૧ લાખ ચો.મી. જમીન અનઅધિકૃત રીતે આસામીઓને સોંપી દેવાય પ્રકરણના પાંચ કેસ જીલ્લા કલેકટરે રીવીઝનમાં લીધા: ૩૧મીએ સુનાવણી
પોરબંદરથી લઇને મુંબઇ સુધી કૌભાંડનો છેડો: વહેતી ગંગામાં અનેકે ડુબકી મારી, યોગ્ય
તપાસ થાય તો અધિકારીઓ, ભૂમાફીયાઓ સહિતના સંખ્યાબંધ કૌભાંડીઓના નામ ખુલશે
વાવડીની સરકારી જમીન તત્કાલીક પ્રાંત અને મામલતદારે ખાનગી કરી નાખી હોવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં કુલ ૧ લાખ ચો.મી. જમીન અનઅધિકૃત રીતે આસામીઓને સોંપી દેવામાં આવી છે. પ્રકરણનાં પાંચ કેસ જીલ્લા કલેકટરે રીવીઝનમાં લઇને ૩૧મીએ સુનાવણી હાથ ધરતા કૌભાડીઓને રેલો આવ્યો છે. આ કૌભાંડનો પોરબંદરથી લઇને મુંબઇ સુધી છેડો છે. કૌભાંડની વહેતી ગંગામાં અનેકે ડુબકી મારીને લાભ લીધો છે. જોયોગ્ય તણાસ થાય તો અધિકારીઓ અને ભુમાફીયા સહીતના સંખ્યાબંધ કૌભાડીઓના નામ ખુલશે.
સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે વાવડીની સર્વે નં.૪૯ની જમીન મુળ ગીરસદાર તેજુભા રામસંગે ૧૯૪૮માં કોઠારીયા સ્ટેટના દસ્તાવેજના આધારે વહેચી હતી. જયારે આ જ જમીન પણ ૧૯૪૯ માં સરકારનો હકક હોવાનું રાજય સરકારે ઠેરવ્યું હતું. તત્કાલીન પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની અને તાલુકા મામલતદાર ખાનપરાએ સરકારી જમીનને ખાનગી બનાવી દીધી હતી. અધિકારીઓની મદદથી જમીનના આસામીઓ તેજુભા રામસંગ, નટવર પાનાચંદ ખખ્ખર, મનસુખ પાનાચંદ ખખ્ખર, ગીરાબેન કનૈયાલાલ, પરાગ કનૈયાલાલ, જારસી જવેરચંદ હીપા, કિર્તી છગન દોશી, સુધા કીર્તિ દોશી, રમેશ વૃજલાલ ભીમાણી, નવીન મગન ભીમાણી, જેન્તી રામજી વાડોલીયા,
નીરુભા નાથુભા જાડેજા, નવીન જેઠા મહેતા, સુનીલ ચુની સાંગાણી, દીપ્તી ચુની સાંગાણી, દીનેશ રામજી ધામી, રાજેશ રામજી ધામી, પ્રકાશ બાબુ વોરા, બાબુ શેઠ, રેતુલ ચંદ્રકાન્ત શાહ, નૈમીષ મનુ જોશી, બટુક ભીખા સાવલીયા, સોહિલ રવજીભાઇ, હરજી વડેરીયા, પોપટ ધનજી માલવીયા, સરલા રમણીકભાઇ, નયન પ્રવિણચંદ્ર, જેન્તી જીવરાજ ગજજર, કિશોર જમનાદાસ શેઠ અને રમેશ સુંદરજી વડગામાના દસ્તાવેજ થવા પામ્યા હતા. કુલ ૧ લાખ ચો.મી.ની જમીનમાં ૩ થી ૪ ફેરે દસ્તાવેજ થયા હતા.
અધાટ તરીકે જાણીતી આ જમીનના ૧૦ હજાર ચો.મી. પ હજાર ચો.મી. અને પપ હજાર ચો.મી. સહીતના ઉતરોતર દસ્તાવેજનાપાંચ કેસ રજુ પણ થયા હતા.
અધિકાર ન હોવા છતાં પ્રાંત અધિકારી તેમજ મામલતદારે આ સરકારી જમીન ખાનગી કરી દેવાના પ્રકરણનાં પાંચેય કેસોને જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ રીવીઝનમાં લીધા છે. આ કેસની સુનાવણી જીલ્લા કલેકટર ર૩મીએ રાખી છે. નોંધનીય છે કે આ કૌભાંડનો છેડો પોરબંદરથી લઇને મુંબઇ સુધી છે. કૌભાંડની વહેતી ગંગાનો અનેક લોકોએ લાભ લઇને ડુબકીઓ મારી છે જો યોગ્ય દિશામાં તપાસ થાય તો ભુમાફીયા તેમજ અધિકારીઓ સહીતના સંખ્યાબંધ કૌભાંડીઓના નામ ખુલે તેમ છે.
કૌભાંડમાં પેટા કૌભાંડ: મુંબઈનાં પ્રોબેટને રાજકોટમાં માન્ય રાખી રાતોરાત રેવન્યુ રેકર્ડમાં નોંધ
વાવડીના જમીન કૌભાંડમાં પેટા કૌભાંડ આચરવામાં આવ્યું છે.જેમાં મુંબઈના પ્રોબેટને રાજકોટમાં અનઅધિકૃત રીતે માન્ય રાખીને રાતોરાત જમીનની નોંધણી કરી નાખવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ ૧૦ હજાર ચો.મી.ના આસામી ચુનીભાઈ કેશવભાઈ સંઘાણીનું અવસાન થયાના ૪૦ વર્ષથી પણ વધુ સમય બાદ બાબુભાઈ શેઠ નામના વ્યકિતએ પ્રોબેટ રજૂ કર્યું હતુ.
મહત્વની વાત એ છેકે આ પ્રોબેટ મુંબઈ હાઈકોર્ટનું હતુ જોકે ખરેખર મુંબઈનું પ્રોબેટ રાજકોટમાં માન્ય રહેતુ નથી. તેમ છતા અધિકારીએ આ પ્રોબેટને માન્ય રાખ્યું હતુ. આસામીનાં અવસાનનાં ૪૦ વર્ષથી પણ વધુ સમય બાદ વિલના આધારે મુંબઈથી પ્રોબેટ તૈયાર કરાવવાની વાત પણ અનેક શંકાઓ ઉપજાવે છે. વધુમાં પ્રોબેટ રજૂ થતા વેત રાતોરાત અધિકારીએ રેકર્ડમાં નોંધ પાડી દીધી હતી આ કૌભાંડનું માત્ર એક જ પેટા કૌભાંડ છે તેવું નથી હકિકતમા આ મુખ્ય કૌભાંડની અંદર અનેક પેટા કૌભાંડ સર્જાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.