અબતક, નવી દિલ્હી :
ભારતમાં સરકાર ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં મોટો ફેરફાર કરવા વિચારી રહી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ મહત્વકાંક્ષાઓ માટે આ ઉદ્યોગ મહત્વપૂર્ણ છે. પરંતુ 100 વર્ષ જૂની નીતિ અને વર્ષોથી ચાલી રહેલા દાવાથી આ ઉદ્યોગ પરેશાન છે.
ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે નવા સરળ નિયમો લાવવાનું કર્યું જાહેર :
ફેબ્રુઆરીમાં નવા નિયમોની જાહેરાત થાય તેવી પ્રબળ સંભાવના
અહેવાલ મુજબ, સરકાર એવી રીતો શોધી રહી છે કે જેના દ્વારા કંપનીઓ અમલદારશાહી મંજૂરી વિના મર્જ, વિસ્તરણ અને સંચાલન કરી શકે, જેથી વારંવાર મુકદ્દમા ટાળી શકાય. ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેઓ ફેબ્રુઆરીમાં નવા નિયમોની જાહેરાત કરી શકે છે.
રિપોર્ટ અનુસાર, વૈષ્ણવે કહ્યું કે હજુ પણ ટેલિકોમ માટે વર્ષ 1885મા જે એક્ટ છે તે પ્રમાણે જ ચાલવું પડી રહ્યું છે. પરંતુ વસ્તુઓ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે કાયદા હેઠળ લાગુ થતા અન્ય નિયમો પણ 60 થી 70 વર્ષ જૂના છે. ટેલિકોમ મંત્રીએ બ્રિટિશ યુગના ભારતીય ટેલિગ્રાફ એક્ટ તરફ ધ્યાન દોર્યું, જે સરકારને સેક્ટર પર વિશેષ સત્તા આપે છે. તેમણે કહ્યું કે તેઓ નિયમનને સંપૂર્ણ રીતે બદલવાનું વિચારી રહ્યા છે.
જુલાઈમાં ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશનના મુખ્ય પોર્ટફોલિયો સંભાળનાર 51 વર્ષીય વૈષ્ણવે મોબાઈલ ફોન ઓપરેટરો માટે એક પેકેજ રજૂ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદકોને આકર્ષવા માટે એક યોજના પણ રજૂ કરી હતી. ભારતને તેના મોટી સંખ્યામાં વપરાશકર્તાઓની બજાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે મજબૂત ટેલિકોમ ઉદ્યોગની જરૂર છે, જે ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે મેળ ખાય શકે છે, જેઓ પહેલેથી જ સુપર-ફાસ્ટ 5જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે.
સરકાર ટેરીફનો નિર્ણય ટેલિકોમ કંપનીઓ ઉપર છોડી દેશે
ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2016માં અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઈન્ફોકોમના આગમનથી દેશમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે ભાવ યુદ્ધ ચાલી રહ્યું છે. આ સિવાય બીજી ઘણી કંપનીઓએ પણ વર્ષોથી કેસનો સામનો કરવો પડ્યો છે. વૈષ્ણવે કહ્યું કે સરકાર ટેરિફ માટે કંઈ ખાસ કરશે નહીં અને તે કંપનીઓ પર છોડી દેશે કે તેઓ તેમના ગ્રાહકોની સમજના આધારે નિર્ણય લે.
એક વર્ષમાં 5જી શરૂ થઈ જશે
ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત ઓક્ટોબર-ડિસેમ્બર 2022 સુધીમાં 5જી સેવાઓ શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અંદાજે એક વર્ષમાં 5જી સેવાનો વપરાશ દેશમાં સામાન્ય થઈ જશે. આ માટે સરકાર અને ટેલિકોમ કંપનીઓ સતત પ્રયત્નશીલ છે. સમયની માંગ પ્રમાણે ઈન્ટરનેટની સ્પીડ વધે તે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ટેલિકોમ ક્ષેત્રમાં સંખ્યાબંધ માળખાગત અને પ્રક્રિયાગત સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી. રોજગારનું રક્ષણ અને રોજગારની તકો સર્જાવાની, તંદુરસ્ત સ્પર્ધાને ઉત્તેજન મળવાની, ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થવાની, રોકડ પ્રવાહિતા ઉમેરાવાની, રોકાણને પ્રોત્સાહન આપવા આ સુધારાઓ કરવામાં આવ્યા હતા. આ સુધારાઓમાં સરકારે ટેલિકોમ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપી છે, પણ એ પહેલાં આ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી હતી, પણ ઓટોમેટિક રૂટથી માત્ર 49 ટકા એફડીઆઈની મંજૂરી હતી. એનાથી વધુ મૂડીરોકાણ માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે ટેલિકોમ કંપનીઓ વિદેશી કંપનીઓને હિસ્સો વેચીને ફંડ એકઠું કરી શકે છે. બીજી મોટી રાહત એજીઆર મામલે આપવામાં આવી હતી, કંપનીઓને એજીઆરની રકમ ચૂકવવા માટે ચાર વર્ષનો સમય આપવામાં આવ્યો છે. જેથી એજીઆર મુદ્દે કંપનીઓનો ડર ઓછો થવાની અપેક્ષા છે.