પૂર્વીય રાજ્યોમાંથી શ્રમિકોને ગુજરાત પરત લાવવા ૩ વિશેષ ટ્રેનો ૧૨મીથી શરૂ કરવાની રેલવેની જાહેરાત
છેલ્લા ઘણા સમયથી શ્રમિકોની અછતને કારણે ઉદ્યોગોની માઠી બેઠી છે. આ પ્રશ્ન નિવારવા સરકારે કમર કસીને શ્રમિકોને કામ પર લગાડવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે પૂર્વીય રાજ્યોથી ગુજરાત સુધી ત્રણ ટ્રેનો દોડાવવાનું રેલવેએ આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
લોકડાઉનમાં શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા હતા. ત્યારબાદ લોકડાઉન ખુલતા ઉદ્યોગો શરૂ કરવાની છૂટ તો મળી ગઈ હતી. પણ શ્રમિકોનો પ્રશ્ન મુખ્ય રહ્યો છે. આ પ્રશ્ન આજદિન સુધી યથાવત રહ્યો છે. જેને નિવારવા સરકાર ખાસ પ્રયાસ હાથ ધરી રહી છે. હજુ ઘણા શ્રમિકો પોતાના વતનમાં હોય તેમને પરત કામ ધંધે લઈ આવવાના સરકારે પ્રયાસ હાથ ધર્યા છે.
જેમાં રેલવે દ્વારા પૂર્વીય રાજ્યોમાંથી ગુજરાત સુધી ત્રણ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. પુરીથી અમદાવાદ, પુરીથી ગાંધીધામ અને પુરીથી ઓખા સુધીની ટ્રેન ૧૨ સપ્ટેમ્બરથી શરૂ થાય તેવું જાણવા મળ્યું છે. આ ટ્રેનો મારફત શ્રમિકો પરત અહીં આવી શકશે અને ઉદ્યોગોમાં કામે લાગી શકશે. જેને પરિણામે ઉદ્યોગોને સતાવતા શ્રમિકોના પ્રશ્નનું નિવારણ આવી શકશે. ઉલ્લેખનીય છે કે ઘણા શ્રમિકો એવા છે કે તેઓ પોતાના વતનથી અહીં કામ માટે આવવા ઈચ્છે છે. પણ હજુ જરૂરી પરિવહન સેવા શરૂ ન હોય તેવો અહીં આવતા અચકાય છે.
જેથી સરકાર દ્વારા જેમ શ્રમિકોને વતન મોકલવા માટે ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. તેમ હવે શ્રમિકોને અહીં વતનથી પરત લાવવા માટે પણ ટ્રેનો શરૂ કરી છે. જેથી શ્રમિકો સરળતાથી અહીં પહોંચી શકે અને ઉદ્યોગોમાં કામે લાગી શકે. પરિણામે ઉદ્યોગો ફરી પાટે ચડે અને તેઓને લોકડાઉનના કારણે જે આર્થિક ફટકો પડયો છે તેને સરભર કરી શકે.