન ડોલર થઈ હતી જે પાછલા વર્ષના 34.6 બિલિયન ડોલર હતી, જે નાણાકીય વર્ષ 21માં 102.62 બિલિયન ડોલરથી ગત નાણાકીય વર્ષમાં 192.41 બિલિયન ડોલર થવા પાછળનું મુખ્ય કારણ છે.
વાણિજ્ય વિભાગે ઓળખી કાઢેલી 102 પ્રાથમિકતાવાળી વસ્તુઓમાં સોનું છે જેની આયાત વધુ છે અને સ્થાનિક ઉત્પાદન તકો માટે તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે. નાણાકીય વર્ષ 2022માં ભારતના કુલ ઇનબાઉન્ડ શિપમેન્ટમાં સોનાનો હિસ્સો 7.53% હતો. એપ્રિલ-જુલાઈમાં સોનાની આયાત વાર્ષિક ધોરણે 6.39% વધી છે. કર્ણાટકના રાયચુર જિલ્લામાં સ્થિત દેશની એકમાત્ર સોનાની ખાણકામ કરતી કંપની હુટ્ટી ગોલ્ડ માઇને 1947થી અત્યાર સુધીમાં લગભગ 84 ટન સોનાનું ઉત્પાદન કર્યું છે. નેશનલ મિનરલ ઇન્વેન્ટરી ડેટા મુજબ, દેશમાં સોનાના કુલ ભંડાર 501.83 મિલિયન ટન હોવાનો અંદાજ છે. પ્રાથમિક સોનાના સૌથી મોટા સંસાધનો બિહાર (44%) પછી રાજસ્થાન (25%), કર્ણાટક (21%), પશ્ચિમ બંગાળ (3%), આંધ્રપ્રદેશ (3%) અને ઝારખંડ (2%) છે.