ડુંગળીના પાક વચ્ચે આયાતનું ડીંડક!
ખેડુતોના ખરીફ પાકની ડુંગળી બજારમાં આવી રહી છે ત્યારે સરકારે મંગાવેલો આયાતી ડુંગળીનો પ્રથમ જથ્થો આવતા સપ્તાહે આવનારો છે જેથી હવે ડુંગળીના ભાવો ખેડુતોને રડાવશે!
ગરીબથી લઈને અમીરની થાળીમાં શોભતી ડુંગળી ભારતમાં એક મહત્વપૂર્ણ ખોરાક મનાય છે. ભારતમાં દર વર્ષે વિપૂલ પ્રમાણમાં ડુંગળીનો પાક થાય છે. પરંતુ ડુંગળીને સંગ્રહવાની યોગ્ય માળખાકીય સુવિધાના અભાવે દર વર્ષે ડુંગળીની મોકાણ સર્જાય છે. ડુંગળીનો પાક વિપુલ પ્રમાણમાં આવે ત્યારે ખેડુતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. જેથી વધારાની ડુંગળી નિકાસ કર્યા બાદ ડુંગળીની તંગી ઉભી થવાથી તેના વધતા ભાવો ગ્રાહકોને રડાવે છે. ચાલુ વર્ષે ભડકે બળતા ડુંગળીના ભાવોને કાબુમાં લેવા સરકારે ઈજીપ્ત અને તૂર્કીથી ડુંગળીને આયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ આયાતી ડુંગળીનો પ્રથમ ૩૫ હજાર ટનનો જથ્થો આવતા સપ્તાહમાં આવનારો છે. ત્યારે બીજી તરફ બજારમાં ખેડુતોએ વાવેલી ખરીફ ડુંગળીનો જથ્થો માર્કેટમાં આવવાનો પ્રારંભ થઈ ગયો છે. જેથી ગરીબોની ‘કસ્તુરી’ મનાતી ડુંગળીના વ્યવસ્થાતંત્રને પારખવામાં સરકાર ઉણી ઉતરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
દેશમાં ભડકે બળી રહેલી કિંમતોથી ગરીબોની કસ્તુરી જનતાને વગર આંસુએ રડાવી રહી છે. ગઈકાલે તામિલનાડુના મદુરાઇમાં ડુંગળીના ભાવ રૂપિયા ૧૮૦ પ્રતિ કિલો પર જ્યારે ગોવાના પણજીમાં ૧૬૫ પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા. તેલંગણાના હૈદરાબાદમાં ડુંગળી રૂપિયા ૧૫૦ પર પહોંચી હતી. ડુંગળીના મુખ્ય ઉત્પાદક રાજ્ય ગણાતા મહારાષ્ટ્ર્ની રાજધાની મુંબઇમાં ડુંગળીના ભાવ સપ્ટેમ્બરના રૂપિયા ૬૦થી ત્રણ ગણા વધીને રૂપિયા ૧૫૦થી ૧૬૦ પ્રતિ કિલો થઇ ગયા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ડુંગળી રૂપિયા ૧૫૦ પ્રતિ કિલો પર પહોંચી ગઇ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ડુંગળી રૂ.૧૪૦-૧૫૦ પ્રતિ કિલો પર પહોંચી હતી.
ઓડિશાના ભુવનેશ્વર અને કટકમાં ડુંગળીના ભાવ રૂપિયા ૧૩૦ પ્રતિ કિલો બોલાયા હતા. તેવી જ રીતે રાજસ્થાનના કોટામાં પણ ડુંગળી રૂપિયા ૧૩૦ના ભાવે વેચાઇ હતી. ચંડીગઢમાં ડુંગળીના ભાવ રૂપિયા ૧૨૦ પ્રતિ કિલો નોંધાયા હતા. હૈદરાબાદમાં જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં ૧૦૦ કિલો ડુંગળીના ભાવ રૂપિયા ૧૫,૦૦૦ને આંબી ગયો છે. તામિલનાડુના મદુરાઇના ડુંગળીના વેપારીએ જણાવ્યું હતું કે, અમે સારી ગુણવત્તાની ડુંગળી રૂપિયા ૧૮૦ પ્રતિ કિલો વેચી રહ્યા છે. હલકી ગુણવત્તા ધરાવતી ડુંગળી અત્યારે રૂપિયા ૧૩૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
બીજીતરફ કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, સરકાર ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા તમામ પ્રયાસ કરી રહી છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં ઉત્પાદનમાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે. અમે ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે અને સ્ટોક પર પણ મર્યાદા લાદી દીધી છે. નાફેડ અને એનસીસીએફ દ્વારા સસ્તી ડુંગળી ઉપલબ્ધ કરાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. આગામી સપ્તાહ સુધીમાં દેશમાં આયાતી ડુંગળી ઉપલબ્ધ બની રહેશે.
દેશમાં સર્જાયેલી ડુંગળીની અછત પૂરી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે. અત્યારે દેશમાં કુલ ૧,૬૦,૦૦૦ ટન ડુંગળીની ઘટ છે જેની સામે સરકારે ફક્ત ૨૧,૦૦૦ ટન ડુંગળીની આયાતના ઓર્ડર આપ્યા છે. ૨૨ નવેમ્બરે સરકારે ઇજિપ્તને ૬૦૯૦ ટન ડુંગળીનો ઓર્ડર આપ્યો હતો જે ૧૦મી ડિસેમ્બર પછી ભારત પહોંચે તેવી સંભાવના છે. ત્યારબાદ સરકારે તુર્કીને ૧૧,૦૦૦ ટન ડુંગળીનો કોન્ટ્રાક્ટ આપ્યોછે જે જાન્યુઆરી મહિનામાં ભારત પહોંચશે.
કોંગ્રેસના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં ડુંગળીના વધતા ભાવ સામે દેખાવો કર્યા હતા. તેમની સાથે જામીન બાદ મુક્ત થયેલા પી ચિદમ્બરમ પણ સામેલ થયા હતા. તેમના હાથોમાં મહંગાઇ પર પ્યાજ કી માર, ચૂપ ક્યોં હૈ મોદી સરકાર અને કૈસા હૈ યે મોદી રાજ, મહંગા રાશન મહંગા પ્યાજ જેવા પોસ્ટરો નજરે પડતાં હતાં.
લોકસભામાં ડુંગળીની વધતી કિંમતોની ચર્ચામાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, હું ડુંગળી અને લસણ ખાતી નથી. હું એવા પરિવારમાંથી આવું છું જેને ડુંગળીની કિંમતો સાથે કોઇ લેવાદેવા નથી. તેમ છતાં હું ડુંગળીની વધી રહેલી કિંમતોના મામલા પર ધ્યાન આપીશ. નિર્મલા સીતારામન બાદ કેન્દ્રીયમંત્રી અશ્વિની ચૌબેએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય ડુંગળી ખાધી જ નથી તેથી મને તેની કિંમત ક્યાંથી ખબર હોય?