મુક્તિ આપવામાં આવશે તો કોરોના ફરી વકરે તેવી રાજ્ય સરકારને ભીતિ: બીજી માર્ચ સુધી રાત્રી ક્ફર્યુ યથાવત રાખવાની વિચારણા: સમય મર્યાદામાં એકાદ કલાકનો વધારો કરાય તેવી સંભાવના
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણના કારણે છેલ્લા ત્રણ મહિનાથી રાત્રી કફર્યુ લાદવામાં આવ્યો છે. હાલ રાત્રીના 11 વાગ્યા બાદ આ ચારેય મહાનગરોમાં સંચારબંધીની અમલવારી છે. દરમિયાન આજે મહાનગરોમાં રાત્રી કફર્યુંની મુદત પૂર્ણ થઈ રહી છે પરંતુ નાઈટ કફર્યુ ઉઠાવવા માટે હજુ સરકાર થોડી અવઢવમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી માર્ચ સુધી રાત્રી કફર્યુ હથાવત રાખવામાં આવે અથવા કલાકોમાં થોડી છુટછાટ આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આ અંગે આજ સાંજ સુધીમાં સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.
દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમદાવાદ અને ત્યારબાદ રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કફર્યુ લાદી દેવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ તબક્કામાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુની અમલવારી કરવામાં આવતી હતી. કોરોનાના કેસમાં થોડો ઘટાડો નોંધાતા રાત્રી કફર્યુમાં થોડી છુટછાટ આપવામાં આવી હતી અને રાત્રીના 10 થી સવારના 6 સુધી સંચારબંધી અમલમાં મુકવામાં આવી હતી. દરમિયાન ગત 1લી ફેબ્રુઆરીથી સરકારે છુટછાટ વ્યાપક બનાવી હતી અને 15મી ફેબ્રુઆરી સુધી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રીના 11 થી લઈ સવારના 6 સુધી કફર્યુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આજે રાત્રી કફર્યુની મુદત પૂર્ણ થઈ રહી છે. કફર્યું યથાવત રાખવું કે હટાવી લેવું તે અંગે સરકાર થોડી અવઢવમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આગામી 21મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની છ મહાનગરો માટે સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે અને ત્યારબાદ 28મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ જો રાત્રી કફર્યુમાં છુટછાટ આપી દેવામાં આવશે તો કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ પણ અંદરખાને સરકારને સતાવી રહી છે. આવામાં આગામી બીજી માર્ચ સુધી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રી કફર્યુ યથાવત રાખવામાં આવશે એવી ચર્ચા થઈ રહી છે કે, હાલ ચાર મહાનગરોમાં જે રાતના 11 થી સવારના 6 વાગ્યા સુધી 7 કલાક કફર્યુ રહે છે તેમાં થોડો ઘટાડો કરી રાત્રીના 12 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કફર્યુની અમલવારી કરાવવામાં આવશે. આજે ચાર મહાનગરોમાં નાઈટ કફર્યુની મુદત પૂર્ણ થઈ રહી હોય સાંજ સુધીમાં કફર્યુ લંબાવવુ, ઉઠાવી લેવું કે છુટછાટ આપવી તે અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લઈ લેવામાં આવશે. ટૂંકમાં હાલ સરકાર નાઈટ કફર્યુ અંગે થોડી અવઢવમાં છે. અધિકારીઓ દ્વારા એવો રિપોર્ટ ચોક્કસ આપવામાં આવ્યો છે કે, રાજ્યમાં હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોય આવામાં નાઈટ કફર્યું ઉઠાવી લેવામાં આવે તો કોઈ વાંધો નથી પરંતુ સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેનું પરિણામ આવ્યા બાદ નાઈટ કફર્યુમાં છુટછાટ આપે તેવી સંભાવના જણાય રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખુબજ વધ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પ્રતિદિન કોરોનાના અનેક કેસો મળી આવતા હોય નવેમ્બર માસમાં સરકાર દ્વારા આ ચાર શહેરોમાં રાત્રી કફર્યુ લાદવામાં આવ્યો હતો. હવે કોરોનાનું સંક્રમણ ચોક્કસ ઘટ્યું પરંતુ ચૂંટણીના કારણે સંક્રમણ ફરી વધે તેવી દહેશત જણાય રહી છે. હાલ જો રાત્રી કફર્યુ ઉઠાવી લેવામાં આવે અને ચૂંટણી બાદ ફરી કોરોનાનું સંક્રમણ વધે તો ફરી આકરા પગલા લેવાની જરૂરીયાત ઉભી થાય તો લોકોમાં નારાજગી વધે તેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સરકાર હાલ નાઈટ કફર્યુમાં છુટછાટ આપવાની તરફેણમાં ન હોવાનું ચર્ચાય રહ્યું છે.