કેન્દ્ર સરકાર આગામી બજેટમાં નાના દુકાનદારો માટે સસ્તી લોન યોજના લાવી શકે છે. આ સિવાય આ સેક્ટર માટેના નિયમોમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી શકે છે. આ બાબતથી વાકેફ બે સૂત્રોનું કહેવું છે કે આ મોટા મતદારોને આકર્ષવા માટે સરકાર નવી સ્કીમ લાવી શકે છે.
મોટા ઇ-કોમર્સના આવવાથી દુકાનદારોને જે નુકસાન સહન કરવું પડી રહ્યું છે તેના બદલામાં સરકાર તેમના માટે બજેટમાં રાહતનો પટારો ખોલે તેવા અણસાર
મોટી ઈ-કોમર્સ કંપનીઓ આવવાથી આ નાના દુકાનદારોનો બિઝનેસ ઘટી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા આવતા મહિને રજૂ થનારા નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં આ પ્રસ્તાવની જાહેરાત થઈ શકે છે.
આ દરખાસ્તનો ઉદ્દેશ્ય નાના રિટેલ સેક્ટરમાં વૃદ્ધિને પુનજીર્વિત કરવાનો છે જેને એમેઝોન, ફ્લિપકાર્ટ, ટાટા ગ્રૂપની બિગબાસ્કેટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓની એન્ટ્રીથી અસર થઈ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે સરકાર એક એવી નીતિ પર કામ કરી રહી છે જેના હેઠળ ઓછા વ્યાજ દરે લોન સરળતાથી આપી શકાય. તેમાં ઈન્વેન્ટરી સામે લોન આપવાનો વિકલ્પ પણ સામેલ છે.
આ ઉપરાંત, નીતિ નવી દુકાનો માટે લાઇસન્સની આવશ્યકતામાં ફેરફાર અને લાઇસન્સના નવીકરણ માટે એક સરળ ઑનલાઇન પ્રક્રિયાની દરખાસ્ત કરી શકે છે. નોટબંધી-જીએસટી અર્થતંત્રને ઔપચારિક બનાવવા અને ટેક્સ બેઝ વધારવા માટે નાના વ્યવસાયને અસર કરે છે, મોદી સરકારે 2016 માં નોટબંધી લાગુ કરી હતી. 2017માં કેન્દ્રએ જીએસટી સિસ્ટમ લાગુ કરી હતી. નાના ઉદ્યોગો પર તેની ખરાબ અસર પડી હતી.
કોરોના રોગચાળાને કારણે નાના ઉદ્યોગોને અસર થઈ હતી, જ્યારે દિગ્ગજ ઓનલાઈન કંપનીઓનો બિઝનેસ વધ્યો હતો. જો કે, કોરોનાથી પ્રભાવિત શેરી વિક્રેતાઓને રાહત આપવા માટે, કેન્દ્રએ 2020 માં એક વર્ષની મુદતની ગેરંટી વિનાની લોન માટે પીએમ-સ્વાનિધિ યોજના શરૂ કરી હતી. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2030 સુધીમાં દેશના રિટેલ સેક્ટરમાં ઈ-કોમર્સનો વિકાસ દર 19 ટકાની આસપાસ પહોંચી જશે, જે હાલમાં સાત ટકાની આસપાસ છે.
ફુગાવાનો રાક્ષસ હણાયો: જથ્થાબંધ ભાવાંક ઘટીને 5 ટકાની અંદર
ભારતમાં જથ્થાબંધ ભાવાંક નવેમ્બરમાં 5.85% હતો. જે ઘટીને ડિસેમ્બર 2022માં 4.95% થયો હતો તેનુ મુખ્યકારણ ખાદ્ય ચીજો અને ક્રૂડ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થયો તેના લીધે આ રાહત મળી છે. જથ્થાબંધ ભાવાંક એક વર્ષ અગાઉ ડિસેમ્બર 2021માં 14.27% હતો.
આ સુચંકાક મુજબ ખાદ્ય ચીજોમાં ફુગાવો 1.25% હતો, જ્યારે ઇંધણ અને પાવરના કિસ્સામાં તે ડિસેમ્બર 2022 દરમિયાન 18.09% હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે,આ મહિના દરમિયાન બાંધકામ ક્ષેત્રના ઉત્પાદનોમાં ફુગાવો 3.37% નોંધાયો હતો. અહેવાલ અનુસાર, ડિસેમ્બર 2022માં ફુગાવાના દરમાં ઘટાડોનુ મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ અને રાસાયણિક ઉત્પાદનોના ભાવમાં સરખામણી એ ઘટાડો જોવા મળ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ડિસેમ્બર 2022માં લોકસભામાં દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવા માટે જરૂર પગલાં લેશે. ડિસેમ્બર 2022માં રિટેલ ફુગાવો ઘટીને 5.72% થયો હતો. તે સેન્ટ્રલ બેંકની 6%ની મર્યાદાથી નીચે સતત દસ મહિના પછી આવ્યો છે. આંકડાઓ મુજબ ગ્રામીણ ફુગાવા દરમાં પણ ઘટાડો નોંધાયો છે.
ભારતે રશિયા પાસેથી એક જ વર્ષમાં 33 ગણું વધુ સસ્તું ક્રૂડ ખરીદ્યું
ભારત હવે એક વર્ષ પહેલા કરતાં 33 ગણું વધુ રશિયન તેલ ખરીદી રહ્યું છે. વોર્ટેક્સા લિમિટેડના ડેટા અનુસાર, વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ આયાતકાર ભારતે ડિસેમ્બર મહિનામાં રશિયા પાસેથી સરેરાશ 1.02 મિલિયન બેરલ તેલની ખરીદી કરી છે. નવેમ્બરમાં આયાત કરાયેલા તેલ કરતાં આ 29% વધુ છે. રશિયા હવે ભારત માટે તેલનો સૌથી મોટો સ્ત્રોત બની ગયો છે. આ મામલે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે ઈરાક અને સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધા છે.
યુક્રેન પર હુમલા બાદ ભારતીય રિફાઇનર્સ સસ્તા રશિયન ક્રૂડનો ઉપયોગ કરી રહ્યા છે. રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ વિશ્વના તેલ ખરીદદારોએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ટાળ્યા બાદ આવી સ્થિતિ સર્જાઈ છે. વોર્ટેક્સના મુખ્ય એશિયન વિશ્લેષક સેરેના હુઆંગે જણાવ્યું હતું કે,
“રશિયાએ ભારતીય રિફાઇનર્સને આકર્ષક ડિસ્કાઉન્ટ પર તેનું ક્રૂડ ઓફર કર્યું છે.” ત્યારથી ભારતે ચીનને પાછળ છોડીને રશિયન ક્રૂડના સૌથી મોટા આયાતકાર તરીકે સ્થાન મેળવ્યું છે. ભારત તેની 85% થી વધુ તેલની માંગને આયાત દ્વારા પૂરી કરે છે, તેથી તેને કિંમતની અસ્થિરતા માટે અત્યંત સંવેદનશીલ દેશ માનવામાં આવે છે. સરકાર દ્વારા મે મહિનાથી ડીઝલ અને ગેસોલિનના ભાવ વધારવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ સરકારી માલિકીની રિફાઇનર્સે વધુને વધુ સસ્તા રશિયન તેલની આયાત કરવાનું શરૂ કર્યું છે. પાછલા મહિનામાં ભારતે રશિયા સિવાય અન્ય બે મુખ્ય સપ્લાયર્સ પાસેથી પણ આયાતમાં વધારો કર્યો છે. ઈરાકમાંથી તેલની ખરીદી 7% વધીને લગભગ 886,000 બેરલ પ્રતિ દિવસ થઈ, જ્યારે સાઉદી અરેબિયામાંથી 12% વધીને લગભગ 748,000 બેરલ પ્રતિ દિવસ થઈ.