રાજકોટ શહેર ઓબીસી સમર્થન સમિતિ દ્વારા પાઠવાયું આવેદન
તાજેતરમાં વીસનગરના કોર્પોરેટર દ્વારા ૩૯ જ્ઞાતિઓને ઓબીસીમાંથી દુર કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જનહિતની અરજી કરી છે. આ અરજીના અનુસંધાને હાઈકોર્ટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે ત્યારે ઓબીસીમાં આવતી આ ૩૯ જ્ઞાતિઓના ભયનો માહોલ ફેલાયેલો છે અને ફરી જ્ઞાતીવાદનું ઝેર ફેલાય તેવી ભીતિ ઉભી થઈ છે. દરેક સમાજ એકબીજા સામે વયમભરી નજરે જોઈ રહ્યા છે અને આ ૩૯ જ્ઞાતિઓના બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. આ જનહિતની અરજી સામે રાજય સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે રાજકોટ શહેર ઓબીસી સમર્થન સમિતિ દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ૩૯ જ્ઞાતિઓ અને ઓબીસીમાંથી દુર કરવાની અરજીને ગુજરાત હાઈકોર્ટ રદ કરે તે માટે રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ૩૯ જ્ઞાતીઓના હિતના રક્ષણ માટે ગંભીરતા દાખવે તેવી માંગ થઈ છે. કલેકટર કચેરીએ આ બાબતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં દુષ્યંતભાઈ ગોહેલ, યુનુસભાઈ સપ્પા, સી.આર.પરસોંડા, યોગેશભાઈ સોલંકી, સુખદેવભાઈ ડાંગર સહિતના રાજકોટ શહેર ઓબીસી સમર્થન સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા.