સરકારે દેણું કરીને ઘી પીવાય ?
પ્રથમ બે મહિનામાં રાજકોશીય ખાધ વાર્ષિક અંદાજના 11.8 ટકા રહી, હવે આવક વધારા ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી ખાધને વધુમાં વધુ અંકુશમાં રાખશે
કેન્દ્ર સરકાર દેણું કરીને ઘી પીવાનું કામ કરીને નટચાલ ઉપર ચાલી રહી છે. એટલે કે ઉધારી કરીને વિકાસકામો કરી રહી છે. જો કે આનું વળતર લાંબા ગાળે અર્થતંત્રને વેગ આપનાર બની શકે છે. સરકારે વર્ષ 2023-24ના બજેટના અંદાજની 16 લાખ કરોડ રાજકોશીય ખાધ સાથે યોજનાઓ ઘડી છે. જેના ઉપર હાલ ગંભીરતાથી સરકાર પગલાં ભરી રહી છે. નાણાકીય વર્ષ 24 ના પ્રથમ બે મહિના એપ્રિલ-મેમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ 2.1 લાખ કરોડ રૂપિયા હતી, જે 2023-24ના બજેટ અંદાજના 11.8 ટકા હતી. ગયા વર્ષના સમાન સમયગાળામાં રાજકોષીય ખાધ 2022-23ના બજેટ અંદાજના 12.3 ટકા હતી.
રાજકોષીય ખાધ એ સરકારના કુલ ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત છે.રાજકોશીય ખાધ સરકારને તેના ખર્ચને પહોંચી વળવા માટે કેટલું ઉધાર લેવું પડશે તેનો સંકેત આપે છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સના ડેટા અનુસાર, મે 2023 ના અંતે રાજકોષીય ખાધ વાસ્તવિક રીતે 2,10,287 કરોડ રૂપિયા હતી. કેન્દ્રીય બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2023-24 દરમિયાન રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 5.9 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
2022-23માં રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા હતી જે અગાઉના 6.71 ટકાના અંદાજની સામે હતી. 2023-24ના પ્રથમ બે મહિના માટે કેન્દ્ર સરકારની આવક અને ખર્ચના આંકડાની વિગતો આપતા, સીજીએએ જણાવ્યું હતું કે ચોખ્ખી કર આવક રૂ. 2.78 લાખ કરોડ અથવા બજેટ અંદાજના 11.9 ટકા હતી.
સરકારનો કુલ ખર્ચ રૂ. 6.25 લાખ કરોડ (બજેટ અંદાજના 13.9 ટકા) રહ્યો હતો. બજેટ મુજબ માર્ચ 2024ના અંતે રાજકોષીય ખાધ 17.86 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. સીજીએ ડેટા અનુસાર, મે 2023 સુધી કેન્દ્ર સરકાર દ્વારા 1,18,280 કરોડ રૂપિયા રાજ્યોને તેમના ટેક્સના હિસ્સાના વિનિમય તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા કુલ ખર્ચમાંથી રૂ. 4.58 લાખ કરોડ મહેસૂલ ખાતામાં અને રૂ. 1.67 લાખ કરોડ મૂડી ખાતામાં હતા. કુલ આવક ખર્ચમાંથી રૂ. 1.1 લાખ કરોડ વ્યાજની ચૂકવણી પર અને રૂ. 55,316 કરોડ મુખ્ય સબસિડી પર હતા.બજેટ મુજબ માર્ચ 2024ના અંતે રાજકોષીય ખાધ 17.86 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારને મે 2023 સુધી રૂ. 4.15 લાખ કરોડ મળ્યા હતા.
એપ્રિલ અને બે મહિનાની સ્થિતિ
શુ વધ્યું ?
- મૂડી ખર્ચ 7 ટકા વધી 1.68 લાખ કરોડ થયો
- નોન-ટેક્સ રેવન્યુમાં 173% નો વધારો થયો
- કુલ રસીદો 9% વધીને માત્ર રૂ. 4.15 લાખ કરોડથી વધુ થઈ
- એકંદર ખર્ચ 9% વધીને રૂ. 6.26 લાખ કરોડ થયો
- ગ્રોસ ટેક્સ કલેક્શનમાં 4% નો વધારો થયો
શુ ઘટ્યું ?
- આવક ખર્ચ વાર્ષિક ધોરણે 3% ઘટીને રૂ. 4.58 લાખ કરોડ થયો
- કર આવકમાં 6 ટકાનો ઘટાડો
- ચોખ્ખી કર આવકમાં 6%નો ઘટાડો થયો
- કોર્પોરેટ ટેક્સની આવકમાં 6% ઘટાડો થયો