રેલવે મુસાફર સુવિધા સમિતિના સભ્ય, વકફ બોર્ડના મેમ્બર, ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ અને હજ કમિટી ઓફ ઇન્ડિયાના સભ્ય મહોમ્મદ ઈરફાન અહેમદે ‘અબતક’ સાથે ‘ચાય પે ચર્ચા’માં કરી મહત્વપૂર્ણ વાતો

સૌરાષ્ટ્રના રેલવે નેટવર્કને સમગ્ર દેશ સાથે જોડવા માટે મોદી સરકાર ગંભીર: સરાહનીય કામગીરી અને અસરકારક નિર્ણયોના પગલે ૨૦૧૯ લોકસભામાં પણ મોદી લહેર છવાઈ તેવો આશાવાદ વ્યકત કર્યો

રાજકોટ રેલવે સ્ટેશનની ચકાસણી માટે આવેલા રેલવે મુસાફર સમીતીના સભ્ય મહોમ્મદ ઈરફાન અહેમદે ‘અબતક’ના સ્પેશ્યલ શો ‘ચાય પે ચર્ચા’માં ભારતીય રેલવેના વિકાસ, લઘુમતી મહિલાઓ અને યુવાનોનું સશક્તિકરણ ઉપરાંત ત્રિપલ તલાક જેવા મહત્વના મુદ્દે વાતચીત કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં રેલવે બાબતે થયેલા મહત્વના કામો ઉપર પ્રકાશ પાડયો હતો. આ ઉપરાંત લઘુમતી મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અને યુવાનોને રોજગારી મળે તે માટે સરકારની ચિંતા બાબતે મહત્વના મુદ્દા લોકો સમક્ષ મુકયા હતા.

મહોમ્મદ ઈરફાન અહેમદ રેલવે મુસાફર સુવિધા સમીતીના સભ્ય હોવાના ઉપરાંત લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ, વકફ બોર્ડના સભ્ય અને હજ યાત્રા સમીતીના સભ્ય પણ છે. રેલવે બાબતે વાત કરતા મહોમ્મદ ઈરફાન અહેમદે ભારતમાં પ્રધાનમંત્રી મોદીની સરકાર બની છે ત્યારથી મુસાફરોની સુવિધાઓ બાબતે ખાસ ધ્યાન દેવાઈ રહ્યું છે. દિવ્યાંગોને પણ વધુમાં વધુ સવલતો મળે તે માટે વડાપ્રધાને સમગ્ર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. યુપીએ સરકારના શાસનમાં રેલવે મંત્રી માત્ર બજેટ વાંચી જતા હતા અને ટ્રેનો શરૂ કરી હોવાની ઘોષણા કરતા હતા. પરંતુ આ ટ્રેનો કયારેય કાર્યાન્વિત થતી ન હતી. પરંતુ હવે મોદી સરકારના શાસનમાં ગતિશિલતા આવી છે. જેના પરિણામે રેલવેનો વિકાસ થયો છે. તેમજ રેલવે મંત્રી સુરેશ પ્રભુની મહેનતના પરિણામે મુસાફરોને વધુને વધુ સુવિધા મળી રહી છે.

ટ્રેનોમાં આધુનિક કોચ ઉપરાંત લોકોને ભોજન, આરામદાયક સીટો, બેઠક વ્યવસ્થા, અત્યાધુનિક પ્લેટફોર્મ, લોકોને વિશ્રામ માટેની સુવિધા વગેરેમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનોના મેક ઓવર માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જેનો ફાળો મોદી સરકારને જાય છે.

આ ઉપરાંત વધુમાં લોકોની સુવિધામાં વધારો થાય તે માટે રાજકીય ઈચ્છાશક્તિ કેટલી જ‚રી છે તે બાબતનો જવાબ આપતા કહ્યું હતું કે, અગાઉ યુપીએ સરકારના શાસનમાં માત્ર કાગળો ઉપર ઘોડા દોડાવવામાં આવતા હતા પરંતુ હવે તમામ નિર્ણયો ત્વરીત લેવામાં આવે છે જેનાથી આ સરકાર ગતિશિલ ગણવામાં આવે છે. ગુજરાતમાં રેલવે તંત્ર અગાઉ ખુબ પછાત ગણવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાતમાં પણ રેલવેના વિકાસ માટે મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે.

આ દરમિયાન મહોમ્મદ અહેમદે વિજયભાઈ રૂપાણીના વાત કરતા કહ્યું હતું કે, અગાઉ વિજયભાઈ રાજયસભાના સભ્ય હતા ત્યારે અમદાવાદ દિલ્હી રાજધાની એકસપ્રેસમાં ૫૦ વર્ષ જૂના કોચનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ બાબતે સતત રજૂઆતો કરીને નવા કોચ શરૂકરાવ્યા હતા. જેનો આજે પણ લોકો ઉપયોગ કરી રહ્યાં છે.

આવી રીતે યુપીએના શાસનમાં કોઈ નેતાઓ દ્વારા ગુજરાતમાં રેલવેના વિકાસ માટે કામગીરી કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રમાં રેલવેના ડબલ ટ્રેકનું કામ પણ ઝડપી થાય તે માટે પુરતા પ્રયાસો થઈ રહ્યાં છે. લોકોની ભોજનની મુશ્કેલીઓ દૂર થઈ છે ત્યારે હવે સૌરાષ્ટ્રને સમગ્ર દેશ સાથે જોડી દેવા માટે રેલવે તંત્ર ગંભીર બન્યું છે. સુરેન્દ્રનગર રેલવેનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. ત્યારે હવે પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ડબલ ટ્રેક શરૂથતાની સાથે જ સૌરાષ્ટ્રના બંદરો સમગ્ર દેશ સાથે જોડાઈ જશે જેના પરિણામે વેપારને નવો વિકાસ મળશે.

કાશ્મીર થી ક્ધયાકુમારી અને કચ્છ થી કોહિમા સુધી રેલવેનું નેટવર્ક મજબૂત અને સુવિધાયુકત બને તે માટે મોદી સરકાર દ્વારા પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ તકે ભારતમાં રેલવેની મહત્વતા જણાવતા તેઓએ કહ્યું હતું કે, રેલવે ભારતીય લોકોને એકબીજા સાથે જોડે છે. સામાન્ય રીતે જયારે પ્લેનમાં મુસાફરી કરતા હોય તો આસપાસ બેસેલા મુસાફરો કયાંના છે અને શું કરે છે તેની કોઈ માહિતી હોતી નથી પરંતુ રેલવેની મુસાફરી એવી છે કે જયાં અલગ અલગ ધર્મ અને અલગ અલગ પ્રદેશના લોકો એકબીજા સાથે જોડાઈને વાતચીત કરે છે અને ભારતીય એકતા આ મુસાફરીથી તાદર્શ થાય છે.

રેલવેમાં રોજગારીના મુદ્દા બાબતે વાત કરતા તેઓએ કહ્યું હતું કે, અત્યારે રેલવેમાં ૧૩ લાખ લોકોને રોજગારી મળે છે. ભવિષ્યમાં યુવાનો રેલવે સાથે જોડાઈ અને રોજગારી મેળવે તે માટે પણ રેલવે તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સ્કીલ ડેવલોપમેન્ટ સહિતની યોજનાઓ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેમજ કૌશલ્ય કેન્દ્રો ચાલુ કરી તેમાં યુવાનોને તાલીમ આપ્યા બાદ પગભર કરવા માટેનું લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યું છે.

મુસ્લીમ સમાજમાં શિક્ષણના મુદ્દે તેઓએ કહ્યું હતું કે, મોદી સરકારનું પહેલેથી લક્ષ્યાંક છે કે દરેક મુસ્લિમ યુવાનના એક હાથમાં કોમ્પ્યુટર હોય જયારે બીજા હાથમાં તેની પાસે કુરાન પણ હોય. આ હેતુથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર વિકાસ સાથે ધાર્મિક બાબતોને પણ આવરી લેવા માટે કામગીરી કરી રહી છે. વિવિધ યોજનાઓમાં પણ મુસ્લીમોના વિકાસ માટે કામો થાય છે. અગાઉ યુપીએના શાસનમાં સાંપ્રદાયીકતાના બનાવો બન્યા છે છતાં મોદી સરકારે આ બાબતે ખુબ ગંભીરતા રાખી છે. તેમાં પણ જોવા જાઈએ તો જે વિસ્તારોમાં સાપ્રદાયીકતાના બનાવો બને છે ત્યાં વિપક્ષો દ્વારા આ મુદ્દો એક અથવા બીજી રીતે ઉઠાવીને સરકારને ભીંસમાં લેવાના પ્રયત્નો થાય છે. પણ કોંગ્રેસ શાસીત પ્રદેશોમાંથી આવા મુદ્દા બહાર પાડવામાં આવતા નથી.

કાશ્મીર મુદ્દે તેઓએ કહ્યું હતું કે, કાશ્મીરના વિકાસ માટે બે અલગ અલગ વિચારસરણી ધરાવતી પાર્ટી ભાજપ અને પીડીપી એક થતા વિપક્ષના પેટમાં તેલ રેડાયું છે તેના પરિણામે કાશ્મીરમાં ધારા ૩૧૭નો મુદ્દો ઉઠાવવામાં આવે છે.

ખરેખર આ કલમ બીજા પણ રાજયોમાં લાગી છે પરંતુ તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. આ ઉપરાંત કાશ્મીરમાં લોકોને ઉશ્કેરવા પાછળ પણ વિપક્ષનો હાથ હોવાની વાત કરી હતી.

હજ બાબતે મહોમ્મદ અહેમદે કહ્યું હતું કે, જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદીની મુલાકાત કરી હતી જેમાં ભારતીય મુસ્લીમ બિરાદરોની સુવિધામાં વધારો કરવા માટે વાતચીત કરવામાં આવી હતી. આ ઉપરાંત વધુ મુસ્લીમો હજ યાત્રા કરી શકે તે માટે પણ વાતચીત થતા ચાલુ વર્ષે વધુ ૪૫ હજાર મુસ્લીમ બીરાદરો પવિત્ર હજ યાત્રા કરવાના છે.

વકફ બોર્ડ મામલે તેઓએ કહ્યું હતું કે, ભાજપની કમીટી આવતા વકફ બોર્ડની પારદર્શકતામાં વધારો કરવાના પ્રયાસો શરૂ થયા છે. આ ઉપરાંત બોર્ડની જમીન ઉપર કબજા મુદ્દે પણ વધુ ગંભીર નિર્ણયો થવા જઈ રહ્યાં છે. મહારાષ્ટ્રનું ઉદાહરણ દેતા તેઓએ કહ્યું હતું કે, નીતિન ગડકરીએ જે તે સમયે વકફ બોર્ડનો મામલો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના પ્રમુખના કબજાની પોલ છતી કરી હતી.

ત્રિપલ તલાક જેવા ગંભીર મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, મહિલાઓ સશકત બને અને જુની પરંપરાથી મુકત થઈ સમાજ સાથે કદમ મિલાવે તે માટે ભાજપ દ્વારા ત્રિપલ તલાક મુદ્દે જનમત સહિતના કામો થયા છે. આ આંદોલન બાદ પર્સનલ બોર્ડે પણ સ્પષ્ટતા કરી હતી કે, ત્રિપલ તલાક એક વખતમાં થઈ શકે નહીં. પ્રથમવાર તલાક કહ્યાં બાદ એક મહિના માટે સમાધાનના પ્રયાસો થવા જોઈએ, ત્યારબાદ પણ આ મુદ્દો ન ઉકેલાય તો બીજી વખત તલાક કહેવામાં આવે છે. બે વખત કહ્યાં બાદ એક મહિના રહીને ત્રીજી વખત તલાક કહેતા તેને કાયદેસરતા મળે છે.

આ બાબતે સરકારે જાગૃતતા ફેલાવવાના પ્રયાસો શરૂકર્યા છે અને માત્ર મુસ્લિમ મહિલાઓ જ નહીં પરંતુ દેશની ૫૦ ટકા વસ્તી ધરાવતી તમામ મહિલાઓના વિકાસ માટે સરકાર ગંભીર છે. સાઉદીમાં નવયુવાન રાજા દ્વારા મહિલાઓને રોજગારી મળી તે માટે મહત્વના નિર્ણયો કર્યા છે જેમાં ડ્રાઈવરથી લઈને દેશના તમામ નોકરીના સ્થળોએ મહિલાઓને કામ કરવાની છુટ આપવામાં આવી છે. જો સાઉદી જેવા દેશમાં મુસ્લીમ મહિલાઓ છુટથી કામ કરી શકતી હોય તો પછી ભારતમાં આવા પગલા કેમ ન લઈ શકાય તેનો વિચાર કરીને મોદી સરકારે મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વના પગલાઓ લીધા છે.

આવા મહત્વના નિર્ણયોને પગલે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ૩૦૦ પ્લસ બેઠકોથી વિજય મેળવશે તેવો આશાવાદ વ્યકત કરી કહેવાયું હતું કે, આગામી ૧૫ વર્ષ સુધી ભારતમાં મોદી સરકારનું જ નેતૃત્વ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.