સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રજાને ફળશે
૩૧ જિલ્લા પંચાયતો, ૬ મહાપાલિકા, ૫૫ નગરપાલિકા અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી નજીક આવતા સરકાર હરકતમાં, ચૂંટણી જાહેર થયા પૂર્વે અનેક સમસ્યાઓ ઉકેલાશે
વર્ષ ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપને કળ ન વળે તેવી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો, હવે આગામી ચૂંટણીમાં ભાજપ ફતેહ હાંસલ કરવા મેદાને
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાને હવે થોડો સમય બાકી છે. આ પૂર્વે સરકાર મતદારોને રીઝવવા માટે થોકબંધ જાહેરાતો કરવાની તૈયારીમાં છે. રોડ- રસ્તા, ખેડૂતોના પ્રશ્નો, કર્મચારીઓના પ્રશ્નો, નાના- નાના ગામના પ્રશ્નો ઉકેલવા સરકારે મથામણ હાથ ધરી છે. આ ઉપરાંત અનેકવિધ વિકાસલક્ષી જાહેરાત પણ થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ જાહેર થવાની અણીએ પહોંચીને કોરોનાના કારણે પાછળ ઠેલવાય હતી. હવે આ ચૂંટણી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. અગાઉ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને કારમી હાર અપાવી હતી. જો કે ઘણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર કોંગ્રેસનો કબજો હોય કોંગ્રેસના હાથમાંથી આ સંસ્થાઓ છીનવી લેવા ભાજપે વ્યૂહ ઘડ્યો છે. ભાજપે ટોપ ટુ બોટમ પ્લાનિંગ હાથ ધરી મતદારોને રીઝવવાની કવાયત પણ હાથ ધરી દીધી છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર એમ છ મહાનગરપાલિકા અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લા પંચાયતની ચૂંટણી તથા ૫૫ નગરપાલિકા અને ૨૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણી હવે નજીકના દિવસોમાં યોજવા જઈ રહી છે. અગાઉ વર્ષ ૨૦૧૫ના વર્ષમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ત્યારે ભાજપને કારમી હાર સહન કરવાનો વારો આવ્યો હતો. તે સમયે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. પાટીદાર અનામત ફેક્ટરથી ભાજપ માત્ર મહાપાલિકામાં જ જીત મેળવી શક્યું હતું. બાકી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપને કળ ન વળે તેવી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. જેના પગલે મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોંગ્રેસ હસ્તક થઈ ગઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ભાજપ હાલ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
કઇ-કઇ જાહેરાતો થઇ શકે છે?
રોડ- રસ્તા માટે વિધાનસભા દિઠ રૂ. ૫૦-૫૦ કરોડની ફાળવણી
સ્ટેમ્પ ડ્યુટીમાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો
ખેડૂતો માટે માવઠાની સહાય જાહેર કરવી
મહાપાલિકામાં ભળેલા ગામોના વિકાસ માટે પ્રોજેકટોને મંજૂરી આપવી
અગરિયાઓ માટે મહત્વની જાહેરાત
પ્રવાસન ક્ષેત્રે મહત્વની જાહેરાત
પરિવહન ક્ષેત્રે મહત્વની જાહેરાત
યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોને રાહત આપતી મહત્વની જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વર્ષ ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીનો સેમિફાઇનલ જંગ!!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વર્ષ ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીનો સેમિફાઇનલ જંગ સમાન બની રહી છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી સૌથી મહત્વની છે. તેના પરિણામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ ઉપર નિર્ભર હશે. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સારી રીતે જીત હાંસલ કરશે. તો વિધાનસભાની ચૂંટણીમાં ઘણી સરળતા રહેશે તે નક્કી છે. માટે જ વિધાનસભાની ચૂંટણી ફાઇનલ જંગ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સેમિફાઇનલ જંગ માનવામાં આવી રહી છે.
ગત ચૂંટણીમાં પાટીદાર અનામત ફેક્ટર કોંગ્રેસને ફાવી ગયું’તું
વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું હતું. આ વેળાએ ભાજપ પાટીદાર અનામત ફેક્ટર સામે નબળું સાબિત થયું હતું. ભાજપે તમામ પ્રયાસો કર્યા હતા પણ પાટીદાર અનામતની જ્વાળા સામે તે પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા અને ભાજપને કારમી હાર સહન કરવાનો વારો આવ્યો હતો. આ આંદોલન કોંગ્રેસને ફાવી ગયું હતું. ભાજપથી નારાજ પાટીદારોએ કોંગ્રેસને મતો આપીને વિજયી બનાવી હતી. જેના પગલે મોટાભાગની જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો કોંગ્રેસે કબ્જે કરી હતી.
સરકારી કર્મચારીઓ તક જોઈને સરકારને ભીંસમાં લેવા આંદોલનો પણ છેડશે
ચૂંટણી ટાણે જ સરકારી કર્મચારીઓના આંદોલનો વેગ પકડે છે. કારણ કે ચૂંટણી પૂર્વે સરકાર બધાને રાજી રાખવાના પ્રયાસો હાથ ધરતી હોય છે. તેવામાં સરકારી કર્મચારીઓ પણ તક જોઈને પોતાના પડતર પ્રશ્નો મામલે લડત ચલાવતા હોય છે.અને ચૂંટણી ટાણે શરૂ થયેલા આંદોલનો મહદ અંશે સફળ પણ રહેતા હોય છે. એટલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તે પૂર્વે જ અનેક સરકારી કર્મચારીઓના સંગઠનો આંદોલનો શરૂ કરશે તે નક્કી છે.