ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓના રેગ્યુલેશન માટે એક કાયદો ઘડવા સરકાર હરકતમાં આવી છે. વિધાનસભાના આગામી સત્રમાં આ માટે એક ખરડો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તેના દ્વારા રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના સંચાલન અને કામગીરીમાં સુધારો થાય તેવી અપેક્ષા છે.
આગામી વિધાનસભા સત્રમાં ખરડો રજૂ થાય તેવી શકયતા, નવા કાયદાથી અનેક વિસંગતતાઓ હવે કાયમ માટે દૂર થાય તેવા એંધાણ
હાલમાં હાઉસિંગ સોસાયટીઓને લગતા નિયમોમાં ઘણી બધી વિસંગતતા છે અને તેના કારણે વિવાદ થાય છે. નવા કાયદાથી આ વિવાદોનો અંત આવે તેવી શક્યતા છે. એક અધિકારીએ જણાવ્યું કે પ્રસ્તાવિત કાયદામાં ગવર્નન્સની મેટર, ચૂંટણી, કમિટીના સભ્યોની નિમણૂક, મકાન વેચતી વખતે થતા વિવાદો અને સોસાયટીના એકાઉન્ટનો સમાવેશ કરાવેશે. આ ઉપરાંત ફાયર સેફ્ટી, ગટર વ્યવસ્થા વગેરે પણ તેમાં આવરી લેવામાં આવશે.
હાલમાં સરકાર પ્રસ્તાવિત કાયદા માટે એક ડ્રાફ્ટ ઘડી રહી છે અને તેના માટે વિવિધ ડિપાર્ટમેન્ટના ઈનપુટ મગાવવામાં આવ્યા છે. વિધાનસભાના આગામી સત્રમાં આ ખરડો પ્રસ્તુત થાય તેવી શક્યતા છે. હવે વિધાનસભામાં બજેટ સત્ર આવવાનું છે.સરકાર હાઉસિંગ સોસાયટીઓને લગતી બાબતો માટે એક ઓથોરિટીની નિમણૂક કરે તેવી સંભાવના છે. એગ્રીકલ્ચરલ અથવા બીજી કોઓપરેટિવ સોસાયટીઓની તુલનામાં હાઉસિંગ સોસાયટીઓ અલગ રીતે ચાલતી હોય છે. હાઉસિંગ સોસાસટીઓ જે રીતે સંચાલિત થાય છે તેનાથી કરોડો લોકોને અસર થાય છે તેથી તેના માટે એક વિશેષ કાયદો હોવો જરૂરી છે. એક ખાસ ઓથોરિટી રચવામાં આવે તો હાઉસિંગ સોસાયટીઓના પ્રશ્નોનો વધુ સારી રીતે ઉકેલ આવી શકશે.
ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને એવું જોવા મળ્યું છે કે કોઓપરેટિવ રજિસ્ટ્રારની ઓફિસ પાસે એટલો મેનપાવર નથી કે તે તમામ વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ લાવી શકે. આ ઉપરાંત ઘણી હાઉસિંગ સોસાયટીઓ એવી છે જેના એકાઉન્ટ ઘણા વર્ષોથી ઓડિટ કરવામાં નથી આવ્યા.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌ પ્રથમ 1904માં કોઓપરેટિવ સોસાયટી એક્ટ લાગુ થયો હતો અને તેમાં બેંગલોર બિલ્ડિંગ કોઓપરેટિવ સોસાયટીએ સૌથી પહેલાં 1909માં સહકારી હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી હતી. ત્યાર પછી 1912માં તે સમયની બ્રિટિશ સરકાર દ્વારા કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ ઘડવામાં આવ્યો હતો. હાઉસિંગ સોસાયટીઓ સ્વ-સહાય પહેલ અને સ્વ-નિર્ભરતા પર આધારિત છે.