• 13 સ્માર્ટ કલાસથી સજજ, શાળામાં ઔષધીવન, બે સેનેટરી પેડ વેન્ડીંગ મશીન તેમજ વિદ્યાર્થીઓ જન્મદિવસે રોપા અને પુસ્તક ભેટ આપવામાં આવે

જીવનમાં ઉજ્જવળ કારકિર્દીના ઘડતરમાં પ્રાથમિક શાળાની ભૂમિકા  ખૂબ મહત્વની છે. વિદ્યાર્થીજીવનમાં પ્રાથમિક શાળાનો પાયો જો મજબૂત હશે તો ઉત્તમ વ્યક્તિત્વનું ઘડતર સરળતાથી થઈ શકશે. આવું શિક્ષણ કાર્ય રાજકોટમાં અનેક સરકારી શાળાઓ પીરસી રહી છે. જે પૈકી એક શાળામાં ચાલુ વર્ષમાં 65 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને પ્રવેશ લીધો છે. અહીં વાત થઈ રહી છે વિનોબા ભાવે પ્રાથમિક શાળાની. રાજકોટ શહેરમાં નાના મૌવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલી શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા છે.

વર્ષ 2012થી આચાર્ય પદે રહેલા  વનિતાબેન રાઠોડએ અંગત રસ લઈને સરકારના સહયોગથી આ શાળાને ખાનગી શાળાને ટકકર મારે તેવી સરકારી શાળા બનાવી છે. હાલમાં અહીં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 13 જ્ઞાનકુંજ વર્ગખંડ (સ્માર્ટ ક્લાસ)ની સુવિધા છે. શાળા મધ્યાહન ભોજન રસોડું, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, અંદાજે 10 હજાર પુસ્તકોની લાયબ્રેરી, સ્પોર્ટ્સ પ્લે ગ્રાઉન્ડ, રમતગમતના સાધનો, વોટર કુલર ધરાવે છે. શાળામાં દિવ્યાંગ બાળકો માટે તમામ સુવિધાઓ છે. ગુણોત્સવમાં શાળા ઉ ગ્રેડમાંથી ઉત્તરોતર વધારો કરીને હાલ ઇ ગ્રેડમાં પહોંચી છે અને અગાઉ અ ગ્રેડ પણ મેળવી ચૂકી છે.

શાળામાં અનેક નવતર પ્રયોગો પણ કરાયા છે. જેની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ પોતાના જન્મદિવસે શાળાને પુસ્તકની ભેટ આપીને લાયબ્રેરીને સમૃદ્ધ બનાવી છે. શાળામાં પ્રવેશ વખતે વિદ્યાર્થીઓને રોપાઓ આપવાનો પ્રયોગ પણ હાથ ધરાયો હતો. શાળા દ્વારા 9 શોર્ટ ફિલ્મ અને 4 ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરાઈ છે. શાળામાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા અને મતદાન જેવા વિષયોના પાઠ ભણાવાય છે. રાષ્ટ્રધ્વજનું વિતરણ, મેડિકલ ટેસ્ટ અને પેરેન્ટ્સ મિટિંગનું આયોજન પણ કરાય છે. વિદ્યાર્થીઓએ આકાશવાણી પર ’બાલસભા’ તથા ’એનઘેન દિવા ઘેન’માં ભાગ લીધો હતો. બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ, સ્ટેશનરી કીટ, બ્લેન્કેટ જેવી જરુરી ચીજવસ્તુઓનું વિતરણ કરાય છે.

એક આચાર્ય, અનેક શિક્ષકો અને રાજ્ય સરકારની મહેનતથી શાળા 3 ઓરડાંમાંથી 2 માળના 2 બિલ્ડીંગની બની ગઈ છે. જવાહર નવોદય વિદ્યાલય, નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપની પરીક્ષાઓ હોય કે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓ હોય, વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. શાળાને અનેક લોકલ અચીવમેન્ટસ અને 13 સ્ટેટ લેવલ એવોર્ડ મળ્યા છે. આ શાળા માત્ર ગુજરાતમાં જ નહીં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકી છે. વર્ષ 2018માં શોર્ટ ફિલ્મ ’પુણ્ય’ની દિલ્હીમાં આયોજિત ઓલ ઈન્ડિયા ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી બદલ સન્માન, વર્ષ 2019માં આચાર્યને નેશનલ ઈનોવેટિવ ટીચર એવોર્ડ, વર્ષ 2021માં આચાર્યને ’રાષ્ટ્રનાં શ્રેષ્ઠ શિક્ષક’નો પારિતોષિક જેવા નેશનલ એવોર્ડ્સ મળી ચુક્યા છે.

આમ, સ્માર્ટ કલાસથી સજ્જ ગ્રીન સ્કૂલ એવી વિનોબા ભાવે શાળામાં પાંગરતા ’જ્ઞાન સાથે ગમ્મત’ના સૂત્રને ધ્યાનમાં રાખીને અનેક બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળ્યા છે. જેને સાબિત કર્યું છે કે સરકાર અને સ્ટાફના સહયોગથી બાળકોની શૈક્ષણિક કારકિર્દીની સાથેસાથે સર્વાંગી વિકાસનો ઉમદા આશય સિદ્ધ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ શાળાએ ગુણવતાયુક્ત શિક્ષણના વિચારની સાથે પ્રવેશોત્સવની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરી છે.

પર્યાવરણ જતનની પ્રેરણા આપતું પરિસર

બાળકોને શાળામાં ભણવા આવવું ગમે તેવું વાતાવરણ છે. જેનું મુખ્ય કારણ પરિસરમાં પર્યાવરણ પ્રેમી આચાર્યશ્રીએ વેસ્ટ પ્લાસ્ટિક બોટલ, નારિયેળ, શૂઝ, ટાયર્સ, ગરબામાં ફૂલછોડનું પ્લાન્ટેશન તેમજ પીપળો, લીમડો, કુંવરપાઠું, અરીઠા, અશ્વગંધા, જામફળ, દાડમ જેવા અનેક વૃક્ષોનું વાવેતર કરીને જાણે ઔષધિવન ઉભું કર્યું છે. વિદ્યાર્થીઓને શાળામાંથી છૂટયા બાદ વધેલું પાણી વૃક્ષોને પાવાની સમજ અપાય છે. શાળાના ફર્સ્ટ એઈડ બોક્સમાં અજમાના પાન, હળદર અને ચાની ભૂકી મળી આવે છે. ઠેર-ઠેર લગાવેલા સૂત્રો બાળકોને પર્યાવરણનું જતન કરવાની પ્રેરણા આપે છે. પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા છે. દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે વિદ્યાર્થીઓને બિયારણનું વિતરણ કરાય છે. કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવીને આ શાળા ઝીરો વેસ્ટ સ્કૂલ બની છે.

છેલ્લા દસ વર્ષમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી મેળવ્યો પ્રવેશ

આચાર્યના જણાવ્યા મુજબ વર્ષ 2013થી વર્ષ 2023 સુધીમાં 1103 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને વિનોબા ભાવે સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. જયારે વર્ષ 2024માં ધો. 2થી ધો. 8માં આવા વિદ્યાર્થીઓની સંખ્યા 65 એ પહોંચી છે અને હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. તેમજ આ વર્ષથી બાલવાટિકા શરુ થઇ છે, જેમાં 110 બાળકોએ પ્રવેશ લીધો છે. હાલમાં શાળામાં 25 શિક્ષકોના માર્ગદર્શનમાં કુલ 900થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

મહાપાલીકામાં પી.એમ.સી.પ્રોજેકટમાં પસંદ થયેલી એકમાત્ર શાળા

આ શાળા વર્ષ 2023માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પી.એમ.સી. (પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા) પ્રોજેક્ટમાં પસંદ થયેલી એકમાત્ર શાળા હોવાનું ગૌરવ ધરાવે છે. પી.એમ.સી. શાળાના ઘણા લાભ છે. જેમ કે શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન, યુનિફોર્મ, સ્કુલ બેગ, ત્રણ પ્રવાસ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ શાળામાં ઇન સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા એથલેટીક્સ અને બાસ્કેટ બોલ માટે પૂર્ણ સમયના બે ટ્રેનીંગ કોચ અને ખેલકૂદના સાધનોની ફાળવણી કરાઈ છે. એટલું જ નહીં, આ શાળા રાજ્યમાં સૌ પ્રથમ એવી સરકારી શાળા છે કે જ્યાં સરકાર અને દાતાઓના સહયોગથી બે સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકાયા છે. જેમાં 5 રૂ.નો સિક્કો નાખવાથી વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ મળી રહે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.