ઉમેદવારોને 250 થી 300 કિ.મી. દૂર ધકેલાતા હોવાને વખોડતું લોક સંસદ વિચાર મંચ
લોક સંસદ વિચાર મંચના મોભી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, જિલ્લા નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં તલાટી મંત્રીની 3437 જગ્યાઓ ભરવા માટે 17.10 લાખ લોકોએ નોંધણી કરાવી હતી જે પગલે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ના રાજ્યમાં મુખ્યમંત્રી અને મંત્રી કોઈ બેરોજગાર ન હોવાના બણગાં ફૂકનારા નું આ 17.10 લાખના ઉમેદવારોની નોંધણી એ રાજ્યમાં બેરોજગાર નથી તેવા દાવાનું સુરસુરિયું થઈ જાય છે કારણ કે આજે લાખો ઉમેદવારો સરકારી નોકરી મેળવવા તલપાપડ છે.
આવતીકાલની રાજ્યમાં તલાટી મંત્રીની પસંદગી સેવા મંડળ દ્વારા લેવાનારી પરીક્ષામાં 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવા તૈયારી બતાવી છે. ત્યારે આવા ઉમેદવારો ને પરીક્ષા કેન્દ્ર 250 થી 300 કિલોમીટર દૂર સુધી અંતરિયાળ સ્થળે કેન્દ્ર આપવામાં આવેલ છે તેવું જાણવા મળે છે. જે બાબત સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે હાલ સરકાર આવા ઉમેદવારોને ભાડુ, રહેવા અને જમવાની કે ભોજન પેટે એક પણ જાતનું ફદીયુ ચૂકવવાની નથી. ખાસ કરીને મહિલા ઉમેદવારો હોય તેમની હાલત વધુ કફોડી અને દયનીય બને છે કારણ કે તેઓને પોતાના પિતા અથવા ભાઈને સાથે લઈ જવા પડે આગલી રાત્રે જવું પડે છે રહેવા જમવાનો સ્વ ખર્ચ કરવો પડે છે જો કે અનેક શહેરો તથા તાલુકાઓમાં જુદા જુદા સમાજ દ્વારા આવા ઉમેદવારો માટે વ્યવસ્થાઓ કરી છે જો સમાજ વ્યવસ્થા કરી શકતી હોય તો સરકારને વ્યવસ્થા કરવામાં શું વાંધો નડે છે ? ઉમેદવાર જે તે શહેરમાં રહેતો હોય ત્યાં નજીકના સ્થાનિક કેન્દ્ર એ જ પરીક્ષા લેવાવી જોઈએ કારણ કે હાલ દરેક કેન્દ્ર પર સી સી ફૂટેજ અને ચાપતો બંદોબસ્ત ગોઠવી વહીવટી તંત્ર સાબદુ બન્યું હોય તો ગેરરીતી થવાનો અવકાશ રહેતો નથી. દરેક ઉમેદવારને સરકાર ચોરી કરનારા સમજે છે કે શું ?
હાલ રાજ્ય સરકારનું વહીવટી તંત્ર જ્યારે સાબદુ બન્યું છે. રેલવે, ખાનગી બસો, એસ ટી બસો દ્વારા ઉમેદવારોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે સરકારી તંત્ર કમર કસી રહ્યું છે. પરંતુ ઉમેદવારોને દૂર દૂર ના કેન્દ્રો મળતા એવું લાગે છે કે સરકારનું દશેરાના દિવસે ઘોડું દોડશે કે કેમ તે એક પ્રશ્ન છે ? હાલ ઉમેદવારોને પરીક્ષા સ્થળે આવવા જવા માટે કોઈપણ જાતનું એસ ટી ભાડું કે અન્ય કોઈ ભથ્થું મળવા પાત્ર નથી જો કે સરકાર અગાઉ બેકારી ભથ્થું આપવાની વાત કરતી હતી ભૂતકાળમાં ચૂંટણી સમયે વડાપ્રધાનની સભાઓ વખતે ગામડે ગામડેથી એસ ટીની બસો ખાલી ખાલી અથવા બે પાંચ આગેવાનોને લઈને સભા સ્થળે આવતી હતી અને સરકાર એસટી ભાડું પણ ચૂકવતી હતી અને વડાપ્રધાનની કે વીઆઈપીઓની એકાદ બે કલાકની મુલાકાત સમયે કરોડો રૂપિયાનું આંધણ થતું હોય તો અમારી એવી માંગ છે કે જે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે તે તમામના ખાતામાં સરકાર બે હજાર રૂપિયા જમા કરે અને એવી દાનત ન હોય તો સરકાર દરેક ઉમેદવારોને ભૂતકાળની જેમ કોલ લેટરના આધારે એસ ટી રેલવે કે ખાનગી બસોમાં નિયમ મુજબનું ભાડું આપે એવી લોક સંસદ વિચાર મંચની મુખ્યમંત્રી સમક્ષ માંગ છે.
રાજ્ય સરકારને એમ લાગી રહ્યું છે કે પરીક્ષામાં ગેરરીતી થશે જે પગલે રાજ્ય સરકારે જો ગેરરીતિ જણાયે હેલ્પલાઇન નંબર 878804212 અને 8758804217 જાહેર કર્યા છે. પરંતુ ઉમેદવારોને ભૂતકાળના બનાવો જેમ કે વખતોવખત પેપરો ફૂટી જવા, ડમી ઉમેદવારો બેસાડવા, બેફામ ગેરરીતી કરવી, પરીક્ષામાં ભ્રષ્ટાચાર કરવો સહિતની ઘટનાઓ બનતા શાસક પક્ષના આદેશથી સત્તાધિશોની સીધી દોરવણી હેઠળ ચાલતી પરીક્ષાઓમાં ગેરરીતિને પગલે સરકારનું તંત્ર જ ફૂટેલું છે જવાબદારો જ પેપર ફોડવામાં સંડોવણી ખુલી હતી ત્યારે ઉમેદવારોને આવા હેલ્પલાઇન નંબર કે સરકારમાં આજે ભરોસો રહ્યો નથી તે અંતમાં લોક સંસદ વિચાર મંચે જણાવ્યું છે.