પાકિસ્તાન અત્યારે તમામ મોરચે પડી ભાંગ્યું છે. પાકિસ્તાનમાં પેટ્રોલ લગભગ 300 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. આજે ભારતના એક રૂપિયાની કિંમત પાકિસ્તાનના ત્રણ રૂપિયા કરતાં વધુ છે, જ્યારે બાંગ્લાદેશના એક ટાકાની કિંમત પણ પાકિસ્તાનના અઢી રૂપિયા કરતાં વધુ છે. છેલ્લા 50 વર્ષમાં પાકિસ્તાનના લોકો આજે સૌથી વધુ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. આખરે પાકિસ્તાનની હાલત આટલી હદે ખરાબ કેવી રીતે થઈ ગઈ કે લોકો લોટ માટે સરકારી ટ્રકો પાછળ દોડી રહ્યા છે.
પાકિસ્તાનમાં એક કિલો લોટ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ઇસ્લામાબાદ હોય કે પેશાવર હોય કે ખૈબર પખ્તુનખ્વા હોય કે કરાચી, દરેક જગ્યાએ ખાદ્ય-પદાર્થોના ભાવ આસમાને છે. જ્યારે 2021મા ઘઉંનો રેકોર્ડ પાક થયો હતો. 28.75 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવા છતાં આજે પાકિસ્તાન લોટ માટે તડપી રહ્યું છે, તો આ માટે પાકિસ્તાનના નેતાઓની દૂરંદેશી જવાબદાર છે. ચોખાની કિંમત 270 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
ડુંગળી લગભગ રૂ.300 પ્રતિ કિલોના ભાવે મળે છે. ભારે દેવું, ઘટતો જતો ચલણ અનામત, વૈશ્વિક ફુગાવો, મોંઘા ઈંધણ, રાજકીય અસ્થિરતાએ પાકિસ્તાનને ગરીબીની અણી પર લાવી દીધું છે. આ વિનાશનો પાયો 1970માં નાખવામાં આવ્યો હતો, જ્યારે પાકિસ્તાનના સાતમા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાન પરમાણુ બોમ્બના બદલામાં ઘાસ પણ ખાઈ જશે. ભુટ્ટોએ કહ્યું હતું કે, ’પાકિસ્તાનીઓ ઘાસ ખાશે, ભૂખ્યા રહેશે પરંતુ પરમાણુ બોમ્બ ચોક્કસ મેળવશે.’ આજે ભુટ્ટોનું નિવેદન સાચું સાબિત થતું જણાય છે. દેશ પાસે પરમાણુ શસ્ત્રો છે પરંતુ રોટલી માટે એકબીજાને મારી રહ્યા છે.
આઝાદી પછી ભારતમાં ગમે તે પક્ષની સકાર હોય, તેનો મુખ્ય મંત્ર હંમેશા સામાન્ય જનતાના ઉત્થાનનો રહ્યો છે. પરંતુ ધર્મને આધારે બનેલું પાકિસ્તાન હંમેશા માત્ર ધાર્મિક કટ્ટરતામાં જ ફસાયેલું રહ્યું છે. જો કે, પાકિસ્તાનની રચના થઈ ત્યારથી મુલ્લા-મૌલવી સમુદાય પાકિસ્તાનને પોતાના નિયંત્રણમાં લેવા માંગતો હતો. પરંતુ 80ના દાયકામાં જનરલ ઝિયા-ઉલ-હકના કારણે આ ઉન્માદ વધવા લાગ્યો. ઝિયાએ પાકિસ્તાનની દરેક વ્યવસ્થાને ઇસ્લામિક રંગ આપવાનું શરૂ કર્યું, પછી તે પોલીસ હોય કે શિક્ષણ, વિદેશ નીતિ હોય કે અર્થવ્યવસ્થા. અદાલતો શરિયા કાયદા પ્રમાણે ચાલવા લાગી. આજે પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયની શું હાલત છે તે કોઈનાથી છુપાયેલી નથી. ઝિયાના કારણે આજે પાકિસ્તાનમાં શિયા અને સુન્ની એકબીજાની સામે ઉભા છે.