ઝાયડસ કેડિલાની ડીએનએ આધારિત ઝાયકોવ-ડી રસીનો જથ્થો સુનિશ્ર્ચિત થતા 12થી 17 વયજૂથના લોકોને ડોઝ આપવાનું શરૂ થઈ જશે
કોરોના સામે રક્ષણ મેળવવા વિશ્વભરના દેશોમાં રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું છે. એમાં પણ વિશ્વના સૌથી મોટા ભારતના રસીકરણને વધુને વધુ ઝડપી બનાવવાની પહેલ અંતર્ગત હવે બાળકોને પણ ઝડપથી રસી મળી રહે તે માટે સરકાર પ્રયાસમાં છે.ત્યારે આગામી ઓક્ટોબર-નવેમ્બર માસથી કોમોરબીડ એટલે કે કોઈના કોઈ ગંભીર રોગથી પિડાતા હોય તેવા તરુણોનું રસીકરણ શરૂ થઈ જાય તેવી શકયતા છે. સરકાર આ પર કામ કરી રહી છે.
12-17 વયજૂથના એવા લોકો કે જેને સ્થૂળતા, હૃદયરોગ અથવા ઇમ્યુનોડેફિસિયન્સી જેવી સહ-બીમારીઓ હોય તેવા લોકોનું રસીકરણ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં શરૂ કરવા સરકારની યોજના છે. આ વયજૂથના લોકોને ઝાયડસ કેડિલાની ડીએનએ રસી ZyCoV-D આપવામાં આવશે. કારણ કે અત્યાર સુધીની આ એક જ એવી રસી છે જેને બાળકોને આપવા માટે મજૂરી મળી છે.
આ સાથે સંબધિત એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે ઝાયડસ રસીનો પુરવઠો શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. એકવાર તે શરૂ થઈ જાય પછી અમે બાળકોમાં પણ રસીકરણ શરૂ કરીશું. આ વર્ષે, માત્ર સહ-રોગવાળા લોકો જ રસીના ડોઝ પ્રાપ્ત કરશે તેવી સરકારની યોજના છે. જ્યારે આ સિવાયના સામાન્ય તરુણોને આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરથી રસી આપવાનું શરૂ થાય તેવી સંભાવના છે.
સરકારી અંદાજ મુજબ, આશરે 20-30 લાખ બાળકો કે જેઓ કોમોરબીડ છે તેઓ પ્રથમ તબક્કામાં રસીકરણ માટે પાત્ર બનશે. ઝાયડસ પ્રથમ ખેપમાં આશરે 40 લાખ ડોઝ સપ્લાય કરશે અને આગળ જતાં દર મહિને તેને એક કરોડ સુધી પહોંચાડશે. સરકાર અપેક્ષા રાખી રહી છે કે કંપની ડિસેમ્બર સુધીમાં લગભગ 4-5 કરોડ ડોઝ સપ્લાય કરે. ઉલ્લેખનીય છે કે ZyCoV-D એ ત્રણ ડોઝની રસી છે.
સરકાર અપેક્ષા રાખે છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં બાળકોમાં રસીકરણ ભાર દઈ તેને વધુ વિસ્તૃત બનાવાશે. બાળકો માટે ઝાયકોવ-ડી ઉપરાંત પણ અન્ય રસી પરીક્ષણ હેઠળ છે. ભારત બાયોટેકની કોવાક્સિન બાળકોના ઉપયોગ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નિયમનકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થવાને આરે છે. એકવાર કોવાક્સિનને બાળકોમાં ઉપયોગ માટે મંજૂરી મળી જાય તો તે બે વર્ષથી ઉપરના બધા લોકોને અપાઈ શકે છે.