વાહન ભાંગવાની નવી નીતિ કેન્દ્ર સરકારને મળી છે જે ટુંક સમયમાં મંજુર થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. નવી નીતિ અનુસાર ગ્રાહકોને નવા વાહનોની ખરીદી માટે પ્રોત્સાહન મળશે. નવા વાહનની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકોને તેમના જુના વાહનોના બદલામાં ઉંચુ પ્રોત્સાહન વળતર આપવામાં આવશે તેવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોટીવ કમ્પોનંટ મેન્યુફેકચર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સભામાં જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આપણા દેશ માટે ખુબ જ મહત્વકાંક્ષી એવી વાહનોના ભંગાર અને આયુષ્ય મર્યાદા અને ભાંગવાની નીતિના અમલ માટેની મંજુરીની લગોલગ પહોંચી ચુકયું છે. ગડકરીએ ૬૦મી વાર્ષિક સભા કે જે વાહનોના ભંગાણ નીતિ સાથે દેખિતિ રીતે જોડાયેલી છે તેના સંબોધનમાં તેમણે એવી માહિતી આપી હતી કે વાહનો ભાંગવાની નવી નીતિની દરખાસ્ત કેન્દ્ર મળી છે અને તે જેમ બને તેમ વહેલાસર એકાદ મહિનામાં જ મજુર થઈ જાય તેવી અપેક્ષા છે. આ નીતિથી ગ્રાહકોને નવી ખરીદી માટે પ્રોત્સાહન મળશે અને આ માટે સરકાર દ્વારા તેમના જુના વાહનોના બદલામાં ઉંચુ પ્રોત્સાહન વળતર આપવામાં આવશે.
આ કવાયત સમગ્ર ક્ષેત્રના વિકાસ વાહનોના સ્પેરપાર્ટ અને નિર્માણને પ્રોત્સાહન અને ગુણવતાલક્ષી ઉત્પાદન અને નિકાસમાં ખુબ જ વધારો કરશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અત્યારે દેશની આયાતને મર્યાદિત કરીને નિકાસ ક્ષેત્ર પર પુરેપુરુ ધ્યાન આપી રહી છે. આંતરમાળખાકિય વ્યવસ્થાનું સુદ્રઢિકરણ સાથે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર દેશમાં ૨૨ જેટલા ગ્રીન એકપ્રેસ-વે પ્રોજેકટ બનાવશે અને આ માટે કામ શરૂ થઈ ચુકયું છે. તેમણે ઉધોગપતિઓને વાહન ઉત્પાદન માટેનું સામુહિક ઉધોગ કલ્સટરનું નિર્માણ આ એકસપ્રેસ વે ઉપર કરવાનું આહવાન આપ્યું હતું. એક વિડીયો સંબોધનમાં નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, વાહન ભાંગવાની નીતિ મજુરી માટેના અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે અને તેનો અમલ ટુંક સમયમાં જ થશે.