પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે કિશોરી કુશળ બનો કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિ
સુપોષિત આહારના મહત્વ સાથે વિવિધ સ્ટોલના માધ્યમ થકી કિશોરીઓને અપાયું માર્ગદર્શન
મહીલા અને બાળ કલ્યાણ વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો તથા પૂર્ણા યોજના અંતર્ગત તા. 3 જાન્યુઆરીથી સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનો શુભારંભ થઈ ચુક્યો છે.
જે અનુસંધાને આજરોજ રાજકોટ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ગ્રામ્ય તથા પડધરીના સંયુક્ત ઉપક્રમે કિશોરી કુશળ બનો મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગવું કામ કરીને અનેરી સિદ્ધીઓ પ્રાપ્ત કરી રહી છે. પછી અવકાશ હોય કે ઓટોમોબાઈલ ક્ષેત્ર. રમતગમતથી લઈને રાજકારણના ક્ષેત્રમાં પણ મહિલાઓએ આગવું કાઠું કાઢ્યું છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકારદ્વારા બજેટમાં પણ નોંધપાત્ર નાણા ફાળવવામાં આવી રહ્યા છે. દીકરીના જન્મથી લઈને તેને આત્મનિર્ભર બનાવવા સુધીની સફરમાં ગુજરાત સરકાર વિવિધ યોજનાઓના માધ્યમ થકી હરહંમેશ તેની પડખે ઉભી છે.
આ તકે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપતાં અને સ્વસ્થ જીવન માટે સુપોષિત આહારનું મહત્વ સમજાવતાં વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મદદનીશ બાગાયત નિયામક (કેનિંગ) વિભાગ સહિતના અન્ય વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
વધુમાં સ્વબચાવ તાલીમના નિદર્શન સાથે કિશોરીઓને પોતાનું રક્ષણ જાતે કરવાની પ્રેરણા આપવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓના હિમોગ્લોબીન અને બી.એમ.આઈ. ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.જે આ તકે જિલ્લા કલેકટર મહેશ બાબુએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને વધુ પ્રેરિત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડે.કમિશનર આશિષ કુમાર, મહિલા અને બાળ યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન સુમિતાબેન ચાવડા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ , કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજય સરકાર દ્વારા મહિલાઓ જન્મથી જ પગભર થાય અને આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા કાર્યક્રમ તે દિશામાં આગળ વધવાનું એક ઉતમ પગલું છે.