માર્ગ અકસ્માતના પીડિતોને પૈસાના અભાવે જીવ ન ગુમાવો પડે તે માટે સરકારનું સારવાર માટેનું આયોજન કરતું રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય

રોડ એકસીડન્ટના પીડિતોને સરકાર હોસ્પિટલની  સારવા ર સહિતની સુવિધા  માટે ફંડ ફાળવશે

વાહન ચાલકોની ડ્રાઇવિંગ દરમિયાન પૂરપાટ ઝડપ, ટ્રાફિક નિયમોના પાલનના અભાવે ગંભીર અકસ્માતો બનતા હોય છે. વર્ષે સેંકડો લોકો મોતને ભેટે છે તો ઘણા લોકો અસહાય બને છે. એમાં પણ ખાસ હાઈવે પર બનતા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવારના અભાવે જીવ પણ ગુમાવવો પડે છે. આવી સ્થિતિમાં હવે સરકારે ઇજાગ્રસ્તોની વ્હારે આવવાનું નક્કી કર્યું છે. હાઈવે પર થતા અકસ્માતોના પીડિતોને પૈસાના અભાવે જીવ ગુમાવવો ન પડે તે માટે સરકારે સારવાર માટેનું આયોજન કર્યું છે અને ફંડ ફાળવવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે અકસ્માત પીડિતો માટે વળતરની રકમમાં વધારો કરવાની યોજના પ્રસ્તાવિત કરી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાનું વળતર સૂચવવામાં આવ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે રોડ અકસ્માત પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા માટે ભંડોળ ફાળવશે. જેથી ખાતરી કરી શકાય કે પૈસાની અછતથી કોઈ પણ વ્યક્તિ તબીબી સારવારથી વંચિત ન રહી જાય. મંત્રાલયે આ સપ્તાહે આ ફંડની રચના અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

વીમાધારક વાહન માર્ગ અકસ્માતમાં સામેલ થવાના કિસ્સામાં, સંબંધિત વીમા કંપની દ્વારા હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. હિટ એન્ડ રન કેસોમાં અથવા વીમા વગરના વાહનો સાથે સંકળાયેલા અકસ્માતોમાં, ખર્ચ ફંડમાંથી વહેંચવામાં આવશે. તેમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાહન વ્યવહાર મંત્રાલયે જણાવ્યું કે હિટ એન્ડ રન કેસોના પીડિતોને મદદ કરવા અથવા જ્યાં વાહનનો વીમો ન હોય ત્યાં મદદ કરવા માટે સરકારની યોજના છે. તેથી, તે કિસ્સાઓમાં, સરકાર ખર્ચ ઉઠાવશે. જે રકમ નિયુક્ત એજન્સી દ્વારા ચૂકવણી કરવામાં આવશે. આથી હવે જે લોકોને જે હાઈ વે અકસ્માતમાં ગંભીર ઇજા થાય છે તેમને મોટી મદદ મળી રહેશે. હોસ્પિટલ સારવાર ખર્ચના આર્થિક બોજામાંથી મોટી રાહત મળશે.

લોકડાઉન સહિતના આકરા નિર્ણયોથી અકસ્માતો ઘટયા!!

છેલ્લા 20 વર્ષમાં માર્ગ અકસ્માતનો દર સૌથી નીચે વર્ષ 2020માં રહ્યો

ગત વર્ષે 3.66 લાખ રાડ એકસીડન્ટમાં 1.32 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

કોરોના વાયરસે એક હકારાત્મક પરિણામ આપ્યું છે અને એ છે કે તેના કારણે થયેલા લોકડાઉન અને આકરા પ્રતિબંધોને લીધે પરિવહન ઘટતા અકસ્માતો પણ ઘટયા છે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 20 વર્ષમાં રોડ અકસ્માતમાં વર્ષ 2020માં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ દરમિયાન 3.66 લાખ માર્ગ અકસ્માતો થયા હતા. જે છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછા છે. આ સાથે માર્ગ અકસ્માતમાં થયેલા મોતની સંખ્યા પણ ઘટી છે. વર્ષ 2020માં લગભગ 1.32 લાખ લોકોના મોત થયા હતા, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો છે. અગાઉ 2009 માં સૌથી ઓછો 1.26 લાખ મૃત્યુદર હતો.

સમગ્ર દેશમાં કોવિડ-પ્રેરિત લોકડાઉન દરમિયાન વાહનોની અવરજવર પર પ્રતિબંધને કારણે રસ્તા પરના મૃત્યુ અને અકસ્માતોમાં તીવ્ર ઘટાડો થયો. વર્ષ 2019માં, ભારતમાં માર્ગ અકસ્માતમાં લગભગ 1.51 લાખ લોકોના જીવ ગયા હતા. લોકસભામાં એક સવાલના જવાબમાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મૃત્યુમાં ઘટાડાને ટાંકીને કહ્યું કે તેમના મંત્રાલયે શિક્ષણ, એન્જિનિયરિંગ (રસ્તાઓ અને વાહનો), અમલીકરણ અને રસ્તા પર આધારિત માર્ગ સલામતીના મુદ્દાને ઉકેલવા માટે બહુપક્ષીય વ્યૂહરચના ઘડી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.