વેકિસન ન લેનારને વિવિધ જગ્યાએ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવા એ વેકિસન લેવા માટેનું દબાણ ન કહી શકાય ?
સરકાર સુપ્રીમમાં એવું બોલી કે કોઈને બળજબરીથી વેકસીન અપાતી નથી. આ વાત હજમ થાય એવી નથી. હા, સરકાર સાચી છે કે કોઈને ધરાર પકડીને બળજબરીથી વેકસીન આપવામાં આવતી નથી. પણ વેકસીન ન લેનારને વિવિધ જગ્યાએ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવા એ વેકસીન લેવા માટેનું દબાણ ન કહી શકાય ?
સુપ્રીમ કોર્ટમાં સરકારે જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી કોવિડ-19 રસીકરણ માર્ગદર્શિકામાં કોઈ વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી રસીકરણ કરવાની વાત કરવામાં આવી નથી. વિકલાંગ વ્યક્તિઓને રસીકરણ પ્રમાણપત્રો બતાવવાથી મુક્તિ આપવાના મુદ્દે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરી નથી જે કોઈ પણ હેતુ માટે રસીકરણ પ્રમાણપત્રો લઈ જવું ફરજિયાત બનાવે છે.
કેન્દ્રએ એનજીઓ ઇવારા ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વાત કહી હતી. અરજીમાં વિકલાંગ વ્યક્તિઓને અગ્રતાના ધોરણે ઘરે-ઘરે જઈ રસીકરણ કરવાની વિનંતી કરવામાં આવી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, ’ભારત સરકાર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સંબંધિત વ્યક્તિની સંમતિ વિના બળજબરીથી રસીકરણની વાત કરવામાં આવી નથી.’ કેન્દ્રએ કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને તેની સંમતિ વિના રસી આપી શકાય નહીં.
રસીનો મામલો પણ હેલ્મેટ જેવો જ છે. હા રસી અને હેલ્મેટ બન્ને જરૂરી છે. પણ કોઈ ઉપર તેના માટે દબાણ કરવું યોગ્ય નથી. આ સ્વતંત્ર ભારત છે. અને માની લ્યો દબાણ કરવામાં આવી પણ રહ્યું છે. તો તેની કબૂલાત પણ કરવી જોઈએ.