ઓનલાઈન બદલીના કેમ્પના કારણે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં પિટીશન ફાઈલ કરી હતી
કોર્ટ કેસના કારણે શિક્ષણ વિભાગે બદલી પ્રક્રિયાના કેમ્પ મોકુફ રાખ્યા હતાં
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો મામલો સરકાર મહત્વનો નિર્ણય લે તેવી શક્યતાઓ છે. ઘણા સમયથી રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલી અટવાઈ ગઈ છે. ઓનલાઈન બદલીના કેમ્પના કારણે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં પિટીશન ફાઈલ કરી હતી. જેથી કોર્ટ કેસના કારણે શિક્ષણ વિભાગે બદલી પ્રક્રિયાના કેમ્પ મોકુફ રાખ્યા હતાં.
તાજેતરમાં જ સરકાર, પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના સભ્યો તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓએ બદલીને લઈને કમિટી બનાવી હતી. આ કમિટીએ છ જેટલી બેઠકો કરીને બદલીના નિયમોમાં કેટલાક ફેરફારો કરવાની માંગ કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે શિક્ષણ વિભાગના મંત્રીઓ અને આગેવાનોની બેઠક મળી હતી.
આ બેઠકમાં સોમવારે બદલીના નિયમો જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આગામી 48 કલાકના ગાળામાં સરકાર બદલીના નિયમોની સત્તાવાર જાહેરાત કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સરકાર જાહેરાત કરે ત્યાર બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સિનિયોરિટી પ્રમાણે પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પ શરૂ થઈ શકે છે.