આગામી ૧૦ વર્ષમાં ભારત લશ્કરી સાધનો ઉત્પાદન કરવામાં પાંચ મહત્વના એકમો સ્થાપશે
દેશમાં ઘર આંગણે સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે કેન્દ્ર સરકારે મહત્વની નીતિ ઘડી કાઢી છે અને આગામી ૧૦ વર્ષમાં લશ્કરી સાધનોનું મોટાપાયે ઉત્પાદન કરવા માટે સરકાર પાંચ ઉત્પાદન એકમો બનાવશે આ માટેની નીતિને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે અને કેન્દ્રીય કેબિનેટ આ મુદ્દે અગ્રતા આપી કામગીરી કરી રહ્યું છે.
દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, સંરક્ષણ ઉત્પાદન નીતિ ૨૦૧૮ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફાઈટર જેટ, હવાઈ હુમલા માટેના હેલીકોપ્ટર અને અદ્યતન સ્વદેશી હથિયારો તેમજ લશ્કરી સાધનોના ઉત્પાદન માટે નીતિ ઘડી કાઢી છે અને ટુંક સમયમાં જ આ નીતિને જાહેર કરવામાં આવશે.
સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટેની ડીપીપી પોલીસી મુજબ સરકાર ૨૦૨૫ સુધીમાં ૧.૭૦ લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવા વિચારી રહી છે. એક અહેવાલ મુજબ ભારત છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના સૌથી મોટા લશ્કરી હાર્ડવેરનું આયાત કરી રહી છે અને ૨૦૦૪ની સરખામણીએ ભારતે ૧૧૧ ટકા વધારે લશ્કરી સાધનોની આયાત કરી છે. નવી ડીપીપી નીતિનો મુખ્ય ઉદેશ છેલ્લા ૬ દાયકાથી વિદેશીમાંથી જે સંરક્ષણ ઉત્પાદનો મેળવવામાં આવી રહ્યા છે તે તમામ વસ્તુઓ દેશમાં જ નિર્માણ થાય તે માટેની છે.
સતાવાર આંકડા મુજબ છેલ્લા ચાર વર્ષમાં ભારત સરકારે વિવિધ લશ્કરી સાધનો અને હથિયાર માટે વિદેશી અને સ્થાનિક કંપનીઓ સાથે ૨.૪૦ લાખ કરોડ મુલ્યના કોન્ટ્રાકટ શરૂ કર્યા છે. મોટાભાગના પ્રોજેકટમાં વિલંબ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સંજોગોમાં ડીપીપીની કાર્યવાહી ઝડપી બનાવી આ તમામ પ્રોજેકટોને વેગવંતા બનાવવામાં આવશે. વધુમાં કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે, ઘર આંગણે સંરક્ષણ સાધનોના ઉત્પાદન કરવાની નીતિનો મુખ્ય ઉદેશ જાહેર અને ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી કરવાનો છે અને આ ડ્રાફટની નીતિ અંતર્ગત ૨૦૨૫ સુધીમાં લશ્કરી સાધનો અને સેવામાં ૩૫ હજાર કરોડ રૂપિયાની નિકાસ કરવાનો પણ લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભારતમાં ૧૨ કંપનીઓ સ્થાપી આર્ટર એરક્રાફટ, યુટીલીટી હેલીકોપ્ટર, વોર શીપ, મિસાઈલ સિસ્ટમ, શસ્ત્રો, દારૂગોળો, વિસ્ફોટકો, સર્વેલન્સ સિસ્ટમ, ઈલેકટ્રીનીક વોયરીયર સિસ્ટમ અને રાત્રી દરમિયાન લડાઈ માટેના ખાસ ઉપકરણો વિકસાવવાનો મુખ્ય ધ્યેય રખાયો છે અને આગામી ૧૦ વર્ષમાં લશ્કરી સાધનો અને અન્ય ડિફેન્સ ઉત્પાદનોમાં વિશ્વના પાંચ ટોપ ઉત્પાદકોમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય હોવાનું અંતમાં સુત્રોએ જણાવ્યું હતું.